રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા ભયાનક અગ્નિકાંડમાં 27 નિર્દોષ નાગરિકો બળીને ભડથું થઇ ગયા બાદ હાઇકોર્ટના આદેશ અને સરકારની સુચનાને પગલે રાજકોટ મહાપાલિકા તંત્ર દ્વારા ફાયર એનઓસી અને બીયુ પરમિશનના ચેકિંગ અને સિલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં વિવિધ જ્ઞાતિ અને સમાજની વાડીઓ સીલ કરાતા અનેક પરિવારોના લગ્ન પ્રસંગો બગડે તેવી સ્થિતિનું નિમર્ણિ થયું છે. જ્ઞાતિની વાડીઓ ઉપરાંત પ્રાઇવેટ હોલ અને પાર્ટી પ્લોટ્સ પણ સીલ કરતા હવે જેમના ઘરે પ્રસંગો છે તેમની પાસે અન્યત્ર ક્યાંય જવાનો સ્કોપ રહ્યો નથી. ખાસ કરીને જે પરિવારોમાં લગ્ન પ્રસંગો છે અને કંકોતરી પણ છપાઇ ગઈ છે તેમની હાલત ભારે કફોડી થઇ છે. સામાજિક આગેવાનો ટૂંકા પડ્યા છે અને રાજકીય નેતાઓએ હાથ ઉંચા કરી દેતા મહાપાલિકાના શાસકો અને તંત્રવાહકો ઉપર ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે.
લગ્ન પ્રસંગો બગડતા મહાનગરપાલિકાના શાસકો અને તંત્રવાહકો સામે લોકરોષ ભભુક્યો છે. વારે તહેવારે અને પ્રસંગે જ્ઞાતિ-સમાજના કાર્યક્રમોમાં મુખ્ય મહેમાન કે અતિથિ વિશેષ પદે બિરાજતા ભાજપ્ના નગરસેવકો અને મ્યુનિ.પદાધિકારીઓ તેમજ અધિકારીઓ આવી પરિસ્થિતિ વેળાએ હવે ફોન રિસીવ કરતા નથી અને રિસીવ કરે તો ભલામણ કરવાનું તો દૂર ભલામણ સાંભળતા પણ નથી ! જો વહેલી તકે જ્ઞાતિ-સમાજની વાડીઓને લગાવેલા સીલ નહીં ખોલાય તો શાસકોએ વિવિધ સમાજની નારાજગીનો સામનો કરવો પડશે અને ભવિષ્યમાં વિવિધ જ્ઞાતિ કે સમાજના કાર્યક્રમોમાં નગરસેવકો અને મ્યુનિ.પદાધિકારીઓને બોલાવવાનું બંધ કરી તેમનો બહિષ્કાર કરાય તેવી શકયતા પણ નકારી શકાતી નથી.
રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હોસ્પિટલ, બિલ્ડીંગ, ટયુશન કલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા જ્યાં પબ્લિક એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફટીની ચકાસણી કરવા માટે મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઇ દ્વારા દરેક વોર્ડ દીઠ એક એક વોર્ડ કમિટીની રચના કરવામાં આવી છે. આ વોર્ડ કમિટી દ્વારા ઝૂંબેશના રૂપમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશનનું ચેકિંગ શરૂ કરાયું છે જે અંતર્ગત શહેરમાં આવેલી વિવિધ જ્ઞાતિ-સમાજની વાડીઓ સીલ કરવાનું શરૂ કરાતા અનેક પરિવારોના લગ્ન પ્રસંગો તેમજ સામાજિક પ્રસંગો બગડ્યા છે જેના લીધે નગરસેવકો અને પદાધિકારીઓ ઉપર વિવિધ સમાજમાંથી ભારે ફિટકાર વરસ્યો છે.
કાયદા અને નિયમનો ભંગ થતો હોય ત્યારે સીલ કરવું પડે તેમ હોય તો કોઇ પણ મિલકત કે સંકુલ સીલ થાય પરંતુ મિલકત સીલ થયા બાદ સીલ ખોલવા માટે શું કરવાનું તેનું માર્ગદર્શન પણ ક્યાંયથી મળતું ન હોય વિવિધ જ્ઞાતિ અને સમાજના આગેવાનો તેમજ વાડીઓના ટ્રસ્ટીઓમાં દોડધામ મચી ગઇ છે અને તેમની આબરૂના ધજાગરા થયા છે, જે સમાજની વાડીઓ સીલ કરાઇ છે તેમની એટલી જ અપેક્ષા છે કે અગાઉથી લગ્ન સહિતના પ્રસંગોના બુકિંગ થયા હોય કોઈના પ્રસંગો બગડે નહીં તે માટે મહાપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સહકાર આપે.
બીજી બાજુ મહાપાલિકા તંત્રએ જે નવી એસઓપી જાહેર કરી છે તેમાં ફક્ત આરોગ્યલક્ષી અને શૈક્ષણિક સંસ્થાઓ મતલબ કે શાળાઓ અને હોસ્પિટલોના સીલ ખોલવા માટેની કાર્યવાહી ઉપર જ ભાર મુકાયો છે, તેમાં જ્ઞાતિ-સમાજની વાડીઓના સીલ ખોલવા માટેની કોઇ જોગવાઈ સુચવાઇ નથી કે તેનો ઉલ્લેખ સુધ્ધાં કરાયો નથી. મહાનગરપાલિકા એ વિવિધ જ્ઞાતિઓ અને સમાજની જે વાડીઓ સીલ કરી છે તેમાં આગામી દિવસોમાં લગ્ન પ્રસંગો યોજાનાર છે ત્યારે જો સમયસર વાડીઓના સીલ નહીં ખુલે તો અનેક પરિવારોના પ્રસંગો બગડશે તે નક્કી છે.
વિવિધ સમાજની જ્ઞાતિની વાડીઓ સીલ થયા બાદ રાજકીય પદાધિકારીઓ અને આગેવાનોએ તો હાથ ઉંચા કરી જ નાખ્યા છે પરંતુ સામાજિક આગેવાનોનો પન્નો પણ ટૂંકો પડ્યો હોવાનું ચિત્ર ઉપસ્યું છે. ફાયર એનઓસી જેવી જરૂરી મંજૂરી વાડીના સંચાલકો તેમજ જ્ઞાતિના આગેવાનોએ કેમ ન લીધી ? અત્યાર સુધી તેઓ ક્યાં ફીફા ખાંડતા હતા ? ફક્ત વાતોના વડા કરવામાં જ વ્યસ્ત હતા કે શું ? તેવા સવાલો વિવિધ જ્ઞાતિ અને સમાજના લોકોમાંથી તેમના સામાજિક આગેવાનો વિશે પણ ઉઠવા લાગ્યા છે.
બાવન મિલકતનું ચેકિંગ, 31 સીલ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે સાંજ સુધીમાં વિવિધ વોર્ડની ટીમોએ ફાયર એન.ઓ.સી. અને બી.યુ. સર્ટિફિકેટ બાબતે કુલ બાવન એકમોની ચકાસણી કરી હતી અને તેમાંથી 31 સંકુલો સીલ કર્યા હતા.
સીલ ખોલવાની 36 અરજી મંજૂર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલ એકમો પૈકી ગઇકાલે 36 અરજીઓ રજૂ થઇ હતી. મનપા દ્વારા રચવામાં આવેલ કમિટી દ્વારા ગત સાંજની કમિટીની મિટિંગમાં તમામ 36 અરજીઓ મંજુર કરવા નિર્ણય કરાયો હતો
આટલી શરતોએ સીલ ખોલવાનું મંજૂર
- અનધિકૃત દબાણ કે માર્જિનમાંથી દબાણ દૂર કરવા
- ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા કે રિપેર કરવા
- છત ઉપરથી ડોમ દૂર કરવા
- બેઝમેન્ટમાંથી દબાણ દૂર કરવા
- ફાયર એનઓસી રિન્યુઅલ કરવા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech