વિકાસને બ્રેક: મનપામાં સેંકડો બાંધકામ પ્લાન ટલ્લે

  • July 13, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકામાં બાંધકામ પ્લાન પાસની પ્રક્રિયા ઠપ્પ થઇ જતા સમગ્ર શહેરમાં દેકારો બોલી ગયો છે, શહેરના ત્રણેય ઝોનના 18 વોર્ડના સેંકડો બાંધકામ પ્લાન અટવાયેલા પડ્યા છે, બાંધકામ પ્લાન માટેની ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમમાં હજુ સુધી સસ્પેન્ડેડ પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠિયાની જ ડિજિટલ સિગ્નેચર હોય તેવા કારણોસર પ્લાન એપ્રુવ નહીં થઇ રહ્યા હોવાનું જાણવા મળે છે.

દરમિયાન આ મામલે રાજકોટના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇનો સંપર્ક સાધતા તેમણે ઉપરોક્ત બાબતને સમર્થન આપતા આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઓડીપીએસમાં ડિજિટલ સિગ્નેચર બદલવા માટેની કાર્યવાહી હાથ ધરાઇ છે તે માટે ગાંધીનગર સુધી જાણ કરાઇ છે પરંતુ આ કાર્યવાહીમાં સંભવત: હજુ એકાદ સપ્તાહ વિતી જશે તેવો પ્રાથમિક અંદાજ છે. વર્તમાન ઇન્ચાર્જ ટાઉન પ્લાનિંગ ઓફિસરની ઓડીપીએસમાં અપડેટ કરવા સંબંધિતોને જાણ કરાઇ છે પરંતુ હજુ થોડી રાહ જોવાની રહેશે.

રાજકોટના કાલાવડ રોડ ઉપરના ટીઆરપી ગેમઝોનમાં ગત તા.25 મે ના રોજ સર્જાયેલા ભયાનક અગ્નિકાંડમાં બાળકો સહિત 27 નિર્દોષ નાગરિકોના મોત નિપજ્યા બાદ ટીપીઓ તેમજ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના ઇજનેરોની ધરપકડ અને એસીબી દ્વારા મેગા ઓપરેશન સહિતનો સિલસિલો ચાલ્યો. દરમિયાન ટીપી બ્રાન્ચનું સંપૂર્ણ વિસર્જન કરી તમામ સ્ટાફની સામુહિક બદલી કરાઇ અને ઇન્ચાર્જ ટીપીઓ નિયુક્ત થયા. તા.25 મે થી આજે તા.13 જુલાઇ છેલ્લા 49 દિવસથી આ મામલો ચાલી રહ્યો છે અને હજુ કેટલો સમય સુધી ચાલતો રહેશે તે નક્કી નથી ત્યારે ટીપી બ્રાન્ચની ગાડી હજુ ક્યારે પાટા ઉપર ચડશે તે કોઇ કહી શકે તેમ નથી.

એકંદરે સાંપ્રત સ્થિતિથી સુકા પાછળ લીલું બળે તેમજ પાડાને વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સામાન્ય નાગરિકો-અરજદારો અનુભવી રહ્યા છે. ક્યાં જવું, કોને મળવું, શું કરવું ? તે અંગે નાગરિકોને માર્ગદર્શન આપ્નાર કોઇ નથી ત્યારે વિશાળ જાહેર હિતને ધ્યાને લઇ આ પરિસ્થિતિ નિવારવી અનિવાર્ય છે.


રૂડામાં પણ આવી સ્થિતિ
રાજકોટ મહાનગરપાલિકામાં તો અગ્નિકાંડ-એસીબીની કાર્યવાહી બાદ અધિકારીઓ અને ઇજનેરોની ધરપકડ તેમજ સામુહિક બદલીઓ થતા બાંધકામ પ્લાન પાસની પ્રક્રિયા ઠપ્પ થઈ છે પરંતુ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની કચેરીમાં આવા કોઇ પરિબળો નહીં હોવા છતાં પ્લાન પાસની પ્રક્રિયા ભયના કારણે મંદ પડી છે !
રાજકોટ મહાનગરપાલિકામાં તો અગ્નિકાંડ-એસીબીની કાર્યવાહી બાદ અધિકારીઓ અને ઇજનેરોની ધરપકડ તેમજ સામુહિક બદલીઓ થતા બાંધકામ પ્લાન પાસની પ્રક્રિયા ઠપ્પ થઈ છે પરંતુ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની કચેરીમાં આવા કોઇ પરિબળો નહીં હોવા છતાં પ્લાન પાસની પ્રક્રિયા ભયના કારણે મંદ પડી છે !


ક્યાં સુધી આ સ્થિતિ રહેશે ?
રાજકોટ મહાપાલિકામાં જુન માસના પ્રારંભથી આજે તા.13 જુલાઇ સુધી મતલબ કે છેલ્લા દોઢ માસથી આવી સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે હજુ ક્યાં સુધી આવી સ્થિતિ રહેશે ? તેની કોઇ સ્પષ્ટતા તંત્રવાહકો કે શાસકો કોઇના તરફથી કરવામાં આવતી નથી. આ મામલે જાહેર હિત અને સામાન્ય નાગરિકોનો ખ્યાલ કરવો જરૂરી છે.


પર્સનલ રેસિડેન્સ પ્રોજેક્ટ અટક્યા
બિલ્ડર્સ અને ડેવલપર્સ તો બાંધકામનો જ ધંધો કરતા હોય કદાચ તેમના પ્લાન વહેલા-મોડા પાસ થાય તો તેમને ખાસ મુશ્કેલી પડે નહીં પરંતુ કોઇ સામાન્ય નાગરિક કે જેણે પોતાનું ઘરનું ઘર બનાવવા કે હયાત ઘરમાં ઉપર માળ લેવા કે રિનોવેશન માટે પ્લાન મુક્યો હોય તેવા અરજદારોની હાલત માઠી થઇ છે.


નવો સ્ટાફ નિપુણ નથી
રાજકોટ મહાપાલિકામાં ટીપી બ્રાન્ચનું વિસર્જન કરી તમામ સ્ટાફ બદલી નાખવામાં આવ્યો છે પરંતુ નવો સ્ટાફ નિપુણ નથી તેથી બાંધકામ પ્લાનની મંજૂરી પ્રક્રિયા ગોટે ચડી રહી છે, કદી ટીપી બ્રાન્ચની કામગીરી કરી જ ન હોય તેવા બિન અનુભવી ઇજનેરો નિયુક્ત થતા પ્રક્રિયા નિશ્ચિત સમયમયર્દિામાં પૂર્ણ થવાને બદલે બિનજરૂરી વિલંબિત થઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application