“હર ઘર તિરંગા”અભિયાનનું રાજ્યભરમાં ભવ્ય આયોજન કરાશે : રમતગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવી 

  • August 07, 2024 06:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

“હર ઘર તિરંગા”અભિયાનનું રાજ્યભરમાં ભવ્ય આયોજન કરાશ : રમતગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવી 



રાજ્યના મુખ્ય ચાર મહાનગરોમાં ૨ થી ૩ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે 
 

રાજ્યભરમાં અંદાજે ૫૦ લાખથી વધુ ત્રિરંગાનું વિતરણ કરાશે



કેન્દ્ર સરકાર દ્વારા તા. ૮ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા પણ તા. ૮ થી  ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર રાજ્યમાં ૭૮માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે તેમ, રમતગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું. 

મંત્રી સંઘવીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્ય ચાર શહેરો રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા તા: ૧૦ ઓગસ્ટના રોજ રાજકોટ, તા:૧૧ ઓગસ્ટે સુરત, તા: ૧૨ ઓગસ્ટે વડોદરા અને તા:૧૩ ઓગસ્ટે અમદાવાદ ખાતે તિરંગા યાત્રા યોજાશે. આ પ્રોગ્રામ ઉપરાંત રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને ૧૪,૨૯૨ ગ્રામ પંચાયતોમાં પણ આ તિરંગા યાત્રાની ઉજવણી થશે. આ યાત્રામાં રાજ્યભરની અંદાજે ૨,૨૦૦થી વધુ સંસ્થાઓ સહભાગી થશે. આ ઉપરાંત ખાસ કરીને બોર્ડરના ગામડાંઓમાં ઘરો પર તિરંગા લહેરાવીને તિરંગા યાત્રા પણ યોજવામાં આવશે. 

મંત્રીએ કહ્યું હતું કે, આ ઉપરાંત રાજ્યના મુખ્ય ૭૫ આઇકોનિક સ્થળોએ પણ આ પર્વની ઉજવણી થશે. આ ઉજવણીમાં રાજ્યના તમામ ઘર, દુકાન ઉદ્યોગ ગૃહ, સરકારી કચેરી, ખાનગી કચેરી અને લારીઓ પર પણ ત્રિરંગા લહેરાવામાં આવનાર છે. રાજ્યમાં આ ઉજવણીમાં તમામ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર પણ સંકલનમાં રહીને કામગીરી કરી રહ્યું છે. 

શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ દેશ ભક્તિની થીમ ઉપર ફેન્સી ડ્રેસ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તથા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીને પુરસ્કારથી સન્માનિત કરાશે. શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને આઝાદી તેમજ તિરંગાનું સન્માન જળવાય તે અંગેની વધુ સમજ પણ આપવામાં આવશે તેમ, તેમણે ઉમેર્યું હતું.

 
રમતગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવી કહ્યું હતું કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં ૫૦ લાખથી વધુ તિરંગાઓનું વિતરણ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ શહેરોના ચાર રસ્તાઓ ઉપર નાગરીકોને તિરંગાનું વિતરણ પણ કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા રાજ્યની એસ.ટી. બસોમાં પણ મુસાફરોને તિરંગાનું વિતરણ કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રી સંઘવીએ કહ્યું હતું કે, ચાર મહાનગરોમાં અંદાજે ૨ કિલોમીટરના રૂટ પર ત્રિરંગા યાત્રા/મેગા પરેડ યોજાશે. જેમાં સુરત અને અમદાવાદ ખાતે અંદાજે ૧ લાખથી વધુ જ્યારે રાજકોટ અને વડોદરા ખાતે ૫૦ થી ૭૦ હજાર નાગરીકો સહભાગી થશે. આ કાર્યક્રમ અંતર્ગત સશસ્ત્ર દળોનું બેન્ડ, પોલીસ બેન્ડ, સ્કૂલ બેન્ડ અને અન્ય ખાનગી બેન્ડ દ્વારા દેશ ભક્તિ આધારીત ધૂન રજૂ કરવામાં આવશે. રાજ્યના વિવિધ સાંસ્કૃતિક વૃંદો દ્વારા વિવિધ સ્થળે જાણિતા નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવશે.  

તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારના વિવિધ વિભાગ દ્વારા અંદાજે ૯ ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવશે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ થઈ રહેલા આયોજનમાં આ વખતની ઉજવણીમાં  હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા, તિરંગા રેલી, તિરંગા રન, તિરંગા કોન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી, તિરંગા સન્માન તેમજ તિરંગા મેલા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે જેમાં રાજ્યના નાગરિકોને મોટી સંખ્યામાં સહભાગી થવા મંત્રીએ અહ્વવાન કર્યું હતું




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application