માનવતા મરી પરવારી કે શું? નવજાત શિશુના રડવાથી ગુસ્સે થયેલી નર્સે બાળકના મોં પર ચોંટાડી દીધી ટેપ

  • June 10, 2023 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




દરેક હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દર્દીની સુવિધા અને સંભાળ માટે હોય છે. ડૉક્ટરની ગેરહાજરીમાં નર્સિંગ સ્ટાફ દર્દીની સંભાળ લેતા હોય છે, પરંતુ મુંબઈના ભાંડુપમાંથી એક એવો શરમજનક કિસ્સો સામે આવ્યો છે જેણે લોકોને હચમચાવી દીધા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની નર્સ, જે સાવિત્રીબાઈ ફૂલે મેટરનિટી હોમ ચલાવે છે, તેણે એનઆઈસીયુમાં રડતા નવજાત બાળકના મોં પર ટેપ લગાવી દીધી હતી. આ ઘટના સામે આવ્યા બાદ નર્સને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જ્યારે અન્ય એક નર્સને કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે.



પ્રાપ્ત માહિતી અનુસાર, 25 મેના રોજ પ્રિયા કાંબલે નામની મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો. જે બાદ બાળકને કમળો થયો હતો, જેના કારણે ડોક્ટરોએ બાળકને NICUમાં રાખ્યો હતો. 2 જૂનના રોજ જ્યારે બાળકની માતા પ્રિયા તેના બાળકને જોવા માટે 11 વાગે NICUમાં ગઈ ત્યારે તે તેના બાળકને જોઈને આઘાતજનક સ્થિતીમાં મુકાઇ ગઇ હતી.

તેણે જોયું કે તેના બાળકના મોં પર ટેપ ચોંટાડી દેવામાં આવી હતી અને જ્યારે બાળક ટેપને કારણે રડ્યો ત્યારે તેનો આખો ચહેરો લાલ થઈ ગયો હતો. પોતાના બાળકને આ રીતે જોઈને પ્રિયા ખુબ દુ:ખી ઇ ગઇ હતી. આ અંગે તેણે નર્સ સવિતા ભોયરને પૂછપરછ કરતાં નર્સે તેની સાથે ખૂબ જ અસંસ્કારી અને અપમાનજનક ભાષામાં વાત કરી હતી. એટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું કે બાળકના રડવાના કારણે તેના મોં પર ટેપ ચોંટાડી દેવામાં આવી છે.




જે બાદ મહિલાએ તાત્કાલિક તેના પરિવારજનોને ફોન કરીને ઘટનાની જાણકારી આપી હતી. પીડિત પરિવારે પૂર્વ કાઉન્સિલર જાગૃતિ પાટીલ પાસે મદદ માંગી હતી. જાગૃતિને માહિતી મળતા જ તે હોસ્પિટલ પહોંચી જ્યાં અડધી રાત્રે ભારે હોબાળો મચી ગયો હતો. જે બાદ બાળકની માતા અને પરિવારજનોએ ડોક્ટરોને કહ્યું કે માતાને અને નવજાત બાળકને તાત્કાલિક રજા આપવામાં આવે. હાલમાં આ મામલાની હોસ્પિટલ સ્તરે તપાસ કરીને કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે, જ્યારે આ સંદર્ભે એનઆઈસીયુ યુનિટમાં કામ કરતી નર્સને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અને તેમને શો-કોઝ નોટિસ પણ આપવામાં આવી છે.



હોસ્પિટલની બેદરકારીની આ પહેલી ઘટના નથી. આ પહેલા હોસ્પિટલના NICU યુનિટમાં રાખવામાં આવેલા નવજાત બાળકના મોતનો મામલો સામે આવ્યો હતો. હવે ફરી એકવાર આ ઘટના સામે આવ્યા બાદ હોસ્પિટલોમાં જન્મેલા અને દાખલ કરાયેલા નવજાત શિશુઓની સુરક્ષાનો પ્રશ્ન ઉભો થયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application