BREAKING NEWS

અમદાવાદમાં કામેશ્વર અને દીપ બિલ્ડર્સ પર ITનું મેગા ઓપરેશન, 33 સ્થળો પર 100 વધુ અધિકારીઓના દરોડા

  • January 20, 2026 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં વધુ એક વખત ઇન્કમટેક્સ વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે. ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓની ટીમમાં શહેરના મોટા માથાના બિલ્ડરો રડારમાં જ હતા. માર્ચ એન્ડિંગ પહેલા આવકવેરાના અધિકારીઓની ટીમ દ્વારા કેટલાક મોટા માથાને ત્યાં કરચોરી ઝડપી પાડવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. જે અન્વયે આજે શહેરના પોષ વિસ્તારોમાં કોર્પોરેટ ઓફિસ ધરાવતા કામેશ્વર અને દીપ ગ્રુપના બિલ્ડર્સ ઇન્કમટેક્સ વિભાગની ઝપેટે ચડી ગયા છે. બંને બિલ્ડર્સ ગ્રુપના મળીને 30થી વધુ સ્થળોએ 100થી વધુ અધિકારીઓ દ્વારા જુદી-જુદી ટીમ બનાવી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે.


આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં નામના ધરાવતા પ્રહલાદ પટેલના કામેશ્વર અને દિનેશ પટેલના દીપ ગ્રુપ બિલ્ડરને ત્યાં વહેલી સવારથી આવકવેરાના અધિકારીઓની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ફેક્ટરીના માલિકો અને ભાગીદારો સહિતના 33 ઠેકાણા પર 100 વધુ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આમ એકાએક આવકવેરા અધિકારીઓની ટીમો દ્વારા વિવિધ ઠેકાણા ઉપર વહેલી સવારથી સાહિત્યની ઝીણવટ પૂર્વકની ચકાસણી કરવામાં આવી રહી છે. દરોડાના અંતે કરોડોની કરચોરી બહાર આવે તેવી સંભાવના સૂત્રો દર્શાવી રહ્યા છે.


બોપલમાં ઓફિસ ધરાવતા કામેશ્વર ગ્રુપના તાજેતરના પ્રોજેક્ટ હેઠળ સાયન્સ સીટી રોડ પર કામેશ્વર ઇલાઇટની 140 ફ્લેટ ધરાવતી બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આવી અસંખ્ય રેસિડેન્સીયલ બિલ્ડીંગ નિર્માણમાં આ ગ્રુપ નામના ધરાવે છે. જ્યારે જ્યારે દીપ ગ્રુપ આંબાવાડીમાં ઓફિસ ધરાવે છે અને કોમર્શિયલ અત્યાધુનિક બિલ્ડીંગ બનાવવા માટે ખૂબ જ ફેમસ છે. જેથી બોપલ અને આંબાવાડી સહિતના વિસ્તારોમાં આવેલી ગ્રુપની ઓફિસો તેમજ ભાગીદારો અને તેમની સાથે જોડાયેલા કેટલાક કર્મચારીઓના રહેણાંકમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આમ શહેરના બે નામી બિલ્ડરો સપટે ચડતા સમગ્ર બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application