ગુજરાત હાઉસીંગ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ સાધના કોલોનીની મુલાકાતે આવ્યા

  • June 26, 2023 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ અને સુરતની ટીમ સાથે ઉચ્ચ અધિકારીઓ ભાવેશ પટેલે આવાસનું નિરીક્ષણ કર્યુ: ૧૮ જર્જરીત ફલેટ હાઉસીંગ બોર્ડ કહેશે ત્યારે તરત પાડી નાખવામાં આવશે

ગુજરાત હાઉસીંગ બોર્ડે બનાવેલા સાધનાકોલોનીના આવાસનો એક આખો ફલોર શુક્રવારે તુટી પડયા બાદ આખરે સરકારની કડક સુચના બાદ હાઉસીંગ બોર્ડના ઉચ્ચ અધિકારીઓની વડોદરા અને રાજકોટની ટીમ જામનગર આવી પહોંચી છે, ચારેક દિવસ સુધી આ ટીમ શહેરમાં આવેલા હાઉસીંગ બોર્ડે બનાવેલા તમામ આવાસનું નીરીક્ષણ કરશે અને જરુર પડશે તો કોર્પોરેશનને કેટલાક આવાસો પાડી નાખવા પણ જાણ કરશે.
મળતી માહિતી મુજબ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા સાધનાકોલોની સહિતના રણજીતનગર, ગાંધીનગર, લાલવાડીમાં આવાસો બનાવવામાં આવ્યા છે, હાઉસીંગ બોર્ડના સાધનાકોલોનીના એક ભાગ એકાએક શુક્રવારે તુટી પડયા બાદ તેમાં ત્રણના મોત થયા હતાં અને છને ઇજા થઇ હતી, મુખ્યમંત્રીએ આ ઘટનાને ગંભીરતાપૂર્વક લઇને તાત્કાલીક ટવીટ કરીને મૃતકોના પરિવારોને  રુા.૪ લાખ અને ઇજા પામનારને ૫૦ હજાર આપવાની જાહેરાત કરી હતી.
ગઇકાલે હાઉસીંગ બોર્ડના ઉચ્ચ અધિકારી ભાવેશ પટેલ તેમજ વડોદરા અને રાજકોટના ઉચ્ચ અધિકારીઓની પાંચ ટીમ જામનગર આવી પહોંચી છે અને સૌ પ્રથમ આ ટીમે સાધનાકોલોનીની મુલાકાત લઇને કેટલીક વિગતો જાણી હતી. કોર્પોરેશનના જણાવ્યા મુજબ ૧૮ અતિ જર્જરીત આવાસ છે તે બિલ્ડીંગને તોડી પાડવા માટે જયારે હાઉસીંગ બોર્ડ સુચના આપશે ત્યારે તરત જ અમો આ બાકીના ભાગને ડીમોલીશન કરી નાખીશું.
હજુ ૧૨ ફલેટધારકો ઉચ્ચક જીવમાં છે, જો કે એમનું સ્થળાંતર કરી નાખવામાં આવ્યું છે અને એકાદ-બે દિવસમાં જ આ બાંધકામ તોડી પાડવામાં આવશે. કોર્પોરેશનની ટીમ જર્જરીત મકાનો તોડી પાડવા તૈયાર છે, એક તરફ અધિકારીઓ દ્વારા જામનગરમાં જર્જરીત અને અતિ જર્જરીત બિલ્ડીંગોનું રિ-સર્વે કરવા માટે ટીમ બનાવી દેવામાં આવી છે, જયારે-જયારે આગની ઘટના બને ત્યારે તાત્કાલીક ફાયર બ્રિગેડ આગના સાધનો છે કે કેમ તે અંગે સર્વે કરે છે અને થોડા દિવસમાં બધુ ભુલી જવામાં આવે છે. એવી રીતે સાધનાકોલોનીમાં હાઉસીંગ બોર્ડે બનાવેલા આવાસ તુટી પડયા ત્યારે હવે આવાસના સર્વે કરવાની કામગીરી પણ શરુ કરી દેવામાં આવી છે.
હાઉસીંગ બોર્ડના કવાર્ટરોમાં રણજીતનગરમાં ૧૩૦૦, શાસ્ત્રીનગર (મચ્છરનગર)માં ૪૪૦, કોટન મીલની ચાલી ૨૦૦, હર્ષદ મીલની ચાલી ૨૬૦, વુલનમીલ ચાલી ૧૫૦, લાખોટા મીગ કોલોની ૧૧૪, ખોડીયાર કોલોનીમાં ૨૫૪, સાધનાકોલોનીમાં ૨૩૪૦ અને મહીલા કોલેજ વિસ્તારમાં પણ કેટલાક આવાસો થઇ લગભગ ૫૩૦૦ થી ૫૪૦૦ જેટલા આવાસ છે, હાલમાં પાંચ ટીમ દ્વારા સર્વે થઇ રહ્યો છે, કેટલાક મકાનોમાં એકથી વધુ ભાડુઆત આવી ચુકયા છે અને કેટલાક લોકોએ તો કયારેય મકાન રીપેર કરાવ્યું નથી અને અધિકારીઓ દ્વારા નોટીસો આપીને સંતોષ માની લેવામાં આવે છે પરંતુ જર્જરીત અને અતિ જર્જરીત મકાનો અંગે અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી છે પરંતુ હાઉસીંગ બોર્ડ દ્વારા આ અંગે કોઇ નકકર કાર્યવાહી કરવામાં આવી નથી તે પણ હકીકત છે.
હાઉસીંગ બોર્ડની આ ટીમ ચાર-પાંચ દિવસ રોકાશે, કેટલાક મકાનોમાં હજુ માલિકોને બદલે ભાડુઆત રહે છે, જર્જરીત એવા ૧૮ મકાનોને ખાલી કરીને તોડી પાડવા માટે હજુ હાઉસીંગ બોર્ડ શેનો વિચાર કરે છે ? તે પણ હકીકત છે. ગઇકાલથી જ ગઢની રાંગ, સેતાવાડ, તારમામદ સોસાયટી સહિતના વિસ્તારોમાં રી-સર્વેનું નાટક શરુ કરી દેવામાં આવ્યું છે ત્યારે હાઉસીંગ બોર્ડ કેવા પ્રકારના પગલા લે છે તે અંગે મકાનધારકોની નજર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application