જામનગરના સુન્ની દાલ કઝા દ્વારા આતંકી હુમલાને કાયરતાપૂર્વકનું કૃત્ય ગણાવીને વખોડી કાઢવામાં આવ્યો: કઠોર સજાની માંગ કરાઇ
પહલગામમાં આતંકવાદીઓએ કરેલા જઘન્ય હુમલા સામે દેશ આખામાં આકરો રોષ ઉઠ્યો છે, આતંકીને જડમૂળથી ઉખેડી ફેંકવાનો અને તેના આકાઓને તેના અંજામ સુધી પહોંચાડવાની માંગ કરાઇ છે ત્યારે જામનગરના સુન્ની દાલ કઝા તરફથી કાઝી-એ-ગુજરાત સૈયદ સલીમબાપુ નાનીવાલાએ પહલગામના આતંકી હુમલાને માનવતાના દુશ્મનોનું ધૃણાસ્પદ કૃત્ય ગણાવીને આ કાયરતાભર્યો હુમલો કરનારા આતંકીઓને કઠોરમાં કઠોર સજાની માંગ કરી છે.
રાષ્ટ્રપતિ, વડાપ્રધાનને સંબોધીને લખાયેલા પત્રમાં સુન્ની દાલ કઝા તરફથી સૈયદ મોહમ્મદ સલીમ અહેમદ કાદરી એટલે કે સલીમબાપુ નાનીવાલાએ જણાવ્યું છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ ભયંકર આતંકવાદી હુમલાની સખ્ત શબ્દોમાં નિંદા કરીએ છીએ, હુમલો નિર્દોષ નાગરિકો અને પ્રવાસીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો, જે માનવતાના દુશ્મનોનું ધૃણાસ્પદ કૃત્ય છે, અમો આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવારોની સાથે છીએ.
એમણે કહ્યું છે કે, આવા કાયરતાપૂર્ણ અને હિંસક કૃત્યથી આપણા ભાઇચારાવાદી દેશના લોકોનું મનોબળ ઓછું નહીં થાય, આપણે સાથે મળીને આવા આતંકવાદી મનોવૃત્તિ ધરાવતા લોકો સામે લડીશું અને સુલેહ, શાંતિ જાળવવા માટે પ્રતિબંધ રહીશું.
આ હુમલો દેશની શાંતિ અને સૌહાર્દના દુશ્મનો દ્વારા કરવામાં આવ્યો છે, જેનો હેતુ સ્પષ્ટ દેખાય છે કે આ દુશ્મનો આપણા દેશમાં અશાંતિ ફેલાઇ તેવા મનસુબા ધરાવે છે. સુન્ની દાલ કઝા દ્વારા એવી માંગણી કરાઇ છે કે, આ જઘન્ય આતંકી હુમલો કરનારાઓને વ્હેલામાં વ્હેલી તકે પકડીને આકરામાં આકરી સજા કરીને તેના અંજામ સુધી પહોંચાડવામાં આવે, આવેદનપત્રની નકલ જિલ્લા સેવા સદન ખાતે સલીમબાપુ નાનીવાલાના પ્રતિનિધિ દ્વારા આપવામાં આવી હતી.