જીના મરના તેરે સંગ: અકસ્માતમાં દંપતીના કરુણ મોત
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા એક આહીર પરિવારના યુવા દંપતીના બુધવારે રાત્રિના સમયે કાર અકસ્માતમાં કરુણ મૃત્યુ નિપજ્યાના બનાવે ભારે અરેરાટી પ્રસરાવી છે.
આ કરુણ બનાવની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા વિજયભાઈ નારણભાઈ આંબલીયા (ઉર્ફે લાલો) નામના આશરે 26 વર્ષના યુવાનના લગ્ન આજથી આશરે બે વર્ષ પૂર્વે હેતલબેન (ઉ.વ. 25) સાથે થયા હતા. બુધવારે રાત્રિના આશરે પોણા નવ વાગ્યે વિજયભાઈ તથા તેમના ધર્મપત્ની હેતલબેન તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે નારણપુર અને કલ્યાણપુરના ગોચર વચ્ચેના માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 10 બી.આર. 4156 નંબરની મારુતિ સ્વિફ્ટ મોટરકારના ચાલકે વિજયભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતના કારણે બાઇક સવાર દંપતિ ફંગોળાઈ ગયું હતું. જેના કારણે વિજયભાઈને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે કલ્યાણપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે હેતલબેનને ખાનગી વાહન મારફતે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હેતલબેનને ડોક્ટરોએ મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે મૃતકના પિતરાઈ ભાઈ જગદીશભાઈ વેજાણંદભાઈ આંબલીયા (ઉ.વ. 34, રહે. મૂળ નંદાણા, હાલ કલ્યાણપુર)ની ફરિયાદ પરથી વિજયભાઈ નારણભાઈ આંબલીયા તેમજ તેમના પત્ની હેતલબેન વિજયભાઈ આંબલીયાનું મૃત્યુ નીપજાવવા સબબ સ્વિફ્ટ કારના ચાલક સામે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી હતી.
આ જીવલેણ કાર અકસ્માતમાં યુવા દંપતીના એકસાથે મૃત્યુ નીપજતા આ બનાવે મૃતકના પરિવારજનોમાં આક્રંદ સાથે નાના એવા નંદાણા ગામમાં ભારે શોકની લાગણી પ્રસરાવી છે.