ધ્રોલમાં 748 હિન્દુ ધર્મના લોકોએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા મુખ્યમંત્રીને લખ્યો પત્ર

  • August 02, 2024 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ષોથી પ્રાથમિક સુવિધા અને મૃતક પશુઓના મૃતદેહને રોડ પર નખાતા સમસ્યા: ધર્મ પરીવર્તન કરવા અંગેની મંજૂરી માંગતા ખળભળાટ: કલેકટર સમક્ષ ધર્મપરિવર્તન કરવા મંજૂરી આપવા માંગ કરી


જામનગર જિલ્લાના ધ્રોલના વાડી સહિતના વિસ્તારમાં રહેતા ૭૪૮ જેટલા હિન્દુ ધર્મ ના લોકો એ ધર્મ પરિવર્તન કરવા માટે અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ને રજૂઆત કરી છે .પોતાની અનેક સમસ્યાઓ નું નિરાકરણ લાવવામાં નહીં આવતાં આખરે થાકી કંટાળી ને ધર્મ પરિવર્તન નો નિર્ણય લેવાયાનું આવેદનપત્રમાં જાહેર કરાતાં ભારે સનસનાટી મચી ગઈ છે.


ધ્રોળમા વોર્ડ નંબર ૭, પડધરી નાકા પાછળ,  સાત ડેરી મહાદેવ મંદિર વાળા માર્ગે વાડી સહિતના વિસ્તારમાં રહેતા અનેક પરિવારના કુલ ૭૪૮ લોકોએ મુખ્યમંત્રી ઉપરાંત ભાજપ,  કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખો તેમજ ધ્રોલના પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર ને પત્ર પાઠવી રજૂઆત કરતાં જણાવ્યું છે, કે ભાજપ કરતાં કોંગ્રેસ સરકાર સારી હતી. આ સરકારમાં હિન્દુ ની સમસ્યા નું કોઈ નિરાકરણ થતું નથી .અમારા અનેક પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ લાવવામાં નહીં આવતાં આખરે કંટાળી જઈને અમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા ઇચ્છીએ છીએ.


અમારા રહેણાક વિસ્તારના માર્ગે ખાટકી વાડ વિસ્તારમાં માસ મટન નો જાહેરમાં નિકાલ કરવામાં આવે છે. આથી અમારી હિન્દુઓની લાગણી દુભાય છે. આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. અહીંના મરછીયા હોલમાં જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે માસ માટે અને ગંદકીનો બહાર નિકાલ કરવામાં આવે છે. અહીં નજીકમાં જ મરઘા ઉછેર કેન્દ્ર કાર્યરત છે. આ બાબતે પણ ધ્રોલના પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરવા છતા કોઈ પગલા લેવાયા નથી. મચ્છી પીઠ નો કચરો પણ બહાર જાહેર માં ફેકવામાં આવે છે. તેમજ મૃત પશુઓનો પણ આડેધડ નિકાલ કરવામાં આવે છે.


આ વિસ્તારમાં રોડ રસ્તાની કોઈ સુવિધા આપવામાં આવી નથી.સ્ટ્રીટ લાઈટ ની  પણ સુવિધા ઉપલબ્ધ નથી. ચોમાસામાં કાદવ કીચડ થાય છે. પરિણામે અવર જવર માટે નો રસ્તો બંધ થવા પામે છે. અહીં આવેલા મંદિરોના માર્ગે પણ સફાઈ નો અભાવ જોવા મળે છે. ઉપરાંત  મહિલાઓની છેડતી ના પ્રશ્ન બને છે. પરંતુ એક પણ તંત્ર દાદ આપતું નથી.


જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે સ્થાનિક આગેવાનો સહિતના નેતાઓ અમારા વિસ્તારના લોકોનો ઉપયોગ કરે છે .અને સભાઓમાં લઈ જવામાં આવે છે. આ તમામ સમસ્યા માટે રાજકીય આગેવાનો અને અધિકારીઓ જવાબદાર છે. આથી આખરે અમે લોકો આ  સરકારથી કંટાળી ગયા છીએ, અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા ઈચ્છા ધરાવીએ છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application