દ્વારકા-ઓખા સહિતની આખી દરિયાઇ પટ્ટી પર એલર્ટ: દ્વારકા ઉપરાંત ઓખા-બેટ-હર્ષદમાં સુરક્ષા વ્યવસ્થા વધારાઇ: અલગ-અલગ ટુકડીઓ દ્વારા સધન ચેકીંગ
કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત રાજયમાં એલર્ટ આપવામાં આવ્યુ છે, જે અનુસંધાને જગતમંદિરની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે ખાસ કરીને મંદિર બહાર અભેદ્ય સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે, શ્રઘ્ધાળુઓને ચેક કરવામાં આવી રહયા છે, દ્વારકા ઉપરાંત ઓખા-બેટ-હર્ષદમાં સુરક્ષા વ્યવસ્થા વધારાઇ છે અને અલગ અલગ ટુકડીઓ દ્વારા દરીયાઇ પટ્ટી પર સધન ચેકીંગ કરવામાં આવી રહયું છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલાની ઘટનાના પગલે દ્વારકા, ઓખા, બેટ, હર્ષદ સહિતના દરિયાઇ પટ્ટીના વિસ્તારોને સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે, ખાસ કરીને દ્વારકા જગતમંદિરે આવતા શ્રઘ્ધાળુઓને પણ ચેકીંગ કર્યા બાદ જ દર્શનાર્થે જવા દેવામાં આવે છે. મરીન પોલીસ નેવી, કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા ટીમ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે, દ્વારકા મંદિરે બોમ્બ સ્કવોડ દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું.
દ્વારકા ખાતે આવેલ ભગવાન શ્રી દ્વારકાધીશનું જગત મંદિર સિક્યુરિટી ધરાવતું મંદિર છે, જમ્મુ કાશ્મીરના પહેલગાવમાં થયેલ આતંકી હુમલાના પગલે ગુજરાતના પ્રખ્યાત મંદિરોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે દ્વારકા ખાતે આજે હાઈ સિક્યુરિટી કરી દેવામાં આવી છે બોમ્બ સ્કવોડની ટુકડી દ્વારા મંદિર તેમજ મંદિર આસપાસના વિસ્તારોમાં સખત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસ જવાનો દ્વારા દર્શને આવતા શ્રદ્ધાળુઓને સખત ચેકિંગ કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
હાલારનો દરીયા કાંઠો સુરક્ષાની દ્રષ્ટીએ રાજયમાં સંવેદનશીલ માનવામાં આવી રહયો છે. દુશ્મન દેશ હાલરની નજીક આવેલો હોય આથી દરીયાઇ પટ્ટી અને ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત બનાવવામાં આવી છે. રેન્જ આઇજી અશોકકુમાર યાદવના સીધા માર્ગદર્શન હેઠળ દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સુચના અનુસાર પોલીસ તંત્ર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચેકીંગ કરવામાં આવી રહયુ છે, ખાસ કરીને દરીયાઇ પટ્ટી પર એલર્ટ અપાતા અલગ અલગ સુરક્ષા ટુકડીઓ દ્વારા બોટ, જેટી તેમજ અવર જવર કરનારાઓને ચેક કરવામાં આવી રહયા છે, જગત મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત બનાવવમાં આવી છે.
દ્વારકા ઉપરાંત ઓખા, બેટ દ્વારકા, હર્ષદ જેવા દરીયાઇ પટ્ટીના વિસ્તારો પર કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, નેવી, બોમ્બ સ્કવોડ સહિતની ટુકડીઓ દ્વારા એલર્ટના પગલે કામગીરી કરવામાં આવી રહી છે અને સંવેદનશીલ ગણાતી દરીયાઇ પટ્ટીના કેટલાક વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે.