મહાકુંભના શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારનો અનોખો અભિગમ, શ્રદ્ધાળુઓને સહાયરૂપ બનશે ગુજરાત પેવિલિયન

  • January 17, 2025 09:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતનો સૌથી ભવ્ય આધ્યાત્મિક મેળો એટલે કુંભનો મેળો. પૂર્ણ કુંભ મેળો દર ૧૨ વર્ષે આયોજિત થાય છે. આ વર્ષ એટલે કે ૨૦૨૫નો મહા કુંભ મેળો આધ્યાત્મિક દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ છે. કારણ કે, હિન્દુ સંસ્કૃતિ મુજબ ચારેય મુખ્ય ગ્રહો- સૂર્ય, ચંદ્ર, ગુરુ અને શનિ સંરેખિત થશે. આ સંયોગ દર ૧૪૪ વર્ષમાં એકવાર આવતો હોવાથી આ મહાકુંભ અતિ વિશિષ્ઠ માનવામાં આવે છે. ભારત સહિત વિશ્વભરના ભક્તો મહાકુંભ-૨૦૨૫માં સહભાગી થઈ ગંગા, યમુના અને સરસ્વતી જેવી પવિત્ર નદીઓના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવીને ધન્યતા અનુભવે છે.


ગુજરાતમાંથી લાખો ભાવિકો મહાકુંભ-૨૦૨૫માં સહભાગી થવા ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જઈ રહ્યાં છે. ગુજરાતના શ્રદ્ધાળુઓને ત્યાં તમામ સેવા-સુવિધા પૂરી પાડવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પ્રયાગરાજ ખાતે તા. ૧૩ જાન્યુઆરી થી ૨૬ ફેબ્રુઆરી સુધી ‘ગુજરાત પેવિલિયન’ બનાવામાં આવ્યું છે. ગુજરાત પેવિલિયનનો મુખ્ય ઉદ્દેશ ભારત સહિત વિશ્વભરના પ્રવાસીઓને ગુજરાતના વૈવિધ્યસભર વારસાથી પરિચિત કરાવી તીર્થયાત્રીઓને શક્ય તમામ પ્રકારની મદદ કરવાનો છે.


આ ઉપરાંત ગુજરાત પ્રવાસન નિગમ દ્વાર ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ૧૮૦૦-૧૮૦-૫૬૦૦ જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર સંપર્ક કરીને ગુજરાતીઓ મહાકુંભ-૨૦૨૫ને લગતી તમામ માહિતી ઉપરાંત પેવેલિયનની વિવિધ સેવાઓ વિશે જાણકારી મેળવી શકશે. 


ગુજરાત પેવિલિયનની મુખ્ય વિશેષતાઓ:-


મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓને માર્ગદર્શન તથા મહાકુંભને લગતી તમામ માહિતી સરળતાથી મળી રહે તે હેતુસર ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ૨૪ કલાક કાર્યરત હેલ્પ ડેસ્કની સેવા ઉપલબ્ધ કરવામાં આવેલ છે, જેનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૮૦-૫૬૦૦ છે.


વિશ્વભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ ગુજરાતના સાંસ્કૃતિક, પ્રાકૃતિક તથા ઐતિહાસિક વારસાથી માહિતગાર થઈ શકે તે હેતુથી ગુજરાતના શ્રેષ્ઠ પર્યટક સ્થળોની ઝાંખી ત્યાં ઊભી કરવામાં આવી છે. 


મહાકુંભમાં આવતા ભક્તો અને પ્રવાસીઓ ગુજરાતના હસ્તકલા વારસાથી માહિતગાર થઈ શકે ઉપરાંત ખરીદી પણ કરી શકે તે હેતુથી ગુજરાતના વૈવિધ્યસભર હસ્તકલાના ૧૫ જેટલા સ્ટોલ પણ બનાવાયા છે. 


પેવેલિયનમાં ગુજરાતની ગ્રામીણ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા ૧૦ સ્ટોલ રાખવામાં આવ્યા છે. જેમાં યાત્રિકો સ્વાદિષ્ઠ ગુજરાતી ભોજનનો આનંદ લઈ શકશે. આ પગલાંથી ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં મહિલાઓ સ્વાવલંબી અને આત્મનિર્ભર બનશે.


મહાકુંભ-૨૦૨૫માં સહભાગી થવા જતા ગુજરાતના શ્રદ્ધાળુઓ કોઈપણ જાતની અગવડ વિના યાત્રા કરી શકે તે માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગુજરાત પેવિલિયન બનાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application