BREAKING NEWS

ગુજરાત એનએસઈ પર ભારતના બીજા સૌથી મોટા રોકાણકાર આધાર તરીકે ઉભરી આવ્યું

  • April 20, 2026 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત એનએસઈ પર ભારતના બીજા સૌથી

મોટા રોકાણકાર આધાર તરીકે ઉભરી આવ્યું

વર્ષ 2025-26 દરમિયાન ગુજરાતના આશરે 46 લાખ રોકાણકારોએ ઓછામાં ઓછું એક વખત ટ્રેડિંગ કર્યું હતું, જે દેશના કુલ સક્રિય વ્યક્તિગત રોકાણકારોમાંથી 12.5 ટકા હિસ્સો છે

ભારતના ઇક્વિટી બજારોમાં ગુજરાતનું મજબૂત સ્થાન યથાવત્ રહ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના એફવાય26 ના આંકડા મુજબ, રાજ્ય સક્રિય રોકાણકારોની સંખ્યા અને ટ્રેડિંગ ટર્નઓવર બંનેમાં દેશમાં બીજા ક્રમે રહ્યું છે. બજારમાં અસ્થિરતા હોવા છતાં, રોકાણકારોની ભાગીદારી ઊંચી જ રહી હતી. એનએસઈ ના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ગુજરાતના આશરે 46 લાખ રોકાણકારોએ ઓછામાં ઓછું એક વખત ટ્રેડિંગ કર્યું હતું, જે દેશના કુલ સક્રિય વ્યક્તિગત રોકાણકારોમાંથી 12.5 ટકા હિસ્સો દર્શાવે છે. આ રોકાણકારોએ કુલ મળીને રૂ. 18.5 લાખ કરોડનું કેશ માર્કેટ ટર્નઓવર કર્યું હતું.

રાજ્યમાં કુલ 1.10 કરોડ નોંધાયેલા રોકાણકારોમાંથી આશરે 42 ટકા લોકોએ એફવાય-26 દરમિયાન ટ્રેડિંગમાં ભાગ લીધો હતો. એનએસઈના અહેવાલ મુજબ, મહારાષ્ટ્ર અને ગુજરાત બંને ઇક્વિટી કેશ સેગમેન્ટમાં ટર્નઓવર દૃષ્ટિએ ટોચના રાજ્ય તરીકે યથાવત્ રહ્યા. મહારાષ્ટ્રે રૂ. 33 લાખ કરોડ (19 ટકા હિસ્સો)નું ટર્નઓવર નોંધાવ્યું, જ્યારે ગુજરાતે રૂ. 18.5 લાખ કરોડ (10.6 ટકા હિસ્સો)નું ટર્નઓવર કર્યું. ઉપરાંત, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને દિલ્હી સાથે મળીને ટોચના પાંચ રાજ્યો કુલ એનએસઈ કેશ માર્કેટ ટર્નઓવરનો અડધાથી વધુ હિસ્સો ધરાવે છે.

ગુજરાતના 46.1 લાખ સક્રિય રોકાણકારોએ તેને એનએસઈના ઇક્વિટી કેશ સેગમેન્ટમાં ભાગીદારીના દૃષ્ટિકોણથી બીજા ક્રમે રાખ્યું. મહારાષ્ટ્રનો હિસ્સો 16.6 ટકારહ્યો, જ્યારે ગુજરાતનો 12.5 ટકા રહ્યો. બજાર નિષ્ણાતોના મતે, ગુજરાતની મજબૂત કામગીરી પાછળ તેનું પરંપરાગત ટ્રેડિંગ સંસ્કાર અને રિટેલ રોકાણકારોની ઊંચી ભાગીદારી મુખ્ય કારણ છે. અમદાવાદના સ્ટોક બ્રોકર નિરવ ચાંદીના જણાવ્યા મુજબ, ગુજરાતના રોકાણકારો બજારમાં ઉતાર-ચઢાવ હોવા છતાં સક્રિય રહે છે, કારણ કે અહીં ઇક્વિટી રોકાણ એક મજબૂત નાણાકીય સંસ્કૃતિનો ભાગ છે. ઘણા રોકાણકારો ઘટાડાને વેચાણના સંકેત તરીકે નહીં પરંતુ ખરીદીની તક તરીકે જુએ છે.

જિલ્લા સ્તરે, અમદાવાદ દેશભરમાં બીજા ક્રમે રહ્યું, જ્યારે મુંબઈ સબર્બન પ્રથમ સ્થાને હતું. અમદાવાદમાં એફવાય 26 દરમિયાન 10.4 લાખ રોકાણકારોએ ઓછામાં ઓછો એક વખત ટ્રેડિંગ કર્યું હતું, જે રાષ્ટ્રીય સ્તરે 2.8 ટકા હિસ્સો દર્શાવે છે. એનએસઈના અહેવાલ મુજબ, ટોચના 10 જિલ્લાઓમાં કુલ 71.4 લાખ સક્રિય રોકાણકારો હતા, જે કુલ રોકાણકારોમાંથી 19.4 ટકા છે. મુંબઈ સબર્બન 12 લાખ રોકાણકારો (3.3 ટકા હિસ્સો) સાથે પ્રથમ સ્થાને રહ્યું, ત્યારબાદ અમદાવાદનું સ્થાન રહ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News