સંકટ સમયનું સાથી હેમ રેડિયો: વાવાઝોડા દરમિયાન અગત્યનું છે આ સાધન, જાણો કેવી રીતે?

  • June 14, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બિપોરજોય વાવાઝોડાની ગુજરાતમાં ત્રાટકવાની શક્યતા છે, તે સમયે લોકો સુધી મેસેજ પહોંચાડવા હાલમાં ઇન્ટરનેટ છે, પરંતુ વાવાઝોડું બધું વેર વિખેર કરી નાખે તે સમયે આવા માધ્યમો સ્થગિત થઈ જાય છે. જ્યારે સુનામી, વાવાઝોડુ, ભૂકંપ કે જળપ્રલય સર્જા‍ય અને ઉપગ્રહ આધારિત સંદેશા વ્યવહાર ઠપ્પ થઈ જાય ત્યારે સેટેલાઇટ ફોન કે નેટ કામ આવતા નથી, એ કડવી વાસ્તવિકતા છે. આ સમયે છેલ્લી એક સદીથી એક શોખ રૂપે સચવાઈ રહેલો હેમ રેડિયો એટલે કે એમેચ્યોર રેડિયો જ માનવજીવન બચાવવા અને રાહત કામગીરી માટે સંકટ સમયની સાંકળ પુરવાર થયો છે. હવે તો હેમ રેડિયોમાં પણ અપડેટ આવ્યું છે ફક્ત વાતચીત જ નહીં ઇ-મેઇલ થઇ શકે છે તે પણ નેટની સુવિધા વગર.

શું છે હેમ રેડિયોનું કાર્ય

હેમ રેડિયોને સાદી ભાષામાં સમજાવીએ તો આ એક એવું વાયરલેસ ઉપકરણ છે કે, જેના દ્વારા વિશ્વના કોઇ ખૂણે વાત કરવા અને મેસેજ મોકલવા માટે વીજ પુરવઠો, સંચાર સાધનો કે નેટની જરૂર પડતી નથી. તેના માટે માત્ર જરૂરી છે એક ખાસ પ્રકારનો રેડિયો, એન્ટીના અને કારની 12 વોલ્ટની બેટરીની. એક દાયકા પહેલા જ્યારે ભયાનક સુનામી ત્રાટક્યું હતું ત્યારે સમગ્ર દેશની હેમ કોમ્યુનિટી ભારે મદદરૂપ બની હતી. ગુજરાતથી પણ એક ટીમ ગઇ હતી, ઉત્તરાખંડમાં જળપ્રલય આવ્યો ત્યારે પણ રાજકોટ ગુજરાતમાંથી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમના ભાગરૂપે હેમ રેડિયો ઓપરેટરોની મદદ લેવામાં આવી હતી. આ હેમ રેડિયો કેટલીક હદે રોમાંચક પૂરવાર થઇ શકે તેનું આ ઉદાહરણ છે. ત્યારે તાઉ-તે વાવાઝોડામાં પણ હેમ રેડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

શું હેમ રેડિયોના ઉપયોગ માટે લાયસન્સ જરૂરી છે?


હેમ રેડિયોએ એક અનોખી ટેકનોલોજી છે. જેના માટે સરકારના કેટલાક નિયમો છે. આ માટે સંચાર મંત્રાલય વાયરલેસ પ્લાનિંગ અને ર્કોડિનેશન વિંગ દ્વારા એક પરીક્ષા લેવાયા બાદ લાઇસન્સ આપવામાં આવે છે. રાજકોટમાં છેલ્લે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા 47 લોકોને તાલીમ આપવામાં આવી હતી અને જે પૈકીના 42 લોકોએ આ પરીક્ષા પાસ કરી હતી.

હવે હેમ રેડિયો દ્વારા ઇ-મેઇલ અને ફોટોગ્રાફ પણ મોકલી શકાશે

ગુજરાતનું એક માત્ર ડિજિટલ કોમ્યુનિકેશનની સુવિધા ધરાવતું હેમ રેડિયો સ્ટેશન રાજકોટમાં છે. વિશિષ્ઠ હોબીના ભાગ રૂપે આ સ્ટેશન ઊભું કરનારા ઇન્ટરનેટની સુવિધા વગર હેમ રેડિયો દ્વારા ટેક્સટ મેસેજિંગ શક્ય બન્યું છે. આ માટે તેમને બે હોમમેડ ઉપકરણો તૈયાર કર્યા છે જેના પગલે હવે હેમ રેડિયોના માધ્યમે ફોટોગ્રાફ અને ઇ-મેઇલ મોકલી શકાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application