આજે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે જંગ, 4 વાગ્યાથી રાજકોટ-જામનગર હાઈવે પર ભારે વાહનો પર પ્રતિબંધ, જાણો વૈકલ્પિક રસ્તાઓ

  • January 28, 2025 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટી-20 મેચની સિરીઝનો ત્રીજો મેચ આજે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે રમાશે. મેચને લઈને આજે બપોરે 4 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી રાજકોટ-જામનગર હાઈવે પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. 

ઈન્ટરનેશનલ મેચમાં હજારોની સંખ્યામાં પ્રેક્ષકો આવવાના હોય પોલીસ તરફથી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસની સાથે ખાનગી બાઉન્સરો પણ ખડેપગે રહેશે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જેમાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ 4 ડીવાયએસપી સહિત 482 જેટલા પોલીસ તેમજ 400 ખાનગી સિક્યોરિટી તહેનાત રહેશે.


મેચને લઈ વૈકલ્પિક રસ્તાઓ
ખંઢેરી સ્ટેડિયમ નજીક રાજકોટ-જામનગર હાઇવે રોડ પસાર થતો હોય અને ક્રિકેટ મેચના કારણે ટ્રાફિકજામ થવાની સંભાવના હોય જેથી ટ્રાફિક નિયમન માટે તા.૨૮/૦૧/૨૦૨૫ના બપોર પછી 4 વાગ્યાથી તા.૨૯/૦૧/૨૦૨૫ના સાંજના ૭.૦૧ વાગ્યા સુધી જામનગરથી રાજકોટ તરફ આવતા મોટા વાહનો (ટ્રક, ટેન્કર, ટ્રેલર વગેરે) પડધરી મોવૈયા સર્કલથી ડાયવર્ઝન આપી, ટંકારા થઈ રાજકોટ તરફ આવશે અથવા પડધરી- નેકનામ- મીતાણા થઈ રાજકોટ તરફ આવશે. જે ટ્રાફિક ડાયવર્ટ કરવા સારૂ જિલ્લા કલેક્ટર રાજકોટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેની તમામ વાહનચાલકોએ નોંધ લેવી.​​​​​​​


હેલ્મેટ પહેરી સ્ટેડિયમ જવાનું રહેશે
૦૧/૧૧/૨૦૧૯થી મોટર વ્હીકલ એક્ટના કાયદાના સુધારા મુજબ ટુ વ્હીલર વાહનચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવાનો કાયદો અમલમા આવ્યો છે. જે મુજબ ટુ વ્હીલર વાહન ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું રહશે. પરંતુ ખંઢેરી સ્ટેડીયમના નીતિ નિયમો મુજબ સ્ટેડિયમમાં હેલ્મેટ અંદર લઈ જવા પર પ્રતિબંધ છે. મેચમાં ૪૮૨ પોલીસ અધિકારી તથા કર્મચારીઓનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

તેમજ સ્ટેડિયમની અંદર કે બહાર ગેટ પર હેલ્મેટ રાખવાની માટેની કોઇ વ્યવસ્થા નથી. જેથી ટુ વ્હીલર વાહનો લઈ ક્રિકેટ મેચ જોવા આવનાર તમામ પ્રેક્ષકોએ પોત-પોતાના હેલ્મેટ પોતાના વાહન સાથે સુરક્ષિત રીતે લોક કરવા માટેની વ્યવસ્થા કરીને આવવા માટે જાહેર જનતાને સુચના કરવામાં આવી છે. તેમજ પ્રેક્ષકોના વાહનો તથા અન્ય ચીજવસ્તુની ચોરી ના થાય તે માટે યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.


ગ્રામ્ય જિલ્લા પોલીસ તરફથી ક્રિકેટ મેચ જોવા આવતા પ્રેક્ષકોને સુચના

  • સ્ટેડિયમની અંદર બેગ, ટિફિન, બીડી, માચીસ, લાઇટર, લાકડી, હથિયાર એવી કોઈ પણ વસ્તુ અંદર લઇ જઇ શકશે નહીં
  • શંકાસ્પદ હિલચાલ, શંકાસ્પદ વ્યક્તિ જણાય તેના ઉપર નજર રાખો.
  • કોઈ શંકાસ્પદ વસ્તુ નજરે પડે તો તેને અડવું નહીં તાત્કાલિક નજીકના પોલીસ ઓફીસરોને જાણ કરવી.
  • જો તમને કોઈ સમસ્યા હોય તો પોલીસ કંટ્રોલરૂમનો સંપર્ક કરો.
  • વાહનો નિયત કરેલ પાર્કિંગમાં જ પાર્ક કરવા.
  • સ્ટેડિયમમાં પાસે બેસેલ પ્રેક્ષકો સાથે વિનમ્ર વ્યવહાર કરવો.
  • પોલીસ ઓફિસરોની સુચનાનું પાલન કરવું.
  • ફક્ત નિયત કરેલ દરવાજેથી જ પ્રવેશવું.
  • નિયત સ્ટેન્ડમાં જ બેસવું, તમારા સીટ નંબર ઉપર જ બેસવું.
  • સ્ટેડિયમમાં એકવાર પ્રવેશ કર્યા બાદ બહાર નિકળશો તો ફરી પ્રવેશી શકાશે નહીં.
  • જો તમારે કોઈ સમસ્યા છે તો નજીકના પોલીસ ઓફીસરનો સંપર્ક કરો અમારા તરફથી ટેમ્પરરી સ્ટેડીયમ પોલીસ ચોકી ખોલવામાં આવેલ છે. જેથી ત્યાં જઇ અને તમારી સમસ્યા ગભરાયા વગર પોલીસ ઓફિસરને જણાવી શકો છો.
  • કોઈ વ્યક્તિ સ્ટેડિયમમાંથી ગ્રાઉન્ડમાં કોઈ પદાર્થ ફેંકતા પકડાશે તેના વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.​​​​​​​


આવો પોલીસ બંદોબસ્ત રહેશે
મેચમાં એક એસપી, 4 ડીવાયએસપી, 9 પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ કે હેડ કોન્સ્ટેલ, 31 પોલીસ કોન્સ્ટેબલ, 252 મહિલા હેડ કોન્સ્ટેબલ-પોલીસ કોન્સ્ટેબલ, 100 ટ્રફિક પોલીસ, 36 ટીઆરબી, 36 હોર્સ પોલીસ, 49 રાઇડર, 4 બીડીડીએસ અને 2 પોલીસ ટીમ તહેનાત રહેશે


પોલીસ ઉપરાંત સુરક્ષાને લઈ કઈ કઈ સુવિધા હશે

  • બગેજ સ્કેનર- ૨
  • સીસીટીવી કેમેરા કંટ્રોલ રૂમ- 1
  • પોલીસ કંટ્રોલ રૂમ-1 
  • ફાયર ફાઇટર- 2
  • મેડિકલ ટીમ એમ્બ્યુલન્સ વાહન સાથે- 2
  • ફાયર સેફ્ટી ઇક્વીપમેન્ટ ચકાસણી ટીમ- 1
  • એક્ઝિક્યટીવ મેજિસ્ટ્રેટ- 2
  • નાયબ કાર્યપાલક ઇજનેર- 2
  • એચ.એચ.એમ.ડી.- 40
  • ડી.એફ.એમ.ડી.- 20
  • વોકીટોકી- 40
  • વાયરલેસ સેટ- 1


સ્ટેડિયમ પર પ્રેક્ષકોનું થશે ભરપૂર મનોરંજન
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટી-20 મેચ સાંજના 7 વાગ્યાથી શરૂ થશે જેનું લાઇવ પ્રસારણ 25 કેમેરા , બે જિમી , બે બગી કેમેરા , એક ડ્રોન અને સ્પાઇડર કેમેરાની મદદથી કરવામાં આવશે. આ સાથે સાથે મેદાનની અંદર ચાર મોટી LED સ્ક્રીન પણ મુકવામાં આવી છે જેમાં પણ લોકો લાઇવ સ્ક્રીન નિહાળી શકશે. મનોરંજન માટે ડીજેનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમના દ્વારા મેચ દરમિયાન ચોક્કા , છગ્ગા કે વિકેટ દરમિયાન ડીજે વગાડી લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવશે.


બગી કેમેરાની શુ છે ખાસિયત?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં એક બગી કેમેરા મારફત પણ લાઇવ પ્રસારણ કરવામાં આવનાર છે. બગી કેમેરો એ એક આધુનિક કેમેરો છે જેની કિંમત પણ લાખોમાં હોય છે. આ કેમેરો મેચ દરમિયાન સમગ્ર મેદાનમાં બાઉન્ડરી લાઇન પર 360 ડિગ્રીએ ફરી શકે છે. આ કેમેરો 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ થી ચાલી શકે છે.


સ્પાઇડર કેમેરાની શું છે ખાસિયત?
સ્પાઈડર કેમેરા એ કેબલ-સસ્પેન્ડેડ કેમેરા સિસ્ટમ છે જે સામાન્ય રીતે ક્રિકેટની પીચ, ફૂટબોલ મેદાન અથવા ટેનિસ કોર્ટ જેવી રમતગમતના મેદાન પર ઉપયોગમાં લેવામાં આવે છે. જોયસ્ટીક દ્વારા સ્પાઈડર કેમ પર કેમેરામેન સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે. જોયસ્ટીકનો ઉપયોગ કરીને કેમેરાને કોઈપણ દિશામાં ખસેડી શકાય છે, ઝૂમ કરી શકાય છે, નીચે ઉપર લઇ જઇ શકાય છે. કેમેરા યુનિટને લટકાવવા માટે ચાર તારનો ઉપયોગ કરવામાં આવે છે. તે 36 કિલોમીટર પ્રતિ કલાકની ટોચની ઝડપે આગળ વધી શકે છે.


સ્ટેડિયમમાં 25 હજાર પ્રેક્ષકોની કેપેસિટી
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનું લોકાર્પણ વર્ષ 2013માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. 72 કરોડ ના ખર્ચે 29.48 એકર જગ્યામાં સ્ટેડિયમ નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં 25,000 સીટીંગ કેપેસિટી છે. સાઉથ , વેસ્ટ અને ઇસ્ટ એમ ત્રણ સ્ટેન્ડ માં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત કોર્પોરેટ હોસ્પિટલીટી , પ્રેસિડન્ડ બોક્સ , અને સેક્રેટરી બોક્સનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ ખાતે બનાવવામાં આવેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં બનાવવામાં આવેલ મીડિયા બોક્સ એ લંડનના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ આબેહૂબ કોપી બનાવવામાં આવી છે. મેચ દરમિયાન મીડિયા તેમજ કોમેનટ્રેટર પણ આ અંડકાર પેવેલિયન બોક્સમાં બેસતા હોય છે. અને સંપૂર્ણ સ્ટેડિયમ રુફ થી કવર કરવામાં આવેલ છે.    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application