રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા એક સનસનીખેજ હત્યાના ગુનાનો લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. આ હત્યા કેસમાં પોલીસે પતિ-પત્નીની ધરપકડ કરી છે, જેમણે પ્રેમ સંબંધની અદાવતમાં યુવકની નિર્મમ હત્યા કરી હતી.
શું હતી આખી ઘટના
તારીખ ૦૯/૦૫/૨૦૨૬ના રોજ કોટડા સાંગાણીના નારણકા ગામ તરફ જતા રસ્તા પર ફોરેસ્ટની વીડીમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. મૃતક પુરુષના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા હતા અને તેના હાથ-પગ દોરીથી બાંધેલા હતા. નારણકા ગામના રહેવાસી જીવણભાઇ મંગાભાઇ વાળાની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૧૦૩(૧) મુજબ ગુનો દાખલ કર્યો હતો.
પોલીસ તપાસ અને ભેદ ઉકેલાયો
રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર અને નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરતા નારણકા ચોકડી પાસે એક શંકાસ્પદ સફેદ રંગની સ્વીફ્ટ કાર જોવા મળી હતી. આ કારના આધારે પોલીસ ગુંદાસરા ગામે રહેતા સુરેન્દ્ર પ્રસાદ સુધી પહોંચી હતી
હત્યા પાછળનું કારણ
પોલીસ પૂછપરછમાં આરોપી સુરેન્દ્ર પ્રસાદે કબૂલાત કરી હતી કે તેની પત્ની રીતાને મૃતક વિજયદાસ વસંતદાસ દુધરેજીયા સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. સુરેન્દ્રએ આ બાબતે ઠપકો આપી રહેઠાણ બદલી નાખ્યું હોવા છતાં વિજયદાસ તેની પત્નીને હેરાન કરતો હતો અને વાત કરવા દબાણ કરતો હતો.
તારીખ ૦૮/૦૫/૨૦૨૬ના રોજ પત્નીને ફરી વિજય સાથે વાત કરતા પકડી પાડતા, પતિ-પત્નીએ મળીને વિજયની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. યોજના મુજબ પત્નીએ વિજયને રાત્રે ઘરે મળવા બોલાવ્યો હતો. વિજય રાત્રે ઘરે આવતા જ સુરેન્દ્રએ તેના માથામાં સ્ટીલના પાઈપથી હુમલો કર્યો હતો. ત્યારબાદ પતિ-પત્નીએ મળી તેના હાથ-પગ બાંધી કારની ડેકીમાં નાખી નારણકા ગામ પાસે લઈ ગયા હતા, જ્યાં કુહાડીના ઘા મારી તેની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી.
ધરપકડ કરાયેલા આરોપીઓ
૧. સુરેન્દ્ર શ્યામબિહારી પ્રસાદ (ઉ.વ.૪૬)
૨. રીતા સુરેન્દ્ર પ્રસાદ (ઉ.વ.૪૦)
બંને આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ ગોંડલના ગુંદાસરા ગામે રહી ખાનગી નોકરી કરે છે. પોલીસે ગુનામાં વપરાયેલી સ્વીફ્ટ કાર પણ જપ્ત કરી છે અને આરોપીઓને આગળની કાર્યવાહી માટે કોટડા સાંગાણી પોલીસને સોંપવામાં આવ્યા છે.