જામનગર-દ્વારકામાં ર૪ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

  • July 22, 2023 01:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જરુરી કામકાજ સિવાય લોકોને આંતરીયાળ વિસ્તારોમાં ન જવાની સલાહ: બન્ને જિલ્લામાં આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ: હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલી વિગતો: બપોર બાદ કદાચ રેડ એલર્ટ પણ જાહેર થઇ શકે

જામનગર અને દેવભૂમિ દ્વારકા પર આ વર્ષે મેઘની અસીમ કૃપા વરસી છે, દરમ્યાનમાં આગામી ર૪ કલાકમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા આજે બપોરે ૧ર.૩૦ કલાક બાદ કરવામાં આવી છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો પર અનરાધાર વરસાદ પડવાની આગાહી અપાઇ છે, સાથે સાથે લોકોને પણ સાવચેત રહેવા સંકેત અપાયો છે, સંભવત: બપોર બાદ રેડ એલર્ટ પણ જાહેર થઇ શકે છે.
રાજ્યના હવામાન ખાતાએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટરને સ્પષ્ટ સૂચના આપી છે કે આગામી ર૪ કલાકમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં  સાંબેલાધાર વરસાદ પડી શકે છે અને તેના હિસાબે વહીવટી તંત્ર સજાગ રહે, આ સૂચનાને ઘ્યાનમાં રહીને ડીઝાસ્ટર કલેકટર કંટ્રોલ રુમના બન્ને જિલ્લાના વડા માનસીસિંહે આજકાલ સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, ર૪ કલાકની ભારે થી અતિભારેની આગાહી છે અને બપોરના ર વાગ્યા બાદ કદાચ રેડ એલર્ટ પણ આવવાની શક્યતા છે.
હજુ તો ખંભાળીયામાં ૧૦ થી ૧ર દરમ્યાન માત્ર બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકયો છે અને હજુ કેટલાક ગામડાઓમાં આ લખાય છે ત્યારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે, જો કે હવામાન ખાતું એમ પણ કહે છે કે તા. ૩૦ સુધી સૌરાષ્ટના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે અને તેમાં જામનગરનો સમાવેશ થાય છે.
જાણવા મળતી માહિતી મુજબ જિલ્લા કલેકટર બીજલ શાહ અને દ્વારકા કલેકટર અશોક શાાહએ તમામ કર્મચારીઓના રજા રદ્દ કરી દીધી છે, આજે શનિવાર રજાનો દિવસ છે અને આવતીકાલે રવિવાર હોવાથી કચેરીઓ નહીં ખુલે પરંતુ ડીડીઓ અને મ્યુ. કમિશ્નરને ભારેથી અતિભારે વરસાદની આગાહીની જાણ કરી દીધી છે.
હવામાન ખાતા એવું પણ જણાવ્યું છે કે, હાલારના કોઇપણ ગામમાં અતિભારે વરસાદ પડી શકે છે, જો લોકોને કામ ન હોય તો આજે બપોરથી આવતીકાલ સુધી બહાર ન નીકળવું, તેમજ વિજથાંભલા પાસે ન રહેવું અને જરુર જણાય તો તાત્કાલિક કંટ્રોલ રુમનો સંપર્ક સાધવો, આમ મહાપાલિકા, કલેકટર કચેરી અને ડીડીઓ કચેરીનો કંટ્રોલ રુમ સતર્ક થઇ ગયો છે, ગમે ત્યારે રેડ એલર્ટ જાહેર થવાની શક્યતા પણ અધિકારીઓએ જણાવ્યું છે, આવનારા ર૪ કલાક હાલાર માટે ભારે રહેશે તેમ પણ જાણવા મળે છે.
હાલારના મોટાભાગના ડેમો અને ચેકડેમો ભરાઇ ગયા છે, જેના કારણે ર થી ૩ ઇંચ વરસાદ પડે તો નદીઓમાં ઘોડાપુર આવવાની શક્યતા છે, તેથી નીચાણવાળા વિસ્તારના લોકોએ નદીના પટમાં અવરજવર ન કરવી તેવી ચેતવણી પણ આપવામાં આવી છે, નીચાણવાળા વિસ્તારોના લોકોએ સલામત સ્થળે ખસી જવા પણ જણાવી દેવામાં આવ્યું છે, જિલ્લા કલેકટરે તાલુકા લેવલે નાયબ કલેકટર અને મામલતદારોને એલર્ટ રહેવા સુચના આપી દીધી છે, કેટલાક ગામડાઓમૉ પીએચસી કેન્દ્ર ન હોય, વરસાદના સાચા આકડા બહાર આવતા નથી, બે દિવસ પહેલા કાલાવડ તાલુકાના ચારથી પાંચ ગામોમાં ૧૦ થી ૧૪ વરસાદ પડ્યો હતો, પરંતુ તેના સાચા આંકડા બહાર આવ્યા નથી, જ્યારે આ આગાહીને ઘ્યાનમાં લઇને હોડી, બોટ, તરવૈયા અને આશ્રયસ્થાનો અંગે પણ તાત્કાલિક વ્યવસ્થા કરવા તેમજ જરુર પડયે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવી તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે, આમ હાલારના અધિકારીઓ એલર્ટ બની ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application