પક્ષી વિવિધતા-સંરક્ષણમાં ગુજરાત અગ્રેસર

  • February 26, 2025 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અંદાજે ૧૮ થી ૨૦ લાખની વિવિધ પક્ષી વસ્તી સાથે ગુજરાત ‘પક્ષી જીવન’ માટે સ્વર્ગ તરીકે પ્રસ્થાપિત 

ગુજરાતના ‘પક્ષી જીવન’ની ઝલક:-

●    સૌથી વધુ ૩.૬૨ લાખથી વધુ પક્ષીઓ સાથે નળ સરોવર બન્યું ‘હોટસ્પોટ’
●    દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ ૪૫૬ પ્રજાતિઓ જયારે કચ્છમાં સૌથી વધુ ૪.૫૬ લાખથી વધુ પક્ષીઓ દેખાયા
●    સર્વેક્ષણ દરમિયાન ૩૦૦થી વધુ પક્ષી પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કરાયું
●    ‘કરૂણા અભિયાન’ અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યમાં ૧.૦૦ લાખથી વધુ પક્ષીઓ જીવનદાન 
●    દેશમાં સૌ પ્રથમવાર જામનગર ખાતે દરિયાકાંઠા- કિચડીયા પક્ષી ગણતરી- સેન્સસ યોજાયો


સમગ્ર વિશ્વમાં ગુજરાત અનેકવિધ જૈવ-પક્ષી વિવિધતા માટે જાણીતું છે. ઇકોસિસ્ટમ, પ્રાણી સૃષ્ટીને બચાવવા અને પર્યાવરણના જતન-સંરક્ષણ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલી બનાવી છે, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સતત આગળ વધારી રહ્યા છે. વન્ય જીવ સંરક્ષણ, સંવર્ધન અને સુરક્ષાને હંમેશા પ્રાધાન્ય આપવાના પરિણામે અંદાજિત ૧૮ થી ૨૦ લાખની વિવિધ પક્ષી વસ્તી સાથે ગુજરાત સાચા અર્થમાં ‘પક્ષી જીવન’ માટે સમગ્ર દેશમાં સ્વર્ગ તરીકે ઉભરી આવ્યું છે.

દેશમાં સૌ પ્રથમવાર મરીન નેશનલ પાર્ક- મરીન સેન્ચુરી જામનગર ખાતે ગત તા. ૦૩ થી ૦૫ જાન્યુઆરી, ૨૦૨૫ દરમિયાન દરિયાકાંઠાના તેમજ કિચડીયા પક્ષીઓની ગણતરી-સેન્સસ યોજાયો હતો. દરિયાકાંઠાના પક્ષીઓ માટે સ્વર્ગ સમાન એવા જામનગર ખાતે આ કાર્યક્રમમાં કિચડીયા પક્ષીઓ તેમજ દરિયા કિનારાનાં પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વન વિભાગ અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત-BCSGના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. 


વૈશ્વિક પક્ષીઓના આવાગમન માટે ગુજરાત પસંદગીનું રાજ્ય પ્રસ્થાપિત થયું છે ત્યારે ધાર્મિક અને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ ૪૫૬ પક્ષી પ્રજાતિઓની વિવિધતા નોંધાઈ છે જયારે સરહદી કચ્છ જિલ્લામાં ૧૬૧ પ્રજાતિઓના ૪.૫૬ લાખ જેટલા પક્ષીઓ જોવા મળ્યા છે. જામનગર વિવિધ ૨૨૧ પ્રજાતિઓની સાથે ૪ લાખથી વધુ પક્ષીઓની સંખ્યા ધરાવે છે. આ સાથે મહેસાણા, બનાસકાંઠા તેમજ અમદાવાદ એ પક્ષી જગતમાં નોંધપાત્ર ફાળો આપે છે જે ગુજરાત માટે પક્ષી જીવનનો અતુલ્ય વારસો દર્શાવે છે.


 
વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પક્ષી-પ્રાણી સંરક્ષણ અને સંવર્ધનને વિશેષ પ્રાધાન્ય આપી રહ્યું છે જેના ભાગ રૂપે ગુજરાતમાં સ્થિત નળ સરોવર, નડા બેટ, બોરીયા બેટ, થોળ વગેરે જેવા સ્થળો અંદાજે ૫૦ હજારથી પણ વધુ સ્થાનિકો તથા યાયાવર એટલે કે વિદેશી પક્ષીઓના ‘હોટસ્પોટ’ તરીકે જાણીતા થયા છે. અમદાવાદ પણ રાજ્યના પક્ષી જીવનમાં નોંધપાત્ર યોગદાન આપે છે. જેમાં ૩.૬૫ લાખથી વધુ પક્ષીઓની વસ્તી સાથે ૨૫૦થી વધુ વિવિધ પ્રજાતિઓ હોવાનું ગૌરવ અમદાવાદ ધરાવે છે. સરહદી એવા નડા બેટ વેટલેન્ડ કોમ્પ્લેક્સમાં એક લાખ કરતા વધુ પક્ષીઓ વસે છે. ‘રામસર સાઈટ’ની વાત કરીએ તો કચ્છના છારી ઢંઢની કુલ ૨૨,૭૦૦ હેક્ટર જમીનમાં ૧૫૦થી વધુ પ્રજાતિઓના ૩૦,૦૦૦ થી વધુ પક્ષીઓ માટે સુરક્ષિત નિવાસ્થાન સાબિત થયું છે. આજ રીતે, પોરબંદરમાં આવેલી મોકરસાગર ‘રામસર સાઈટ’ ૧૦૦થી વધુ પ્રજાતિઓના અંદાજે ૩૦,૦૦૦ પક્ષીઓનું નિવાસ્થાન બન્યું છે.

વધુમાં વર્ષ ૨૦૧૦માં થોળ પક્ષી અભયારણ્યમાં ૩૧,૩૮૦ પક્ષીઓનું આગમન થયું હતું જે વર્ષ ૨૦૨૪માં વધીને ૧.૧૧ લાખથી વધુ યાયાવર પક્ષીઓનું આગમન થયું છે. જ્યારે, પક્ષીઓના ‘હોટસ્પોટ’ એવા નળ સરોવર ખાતે વર્ષ ૨૦૧૦માં ૧.૩૧ લાખથી વધુ યાયાવર પક્ષી નોંધાયા હતા જ્યારે વર્ષ ૨૦૨૪માં ૩.૬૨ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે. છેલ્લા ૧૪ વર્ષમાં થોળ અને નળસરોવર પક્ષી અભયારણ્યમાં જળ પ્લાવિત વિસ્તારના યાયાવર પક્ષીઓનું અનુક્રમે ૩૫૫ અને ૨૭૬ ટકાનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત ખીજડિયામાં પક્ષી અભ્યારણમાં ૧.૫૦ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે. 

રાજ્યની ‘રામસર સાઇટ્સ’માં નળ સરોવર અને ખીજડિયા પક્ષી અભયારણ્ય મુખ્ય ભાગ ભજવે છે. પક્ષી ગણતરી દરમિયાન નળ સરોવર ખાતે પ્રભાવશાળી ૨૨૮ વિવિધ પક્ષીઓની પ્રજાતિઓનું તથા ખીજડિયા પક્ષી અભયારણ્યમાં ૨૦૦થી વધુ પ્રજાતિઓનું તલસ્પર્શી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.  



ભારતના પશ્ચિમી ભાગોમાં વસેલું, ગુજરાત તેની વિવિધ ઇકોસિસ્ટમ્સ- પક્ષીઓની વિવિધતા દેશભરના પક્ષીવિદો- પ્રેમીઓને આકર્ષિત કરે છે. કચ્છના મનમોહક રણથી લઈને લીલાછમ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સુધીના લેન્ડસ્કેપ્સના સ્પેક્ટ્રમમાં વિખરાયેલા છે. કચ્છના રણના વિશાળ મીઠાના ફ્લેટ્સ, સ્થળાંતર ઋતુ દરમિયાન હજારો ગ્રેટર ફ્લેમિંગોના આગમનના સાક્ષી બને છે જે સફેદ રણને ગુલાબી રંગમાં પરિવર્તિત કરે છે.

 
ગુજરાત પ્રતિ વર્ષ શિયાળામાં, યાયાવર એવા ‘બાર-હેડેડ’ હંસનું સ્વાગત કરે છે. આ અદ્દભૂત પક્ષીઓ ૭,૦૦૦ મીટરથી વધુની ઊંચાઈએ ‘હિમાલય’ પરથી પ્રવાસ શરૂ કરે છે અને શિયાળાની ઠંડીથી બચવા માટે ગુજરાતની ભૂમિને તેમનું હંગામી આશ્રયસ્થાન- ઘર બનાવે છે. જામનગરની આબોહવા ‘માર્શ ફ્લેમિંગો’, ‘પેલિકન’ અને ‘ક્રેન્સ’ને આવકારે છે એવી જ રીતે, ગુજરાતના દરિયાકિનારે મેન્ગ્રોવ ઇકોસિસ્ટમ સ્થાનિક અને યાયાવર પક્ષીઓ બંને માટે ટકાઉ વાતાવરણ પૂરું પાડીને સમૃદ્ધ પક્ષી જૈવવિવિધતામાં વધારો પણ કરે છે.  



સ્થાનિક તથા યાયાવર પક્ષીઓના સર્વેક્ષણ માટે ગુજરાત વન વિભાગ દ્વારા eBird પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. જેના આધારે ગુજરાતમાં પક્ષી વિવિધતા સર્વેક્ષણની આંકડાકીય માહિતી પ્લેટફોર્મ પર નિયમિત અપલોડ કરવામાં આવે છે. આ સર્વેક્ષણમાં વિવિધ પ્રદેશો, જળાશયો અને રામસર સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સર્વેક્ષણમાં એનજીઓ, વિવિધ યુનિવર્સિટીઝ તેમજ વૈજ્ઞાનિકો-પક્ષીવિદોના સહયોગથી ડેટા તૈયાર કરવામાં આવે છે. 

eBird પ્લેટફોર્મના અસરકારક ઉપયોગથી માહિતી સંગ્રહ અને વ્યવસ્થાપન કરી સર્વેક્ષણમાં ૩૯૮  eBird ચેકલિસ્ટમાંથી ડેટાનો ઉપયોગ કરીને ૩૦૦થી વધુ પક્ષીઓની પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. આ વર્ગીકરણમાં સ્થાનિક, યાયાવર, નિવાસી-સ્થળાંતર પક્ષીઓનો અભ્યાસ કરી ડેટા તૈયાર કરવામાં આવે છે. જેમાં બનાસકાંઠા, જામનગર, કચ્છ, અમદાવાદ, પોરબંદર, સુરત, દેવભૂમિ દ્વારકા જેવા વિવિધ જિલ્લાઓમાં ૧૩ નજીકના જોખમી, ૪ જોખમમાં મૂકાયેલા, ૭ સંવેદનશીલ અને ૧ ગંભીર રીતે જોખમી જાતિઓનું અવલોકન કરવામાં આવ્યું હતું.

 
ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થયેલા પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરીને તુરંત સારવાર આપી નવજીવન આપી શકાય તેવા ઉમદા હેતુથી દર વર્ષે વન વિભાગ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી “કરૂણા અભિયાન”નું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષ ૨૦૨૫માં રાજ્યભરમાં અંદાજે કુલ ૧૭,૦૬૫ જેટલા પક્ષીઓને રેસ્ક્યુ કરી સમયસર સારવાર આપીને ૧૫,૫૭૨ જેટલા પક્ષીઓને જીવનદાન આપવામાં આવ્યું છે. 

​​​​​​​

​​​​​​​
રાજ્યમાં વર્ષ-૨૦૧૭થી ઉત્તરાયણ પર્વ દરમિયાન પ્રતિ વર્ષ તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા માટે અને ઘાયલ પક્ષીઓને સારવાર આપવા માટે કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૧.૧૨ લાખથી વધુ ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. જેમાંથી ૯૨ ટકા સાથે ૧.૩ લાખ જેટલા પક્ષીઓને જીવનદાન આપવામાં આવ્યું છે. આમ, ગુજરાતે સૌ પ્રથમવાર શરૂ કરેલું “કરૂણા અભિયાન”નું આદર્શ મોડલ આજે સમગ્ર દેશ માટે પથદર્શક બન્યું છે.
   

આ ઉપરાંત રાજ્ય સરકારે 'ગીધ પક્ષી સંરક્ષણ અને નિરીક્ષણ'ના ઉદ્દેશ્ય સાથે વાઈલ્ડ લાઈફના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટના ચેરમેન પદે કુલ ૧૧ સભ્યોની સમિતિ પણ રચવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application