ગુજરાતના ખેડૂતોને વીજ બિલમાં રાહત માટે છેલ્લાં બે વર્ષમાં રૂ. ૧૮,૦૦૪ કરોડની સબસિડી અપાઈ

  • March 03, 2025 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિધાનસભા ગૃહમાં ધારાસભ્યઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને વીજ બિલમાં રાહત માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૮,૨૩૩ કરોડ અને વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૯,૭૭૧ કરોડ એમ કુલ બે વર્ષમાં રૂ. ૧૮,૦૦૪ કરોડની સબસિડી આપવામાં આવી છે. ઊર્જા મંત્રીએ કહ્યું કે, આપણો ખેડૂત ખેતરમાં દિવસ-રાત મજૂરી કરીને વિવિધ ખેતપેદાશો દ્વારા સમાજની જરૂરિયાતો પૂરી પાડે છે. ખેડૂતોને તેમની ખેત-પેદાશોની પડતર કિંમત નીચી આવે અને યોગ્ય વળતર મળી રહે તેમજ પરોક્ષ રીતે સામાન્ય વ્યક્તિઓને પણ સસ્તી ખેત પેદાશો થકી ફાયદો થાય તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વીજ બિલમાં વિવિધ રાહતો આપવામાં આવે છે.

રાજ્યમાં ખેતીવાડી વીજ જોડાણો અંગે વિગતો આપતા મંત્રીએ કહ્યું કે, છેલ્લા બે દાયકામાં ખેડૂતોને ૧૪ લાખ નવા ખેતીવાડી વીજ જોડાણ આપવામાં આવ્યા છે. આમ હાલમાં ખેતીવાડી વીજ જોડાણની કુલ સંખ્યા ૨૧ લાખથી વધુ છે. તદુપરાંત રાજ્યના ખેડૂતોને વીજ દરના તફાવતની રકમ, ઇલેક્ટ્રિસિટી ડયુટી તેમજ ફયુઅલ સરચાર્જ ભરપાઈ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. છેલ્લા બે દાયકામાં ખેડૂતોના વીજ દરમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી જે સરકારની ખેડૂતો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે, તેમ મંત્રીએ જણાવ્યું હતું.


રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લાં બે વર્ષમાં વીજ બિલમાં સબસિડી મુદ્દે મંત્રીએ જણાવ્યું કે, મહેસાણા જિલ્લામાં વીજ બિલમાં રાહત પેટે વર્ષ ૨૦૨૩માં ૪૩,૪૬૮ ખેડૂતોને રૂ. ૭૦૧.૪૪ કરોડ તથા વર્ષ ૨૦૨૪માં ૪૪,૪૭૧ ખેડૂતોને રૂ. ૬૩૭.૬૫ કરોડની એમ કુલ રૂ. ૧૩૩૯.૦૯  કરોડની સબસિડી આપવામાં આવી છે. એ જ રીતે અમરેલી જિલ્લામાં વીજ બિલમાં રાહત પેટે વર્ષ-૨૦૨૩માં ૧,૩૨,૪૬૩ ખેડૂતોને રૂ. ૩૭૭.૪૧ કરોડ તથા વર્ષ-૨૦૨૪માં ૧,૩૫,૭૯૩ ખેડૂતોને રૂ. ૩૩૯.૨૮ કરોડની એમ છેલ્લાં બે વર્ષમાં કુલ રૂ. ૭૧૬.૬૯ કરોડની સબસિડી આપવામાં આવી છે. 


આ અંગે વધુ વિગતો આપતા ઊર્જા મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં અમદાવાદ જિલ્લામાં વીજ બિલમાં રાહત પેટે વર્ષ-૨૦૨૩માં ૩૧,૬૩૭ ખેડૂતોને રૂ. ૧૫૩.૦૪ કરોડ તથા વર્ષ-૨૦૨૪માં ૩૪,૦૪૮ ખેડૂતોને રૂ. ૧૩૫.૦૯ કરોડની સબસિડી આપવામાં આવી છે. આમ, ખેડૂતોને કુલ રૂ. ૨૮૮.૧૩ કરોડની વીજ બિલમાં રાહત આપી છે. તેમજ નવસારી જિલ્લામાં વીજ બિલમાં રાહત પેટે વર્ષ ૨૦૨૩માં ૫૨,૨૦૫ ખેડૂતોને રૂ. ૭૪.૮૭ કરોડ તથા વર્ષ ૨૦૨૪માં ૫૨,૩૬૯ ખેડૂતોને રૂ. ૬૬.૯૨ કરોડની સબસિડી આપવામાં આવી છે. આમ, છેલ્લાં બે વર્ષમાં ખેડૂતોને કુલ રૂ. ૧૪૧.૭૯  કરોડની વીજ બિલમાં રાહત આપવામાં આવી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

આ ઉપરાંત સાબરકાંઠા, ખેડા, સુરત, સુરેન્દ્રનગર, ભરૂચ, રાજકોટ, જૂનાગઢ, દાહોદ, ભાવનગર, કચ્છ, ગાંધીનગર, વડોદરા, મોરબી, વલસાડ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ વીજ બિલમાં રાહત પેટે સબસિડી આપવામાં આવી હોવાની વિગતો લેખિત પ્રત્યુત્તરમાં જણાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application