જામજોધપુર પંથકમાં જોરદાર એક ઇંચ, જામનગરમાં ઝાપટા

  • June 19, 2023 02:17 PM 

ગઇકાલે રાત્રે 9 વાગ્યા બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં 25 થી 30 મીનીટ સુધી મેઘરાજા વરસતા પાણી-પાણી: સતાપર, સીદસર, ગોપ, વરવાળા, ભડાનેશ સહિતના ગામડાઓમાં અડધાથી એક ઇંચ


વૈશાખ મહીનામાં જાણે કે અષાઢ જેવો માહોલ હોય તે રીતે ગામડાઓમાં મેઘરાજા કમોસમી રીતે વરસી રહ્યા છે, ગઇકાલે જામજોધપુર પંથકના કેટલાક ગામડાઓમાં એક ઇંચ વરસાદ થતાં તલ, બાજરી, મગ, મરચા, ઘઉં અને કેરીના પાકને ભારે નુકશાન થયું છે, એટલું જ નહીં હજુ એક દિવસ સુધી હાલારમાં માવઠુ થવાની શકયતા છે તેવી હવામાન ખાતાએ કરતા ખેડુતો હેરાન-પરેશાન થઇ ગયા છે. જામનગરમાં ગઇકાલે રાત્રે એકાએક જોરદાર ઝાપટુ પડતાં રસ્તા પરથી પાણી ચાલ્યા ગયા હતાં, એ પહેલા હવામાન ખાતાએ એક બુલેટીન બહાર પાડીને જામનગર અને દેવભૂમિ દ્વારકાના કેટલાક ગામોમાં 6 થી 9 દરમ્યાન ભારે વરસાદ પડશે તેવી આગાહી પણ કરી હતી. હજુ આવતીકાલનો દિવસ ભારે છે અને વધુ માવઠુ થાય તેવી પણ શકયતા છે.


ગઇકાલે જામજોધપુર પંથકમાં બાલવા, જામજોધપુર, ગીંગણી, સિદસર, માંડાસણ, ગોપ, સતાપર, વરવાળા, ભડાનેશ સહિતના વિસ્તારોમાં વિજળીના ભારે કડાકા-ભડાકા બાદ અડધાથી એક ઇંચ વરસાદ પડયો છે, આ વરસાદને કારણે પાકને પણ ભારે નુકશાન થયું છે. તલ, બાજરી, મગ, મરચા, ઘઉં અને કેરીના પાકને વ્‌યાપક નુકશાન થતાં ખેડુતોને આર્થિક હાડમારી થઇ છે.


ખાસ કરીને કેરીના પાકને ભારે નુકશાન થયું છે, કેસર અને હાફુસ કેરી વેંચનારાઓની કેરી પલળી જતાં ભારે નુકશાન થયાનો અંદાજ છે ત્યારે આ માવઠામાં ખેડુતોને ફરીથી નુકશાન થતાં સરકાર દ્વારા તાત્કાલીક સર્વે કરાવીને ખેડુતોને સહાય મળે તેવી વ્યવસ્થા કરવા માંગણી કરી છે.


જામનગરમાં ગઇકાલે જોરદાર વરસાદને કારણે ત્રણ કાર ઉપર ઝાડ  પડતાં કારને નુકશાન થયું છે, ગ્રીન સીટી, રણજીતસાગર રોડ પર ઝાડ પડયું હતું અને ફાયર બિગ્રેડમાં ફરિયાદ નોંધાતા તાત્કાલીક ઝાડ ખસેડવામાં આવ્યું હતું, એક બાઇકને પણ નુકશાન થયાનું પણ જાણવા મળે છે, રાજ પાર્ક, રાધાકૃષ્ણ પાર્ક, લાલબંગલા સહિતના વિસ્તારોમાં જોરદાર 20 થી 25 મીનીટ વરસાદ પડયો હતો, જયારે કેટલાક વિસ્તારોમાં થોડી વાર બાદ વરસાદ પડયો હતો, 5 મીનીટમાં જ એકાએક વાતાવરણમાં બદલાવ થયો હતો.


કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્‌યા મુજબ મહત્તમ તાપમાન સિઝનનું સૌથી વધુ 35 ડીગ્રી રહ્યું હતું, લઘુતમ તાપમાન 26 ડીગ્રી, હવામાં ભેજ 85 ટકા અને પવનની ગતિ 35 થી 40 કિ.મી. પ્રતિકલાક રહી હતી. માવઠાથી તાસીરો બદલાયો છે, સરકારે વધુ સહાય પણ જાહેર કરી છે, પરંતુ અષાઢી માહોલ જેવા વાતાવરણને કારણે ખેડુતોમાં ભારે ચિંતાનો માહોલ જન્મયો છે, તા.8ના રોજ વાવાઝોડુ આવવાની શકયતા છે પરંતુ આ વાવાઝોડુ ગુજરાતને ખાસ કાંઇ અસર કરશે નહીં કદાચ વરસાદ પણ લાવે તેવી આગાહી નિષ્ણાંતો કરી રહ્યા છે.


આજ સવારથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, રાવલ, ભાટીયા, ફલ્લા સહિતના વિસ્તારોમાં વાદળીયું વાતાવરણ જોવા મળ્યું છે. આવનારા બે દિવસ સુધી માવઠાની શકયતા હોય ખેડુતો ચિંતામાં મુકાઇ ગયા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application