ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો, જુલાઈથી નવેમ્બરનું એરિયર્સ ડિસેમ્બરના પગારમાં મળશે

  • December 04, 2024 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે એક ખુશ ખબર છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવેથી 1 જુલાઈ 2024થી 3 ટકાનો વધારો કરી 53 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. આમ હવે પેન્શનર્સ અને કર્મચારીઓને 1 જુલાઈ 2024થી મૂળ પગારના 53 ટકા મોંઘવારી ભથ્થું મળશે. જુલાઈથી નવેમ્બર મહિના સુધીનું એરિયર્સ ડિસેમ્બરના પગારમાં મળશે.


રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને લાભ મળશે. રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને જુલાઈ-2024થી નવેમ્બર-204 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિરોમ્બરના પગાર સાથે (પેઇડ ઇન જાન્યુઆરી-2025) રોકડમાં ચૂકવવાની રહેશે.


કોને મોંઘવારી ભથ્થાનો લાભ મળશે?
આ હુકમ જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ તથા પંચાયત કર્મચારીઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ, સહાયક અનુદાન મેળવતી બિન સરકારી શાળાઓ/સંસ્થાઓ જેમના કર્મચારીઓને રાજ્ય સરકારની મંજુરીથી સાતમા પગારપંચ પ્રમાણે પગાર સુધારણાનો લાભ આપવામાં આવેલ છે.


આ મોંઘવારી ભથ્થાનો લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્તિ ઉપરના અથવા બદલી પામેલા કર્મચારીઓ તેમજ કામ પુરતા મહેકમ પરના કર્મચારીઓ જેમને સાતમા પગારપંચ મુજબ પગાર સુધારણા મંજૂર કરવામાં આવેલ છે તેમને મળવાપાત્ર થશે.


પંચાયતો દ્વારા તેમના કર્મચારીઓને મંજૂર કરેલા મોંઘવારી ભથ્થાના કારણે અને બિન સરકારી માધ્યમિક શાળાઓને તેમના શિક્ષકોને તેમજ સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવાના થતા મોંઘવારી ભથ્થાના કારણે થતો ખર્ચ, આ હુકમોમાં નિયત કર્યા પ્રમાણે વિનિયમિત કરવામાં આવશે. આ હુકમોને કારણે થતો ખર્ચ તે શરતે અનુદાનને પાત્ર ગણવામાં આવશે કે આ રીતે મંજૂર કરેલ મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન થવો જોઈએ.


રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર મોંઘવારી ભથ્થામાં થતો આ વધારો જેમને સાતમા પગાર પંચ મુજબ પગાર સુધારણા થયેલ છે તેમને મળવાપાત્ર થશે.


આ નિર્ણય અખિલ ભારતીય સેવા (A.I.S.) અધિકારીઓને પણ લાગુ પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application