એસ્ટ્રોન ચોક પાસે હીટ એન્ડ રન: આધેડનું મોત

  • May 13, 2024 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં આજરોજ સવારના સુમારે એસ્ટ્રોન ચોક પાસે હીટ એન્ડ રનની ઘટના બની હતી.જેમાં આધેડનું મોત થયું છે.પૂરપાટ ઝડપે ધસી આવેલી કારે રીક્ષાને ઠોકરે લઇ કાર હંકારી મૂકી હતી. અકસ્માતની આ ઘટનામાં રીક્ષામાં સવાર બે મુસાફર અને રીક્ષા ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં ટૂંકી સારવાર બાદ ગંભીર રીતે ઘવાયેલા આધેડનું મોત થયું હતું. મૂળ છોટાઉદેપુરના વતની આધેડ અહીં મોદી સ્કૂલમાં માળી તરીકે નોકરી કરતા હતા વેકેશન કરવા વતનમાં ગયા બાદ પરત આવતા અકસ્માતની આ ઘટનામાં તેમણે જીવ ગુમાવ્યો છે. બનાવને લઇ પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધવા અને તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આજરોજ સવારના સુમારે પુરપાટ ઝડપે ધસી આવેલી કારે રીક્ષા નંબર જીજે ૩ એયુ ૧૩૪૧ ને હડફેટે લઈ પોતાની કાર પૂર ઝડપે અહીંથી ભગાવી મૂકી હતી. અકસ્માતની આ ઘટનામાં રીક્ષાનો કચ્ચરધાણ બોલી ગયો હતો. અકસ્માતમાં રીક્ષા ચાલક દીપક પ્રદીપભાઈ શર્મા (ઉ.વ ૨૬ રહે. ગાંધીગ્રામ ૧૧) તથા રિક્ષામાં બેઠેલા મુસાફર મહેશ કાળુભાઈ રાઠવા(ઉ.વ ૪૫ રહે. હાલ ઈશ્વરીયા, પડધરી મૂળ છોટાઉદેપુર) તેમજ ઉપેન્દ્ર બુહાડીભાઈ જાદવ(ઉ.વ ૨૪ રહે. કિસાન ગેટ પાસે, મેટોડા જીઆઇડીસી) ને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરી કાર્યવાહી કરી હતી. અહીં ટૂંકી સારવાર બાદ ગંભીર રીતે ઘવાયેલા મહેશભાઈએ દમ તોડી દીધો હતો.
અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, રીક્ષાચાલક દીપકભાઈ શર્મા રાત્રીના રીક્ષાના ફેરા કરે છે. તેઓ એસટી બસ સ્ટોપથી કે.કે.વી હોલ ચોક સુધી મુસાફરોને લઈને જતા હતા. ત્યારે એસ્ટ્રોન ચોક પાસે કાર ચાલકે રીક્ષાને હડફેટે લીધી હતી. કારચાલક નશાની હાલતમાં હોવાની પણ ચર્ચા થઈ રહી છે.
અકસ્માતની આ ઘટનામાં મોતને ભેટનાર મહેશભાઈ રાઠવા ઈશ્વરીયામાં આવેલી મોદી સ્કૂલમાં માળી તરીકે કામ કરે છે અને અહીં જ કવાર્ટરમાં રહે છે. હાલ વેકેશન હોવાથી તેઓ વતન ગયા હતા આજરોજ સવારના રાજકોટ પરત આવ્યા બાદ એસ.ટી બસપોર્ટ પરથી કે.કે.વી હોલ ચોક જવા માટે રિક્ષામાં બેઠા હતા. દરમિયાન આ ઘટના બની હતી. મૃતકને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. અકસ્માતની આ ઘટના અંગે પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા કારચાલકને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News