સૌરાષ્ટ્રનો ખેડૂત ઝિમ્બાબ્વેમાં ખેતી કરવા ઇચ્છશે તો ત્યાંની સરકાર જમીન આપવા તૈયાર: ડે.મિનિસ્ટર મોદી

  • February 14, 2024 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ આર.કે.મોદી સાથે ઝિમ્બાબ્વેનું પ્રતિનિધિ મંડળ આવ્યું છે, જે ત્રણ દિવસીય પ્રદર્શનમાં જુદા જુદા ઉદ્યોગોના સ્ટોલની મુલાકાત લઈ બે દિવસ રાજકોટ અને સૌરાષ્ટ્રની જુદી જુદી ફેક્ટરીઓની મુલાકાત લેશે.

ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ આર.કે.મોદીએ ઝિમ્બાબ્વેમાં રહેલી ઉદ્યોગોની તકો અને સરકારની નીતિ વિશે જણાવ્યું હતું કે, રાજકોટ એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગોનું હબ રહ્યું છે ત્યારે ઝિમ્બાબ્વેમાં વ્યાપાર વૃદ્ધિ કરવા રાજકોટ અને સૌરાષ્ટ્ર કચ્છનાં નાના અને મધ્યમ ઉદ્યોગો માટે એન્જિનિયરિંગની સાથોસાથ અન્ય ઉદ્યોગો માટે વિપુલ પ્રમાણમાં ફળદાયી તકો રહેલી છે, જેનો ફાયદો અહીંના ઉદ્યોગકારોએ સુચારુ રૂપથી લેવો જોઈએ. બંને દેશો વચ્ચે વ્યાપાર સંબધો વધુ મજબૂત થાય તે માટે અમારું પ્રતિનિધિ મંડળ સૌરાષ્ટ્ર અને રાજકોટની વિવિધ કંપ્નીઓની મુલાકાત લઈ, તેની કાર્યપદ્ધતિને નિહાળશે.

વધુમાં તેઓએ કહ્યું હતું કે, ઝિમ્બાબ્વેમાં ઘણા સારા રોકાણ કરવા માટેના પ્લાન સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, જે રાજકોટ તથા સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ઝિમ્બાબ્વેમાં ઉત્પાદનની સાથે કૃષિ ક્ષેત્રે વિકાસની ઘણી તકો રહેલી છે. સ્માર્ટ એગ્રીકલ્ચર, એગ્રો-પ્રોસેસિંગ ક્ષેત્રે ખુબજ કામ કરવાનું છે, જે રાજકોટના ઉદ્યોગકારો પૂર્ણ કરી શકે તેમ છે. ખેતીવાડી કરવા ઇચ્છુકોને ઝિમ્બાબ્વે સરકાર પ્રપોઝલના આધારે જોઈએ તેટલી જમીન આપવા તૈયાર છે, વણવપરાયેલી પડતર જમીનને સરખી કરી ઉપયોગ કરી શકો છો. ત્યાંના લોકલ સાથે પાર્ટનરશીપ કરવી પડે, તેવું ફરજિયાત નથી. જે કરો, તે પોતાનું રહેશે.

ખાણકામ અને ખનિજ ક્ષેત્રમાં પણ સરકારની પ્રોત્સાહક નીતિ રહેલી છે. કોઈ પણ વસ્તુના ઉત્પાદન માટે ઇકોનોમિક ઝોનમાં જમીન પણ સરકાર નિ:શુલ્ક આપે છે. રાજકોટ એન્જિનિયરિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સારી નામના ધરાવે છે ત્યારે આધુનિક ટેકનોલોજી હોવાનો ઝિમ્બાબ્વેને ઘણો સારો ફાયદો થશે. રાજકોટની ઘણી ચીજ વસ્તુઓ ઝિમ્બાબ્વેમાં નિકાસ કરવાને પાત્ર છે. રાજકોટથી મશીન ટૂલ્સ, ઓટોપાર્ટસ, સબમર્સીબલ પંપ, હાર્ડવેર, કિચનવેર જેવી અનેક ચીજ વસ્તુઓ છે જેનો વ્યાપાર ઝિમ્બાબ્વે સાથે થઈ શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજકોટમાં ઉત્પાદિત વસ્તુઓ ગુણવત્તાયુક્ત હોવાથી વ્યાપાર અર્થે ઝિમ્બાબ્વે સરકાર રોકાણકારો, વ્યવસાયિકોને આવકારી રહી છે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર કચ્છમાં જે વ્યાપાર ઉદ્યોગની તાકાત રહેલી છે તેને વિશ્વવ્યાપી બનાવવામાં માટે સંસ્થા દર વર્ષે આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં દેશ-વિદેશના વ્યાપારીઓ અહીં આવી પોતાના દેશમાં જરૂરિયાત મુજબ રાજકોટ અને સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગો સાથે કરારો કરતા હોય છે. જે ભારતનો નિકાસ દર વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થતાં હોય છે.
ભારત વિકાસશીલ અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે. ઝિમ્બાબ્વે અને ભારત વચ્ચે વ્યાપાર થવાથી દેશની અર્થવ્યવસ્થાની સાથે નિકાસ પણ વધશે, જેનાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોને આર્થિક ફાયદો પણ થશે. ભારતનું ઉદ્યોગ ક્ષેત્ર હરણફાળ ગતિએ ખૂબ જ ઝડપી વિકાસ સાધી સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે ત્યારે વિશ્વના અનેક દેશો ભારત સાથે વ્યાપાર વૃદ્ધિ માટે આગળ આવી ભાગીદારી સહિતના વ્યાપાર કરારો પણ કરી રહ્યા છે. દેશનાં પી.એમ. મોદીએ સેવેલા પાંચ ટ્રીલીયન ડોલર ઈકોનોમીના સ્વપ્નને સાકાર કરવા માટે ભારત સરકાર દ્વારા નિકાસ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી ઈન્ટરનેશનલ બિઝનેસ સમિટ, પ્રદર્શન સહિત અનેકવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News