અકસ્માતને દરિયામાં પટકાયેલા યુવાનનું અપમૃત્યુ: ઓખાનો બનાવ

  • October 07, 2023 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા નજીકના દરિયામાં એક ફિશિંગ બોટમાં માછીમારી કરવા માટે ગયેલા મૂળ નવસારી જિલ્લાના આમરીગામ વિસ્તારના રહીશ એવા વિજયભાઈ રમણભાઈ રાઠોડ નામના 36 વર્ષના હળપતિ યુવાન રાત્રિના સમયે પોતાની પવનપુત્ર - 3 ફિશીંગ બોટમાં પેશાબ-પાણી કરવા માટે ઉઠ્યા હતા. ત્યારે અકસ્માતે તેઓ દરિયાના પાણીમાં પડી જતા ડૂબી જવાના કારણે મૃત્યુ પામ્યા હતા. આ બનાવની જાણ જલાલપોર તાલુકાના નગીનભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.


ભાણવડમાં ઝેરી દવાની અસરથી પરપ્રાંતિય શ્રમિકનું મૃત્યુ



તાપી જિલ્લાના નીજર ખાતેના મૂળ વતની અને હાલ ભાણવડ તાલુકાના ચોખંડા ગામે રહેતા અનિલભાઈ સિગજી નાયર નામના 35 વર્ષના આદિવાસી યુવાનને ખેતરમાં દવાનો છંટકાવ કરતી વખતે ઝેરી દવાની અસર થતા વધુ સારવાર અર્થે તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.


કલ્યાણપુર પંથકમાં રાત્રિના સમયે પાનાં ટિંચતા છ શખ્સો ઝડપાયા


કલ્યાણપુરથી આશરે 8 કિલોમીટર દૂર બાંકોડી ગામે પોલીસે રાત્રિના સમયે જુગાર દરોડો પાડી, રાજશી રામભાઈ ગોજીયા, મુકેશ કારાભાઈ ગોજીયા, જય મહેન્દ્રભાઈ ભોગાયતા, જીવા કરણા ચેતરીયા, સામત પરબત ગોજીયા અને રવિ માંડા ગોજીયા નામના છ શખ્સોને ઝડપી લઇ, રૂપિયા 10,530 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ જરૂરી કાર્યવાહી કરી હતી.


દ્વારકામાં જાહેરનામાનો ભંગ કરતા હોટેલ સંચાલક સામે ગુનો



દ્વારકામાં ભદ્રકાલી રોડ ઉપર આવેલી આરતી હોટેલના સંચાલક મહેન્દ્રભા ડુંગરભા સોમાણીએ પોતાની હોટલમાં આવતા યાત્રીકોની જિલ્લા કલેકટરના આદેશ મુજબ પથિક સોફ્ટવેરમાં નિયમ મુજબ ઓનલાઈન એન્ટ્રી ન કરતા આ અંગે સ્થાનિક પોલીસે તેમની સામે જાહેરનામા ભંગની કલમ હેઠળ જરૂરી કાર્યવાહી કરી હતી.


પીધેલા વાહન ચાલકો સામે કાર્યવાહી


ખંભાળિયાના નગર ગેઈટ વિસ્તારમાંથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 30 હજારની કિંમતના મોટર સાયકલ પર નીકળેલા ભાવેશ નાનજી નકુમ (ઉ.વ. 39, રહે. રામનગર)ને તેમજ અત્રેના મિલન ચાર રસ્તા વિસ્તારમાંથી પોલીસે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના વતની અને હાલ ખંભાળિયામાં રહેતા ભરત જાના સાપરા (ઉ.વ. 38) ને રૂપિયા 20,000 ની કિંમતના મોટરસાયકલ પરથી, ખંભાળિયા તાલુકાના ભરાણા ગામેથી દિલીપસિંહ કારૂભા ગોહિલ (ઉ.વ. 31) ને પીધેલી હાલતમાં મોટરસાયકલ ચલાવતા તેમજ દ્વારકા પોલીસે વરવાળા ગામના દીપુભા સિદીભા નાયાણીને રૂ. 20 હજારની કિંમતના સીડી ડીલક્સ મોટર સાયકલ પર કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લઇ, જુદી-જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application