BREAKING NEWS

ગુજરાતના IPS મનોજ નિનામાનું રાજીનામું, 'ખાખી' છોડી 'ખાદી' ધારણ કરશે, ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવાના એંધાણ

  • April 08, 2026 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં આગામી ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે વહીવટી અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. વર્ષ 2006ની બેચના સિનિયર IPS અધિકારી મનોજ નિનામાએ પદ પરથી રાજીનામું આપ્યું છે, જેને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સ્વીકારી લેવામાં આવ્યું છે. ચૂંટણીના આ ટાણે જ લેવાયેલો આ નિર્ણય સૂચવે છે કે તેઓ હવે સક્રિય રાજકારણમાં ઝંપલાવવા માટે સજ્જ છે.


ભાજપમાં જોડાવાની અને ચૂંટણી લડવાની શક્યતા

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મનોજ નિનામા ટૂંક સમયમાં જ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને કેસરીયા કરી શકે છે. એવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે કે તેઓ પોતાના વતન અરવલ્લી જિલ્લાની રાજનીતિમાં સક્રિય થશે. અરવલ્લી જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીમાં તેઓ 'ઓડ' બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરે તેવી સંભાવના છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે તેમણે સેન્સ પ્રક્રિયા દરમિયાન ગોપનીય રીતે ટિકિટ માટેની પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી દીધી છે.


જિલ્લા પંચાયતથી વિધાનસભા સુધીની સફર?

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, જો મનોજ નિનામા સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં વિજય મેળવે છે, તો ભાજપ તેમને ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ મહત્ત્વના દાવેદાર તરીકે મેદાનમાં ઉતારી શકે છે. અરવલ્લી વિસ્તારમાં એક ઉચ્ચ અધિકારી તરીકે અને સ્થાનિક વતની તરીકે તેમનો પ્રભાવ સારો હોવાથી ભાજપ માટે તેઓ એક મજબૂત આદિવાસી ચહેરા તરીકે ઉભરી શકે છે.


રાજીનામા બાદ મનોજ નિનામાની પ્રતિક્રિયા

પોતાના આ નિર્ણય અંગે વાત કરતા મનોજ નિનામાએ જણાવ્યું હતું કે, "મેં 42 વર્ષ સુધી પોલીસ સેવામાં રહીને મારી ફરજ બજાવી છે. હવે સમાજનું જે ઋણ મારા પર છે, તેને ચૂકવવા માટે અને જવાબદારી નિભાવવા માટે મેં આ પગલું ભર્યું છે. અરવલ્લી જિલ્લો નવો છે અને તેના વિકાસ માટેની જવાબદારીઓ હું નિભાવીશ." જોકે, હાલમાં કોઈ પક્ષ સાથે વાત થઈ હોવાની બાબતે તેમણે મૌન સેવ્યું હતું, પરંતુ તેમના બદલાયેલા અંદાજ પરથી રાજકારણમાં પ્રવેશ નિશ્ચિત જણાય છે.


ચૂંટણી સમીકરણોમાં ફેરફાર

એક ઉચ્ચ પોલીસ અધિકારી જ્યારે રાજકારણમાં પ્રવેશે છે, ત્યારે સ્થાનિક સમીકરણોમાં ચોક્કસપણે મોટા ફેરફાર આવે છે. મનોજ નિનામાનો વહીવટી અનુભવ અને અરવલ્લી પંથકમાં તેમની પકડ જોતા, વિરોધ પક્ષો માટે પણ તેઓ એક પડકારજનક ઉમેદવાર સાબિત થઈ શકે છે. હવે સૌની નજર ભાજપની આગામી યાદી પર ટકેલી છે, જેમાં તેમનું નામ હોવાની પૂરી શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News