ચડત ભરણપોષણની રકમ નહીં ચૂકવતા પતિને કેદ

  • May 13, 2024 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખંભાળિયામાં રહેતા રાજેશભાઈ હિંડોચાના પુત્રી પૂજાબેનના લગ્ન મૂળ જૂનાગઢ ખાતે રહેતા વિવેક કિશોરભાઈ રૂપારેલીયા સાથે ૨-૦૫-૨૦૧૩ ના રોજ ખંભાળિયા ખાતે હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિથી થયા હતા. લગ્નજીવન દરમ્યાન તેઓને પુત્રી સાક્ષીનો જન્મ થયો હતો. લગ્ન બાદ તેઓ જુનાગઢ ખાતે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. સાસરીયાઓએ થોડો સમય પૂજાબેનને સારી રીતે રાખ્યા બાદ પતિ વિવેક રૂપારેલીયા તેમજ સાસુ, સસરા, નણંદ, દેર વિગેરેએ ઘરકામ બાબતે મેણા ટોણા મારી, દહેજની માંગણી કરી અને શારીરિક તથા માનસિક દુ:ખ ત્રાસ આપી, તારીખ ૧૭-૦૨-૨૦૨૧ ના રોજ તેણીના સ્ત્રી ધનની ચીજ વસ્તુઓ રાખી લઈ અને માસુમ પુત્રી સાથે પહેર્યા કપડે ઘરની બહાર કાઢી મૂકી હતી.
આ અંગે ખંભાળિયાની અદાલતમાં પૂજાબેન દ્વારા પતિ વિવેક કિશોરભાઈ સામે ભરણપોષણ મેળવવા અંગેની અરજી કરતા ફેમિલી કોર્ટે સંયુક્ત રીતે માસિક રૂપિયા ૮,૫૦૦ ભરણપોષણ મંજુર કર્યું હતું. આ પછી પરિણીતાના પતિ વિવેકએ ભરણપોષણની રકમ નહીં ચૂકવતા અરજદારે પુન: અહીંની ફેમિલી કોર્ટમાં ભરણપોષણ મેળવવા માટેની અરજી કરી હતી. જેમાં અરજદારના પતિએ ચડત ભરણપોષણની રકમ તેણીને નહીં ચૂકવવા બદલ ફેમિલી કોર્ટના જજ બારોટ અરજદારના પતિ વિવેકને ૫૬૦ દિવસની જેલની સજાનો હુકમ કરી, આ અંગેનું વોરંટ કાઢવાનો હુકમ કર્યો હતો. અરજદાર તરફે અહીંના સિનિયર એડવોકેટ જીતેન્દ્રભાઈ કે. હિંડોચા, હર્ષિદા કે. અશાવલા, વિગેરે રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application