અમેરિકાથી વધુ એક ગુજરાતીની કરપીણ હત્યાના આઘાતજનક સમાચાર સામે આવ્યા છે, જેણે વતન ગુજરાત અને અમેરિકામાં વસતા ભારતીય સમુદાયને હચમચાવી મૂક્યો છે. અમેરિકાના વર્જિનિયા સ્ટેટમાં રહેતી અને સ્ટોરમાં નોકરી કરતી મહેસાણા જિલ્લાની દીકરી મેઘનાબેન પટેલની એક અજાણ્યા બુકાનીધારી હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કરીને નિર્મમ હત્યા કરી દીધી છે. આ લોહિયાળ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે અત્યંત ભયાનક છે.
સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે, અમેરિકામાં છેલ્લા એક વર્ષ દરમિયાન એક જ સરખી મોડસ ઓપરેન્ડીથી એટલે કે સ્ટોરની અંદર ઘૂસીને ફાયરિંગ કરવાની આ ચોથા ગુજરાતીની હત્યાની ઘટના છે. આ સતત થઈ રહેલા હુમલાઓને કારણે અમેરિકામાં વસતા ગુજરાતીઓમાં ભારે ફફડાટ અને અસલામતીની લાગણી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામના વતની મેઘનાબેન પટેલ છેલ્લા દસ વર્ષથી અમેરિકાના વર્જિનિયામાં પોતાના પરિવાર સાથે સ્થાયી થયા હતા. તેઓ અને તેમના પતિ ત્યાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં નોકરી કરતા હતા. ઘટનાના દિવસે મેઘનાબેન જ્યારે સ્ટોરના કાઉન્ટર પર એકલા હાજર હતા ત્યારે જ કાળ બનીને એક અજાણ્યો બુકાનીધારી શખ્સ સ્ટોરની અંદર પ્રવેશે છે.
સામે આવેલા સીસીટીવી ફૂટેજ અનુસાર, હુમલાખોર સ્ટોરમાં પ્રવેશ્યા બાદ પળવાર માટે આજુબાજુ નજર દોડાવે છે. ત્યારબાદ કોઈ જ સંવાદ કે ચેતવણી આપ્યા વિના, તે પોતાના નેફામાંથી બંદૂક કાઢે છે અને કાઉન્ટર પાછળ ઉભેલા મેઘનાબેન પર ધડાધડ એક કરતાં વધુ રાઉન્ડ ફાયરિંગ કરી દે છે. ગોળીબાર કર્યા બાદ હુમલાખોર તુરંત જ ત્યાંથી નાસી છૂટે છે. લોહીલુહાણ હાલતમાં મેઘનાબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અમેરિકાના સ્થાનિક ગુજરાતી સંગઠનો અને એસોસિએશનો દ્વારા આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે અને તંત્ર પાસે ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની તેમજ હત્યારાને કડકમાં કડક સજા અપાવવાની માંગ કરવામાં આવી છે.
લૂંટના ઈરાદે હુમલો થયાની આશંકા
આ હૃદયદ્રાવક ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વર્જિનિયા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સીસીટીવી ફૂટેજના આધારે હત્યારાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ હુમલો લૂંટના ઈરાદે કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ પોલીસ અન્ય તમામ પાસાઓ પર પણ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.
વતન જંત્રાલ ગામમાં માતમનો માહોલ
મેઘનાબેનની હત્યાના સમાચાર વાયુવેગે તેમના વતન મહેસાણાના જંત્રાલ ગામમાં પહોંચતા જ સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. માત્ર જંત્રાલ જ નહીં, પરંતુ તેમના મોસાળ જામળા ગામમાં પણ લોકો આઘાતમાં સરી પડ્યા છે. મૃતક મેઘનાબેનના પિતા કરસનભાઈ પટેલ અને માતા કપિલાબેન હાલ જંત્રાલ ગામમાં જ રહે છે, જેમણે પોતાની વ્હાલસોયી દીકરી ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બીજી તરફ અમેરિકામાં રહેતા તેમના પતિ ઉપેન્દ્રભાઈ પટેલ, માસૂમ પુત્રી નકશી અને પુત્ર સ્મિત માતાની છત્રછાયા ગુમાવી દેતા ભારે આક્રંદ કરી રહ્યા છે.