આજના જમાનામાં કોઈનોય વિશ્વાસ કરાય એમ નથી... આ કહેવતને અક્ષરશઃ સાચી સાબિત કરતો એક ચોંકાવનારો કિસ્સો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવ્યો હતો. માનવતા અને સગાપણું નિભાવવા જતાં મકાનમાલિકે પોતાનું મકાન નજીકના સગાને મફતમાં રહેવા આપ્યું, પરંતુ એ જ સગાએ દાનત બગાડીને મકાન પચાવી પાડવાનો કારસો રચ્યો હતો. મકાન ખાલી કરવાને બદલે સગાએ નીચલી કોર્ટમાં કબ્જાનો દાવો માંડી દીધો હતો. આ હાઈપ્રોફાઈલ કેસમાં જસ્ટિસ જે.સી.દોશીએ અરજદાર સગાની અપીલને આકરા વલણ સાથે ફગાવી દઈ, મકાનમાલિકની તરફેણમાં મિલકત કબ્જાના વિવાદો અંગે એક અત્યંત મહત્વપૂર્ણ અને માર્ગદર્શક ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, માત્ર મૌખિક દાવાથી કોઈ મકાનનો ભાડુઆત કે કબ્જેદાર ન બની શકે.
કેસની વિગતો અનુસાર, અમદાવાદના મોટેરા વિસ્તારમાં રહેતા યશવંતસિંહ રાઠોડે પોતાના નજીકના સગા સવાઈસિંહ દેવીસિંહ ચૌહાણની નબળી આર્થિક સ્થિતિ અને રહેવાની મજબૂરીને ધ્યાનમાં રાખીને માનવતાના ધોરણે મદદ કરવાનો નિર્ણય કર્યો હતો. યશવંતસિંહે સવાઈસિંહ પાસેથી એક પણ રૂપિયો ભાડું લીધા વિના માત્ર બે વર્ષ માટે મકાન વાપરવા અને રહેવાની મંજૂરી આપી હતી. આ અંગે બંને પક્ષો વચ્ચે ગત ૨૬ ડિસેમ્બર, ૨૦૦૫ના રોજ એક લેખિત કરાર (લીવ એન્ડ લાઈસન્સ) પણ કરવામાં આવ્યો હતો. જો કે, ૨ વર્ષની નિયત મુદત વીતી ગયા પછી પણ સવાઈસિંહે મકાન ખાલી કરવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. એટલું જ નહીં, તેમણે ઉલટાનો મકાનમાં પોતાનો ભાડુઆત તરીકેનો હક્ક હોવાનો દાવો કરતો દીવાની દાવો પણ દાખલ કરી દીધો હતો, જેમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા.
જ્યારે સગાએ મકાન ખાલી ન કર્યું, ત્યારે મકાનમાલિક યશવંતસિંહે પોતાના મકાનનો પ્રત્યક્ષ કબ્જો પરત મેળવવા માટે ગાંધીનગર સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો. ગાંધીનગર કોર્ટે મકાનમાલિકની દલીલોને ગ્રાહ્ય રાખીને સવાઈસિંહને વિવાદાસ્પદ મકાનનો શાંત અને પ્રત્યક્ષ કબ્જો મૂળ માલિકને સોંપી દેવા હુકમ કર્યો હતો. ટ્રાયલ કોર્ટના આ આદેશથી નારાજ થઈને સગા સવાઈસિંહે ગુજરાત હાઇકોર્ટમાં 'ફર્સ્ટ અપીલ' દાખલ કરી હતી. જો કે, ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.સી.દોશીએ ગાંધીનગર કોર્ટના નિર્ણયને સંપૂર્ણ યોગ્ય ઠેરવ્યો હતો અને સગાને તાત્કાલિક મકાન ખાલી કરવાનો આદેશ આપી માલિકની સદ્ભાવનાનો દુરુપયોગ ન કરવા ટકોર કરી હતી.
હાઇકોર્ટે બહુ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, કોઈ પણ વ્યક્તિ માત્ર મોઢેથી મોટા-મોટા દાવા કરવાથી કાયદેસરનો ભાડુઆત કે મકાનનો કબ્જેદાર બની શકતી નથી. માત્ર મૌખિક વાતો કે નિવેદનોના આધારે ભાડુઆત તરીકેનો દરજ્જો કે કોઈ હક્ક ક્યારેય સાબિત થતો નથી. કોર્ટે નોંધ્યું કે વિવાદીત મકાનનું બાંધકામ અને કબ્જો વર્ષ ૨૦૦૪માં મળ્યો હતો. તેથી 'ગુજરાત રેન્ટ એક્ટ'ની કલમ 4(1એ) મુજબ, આ મિલકત ભાડા નિયંત્રણ કાયદાની જોગવાઈઓથી સંપૂર્ણ મુક્ત છે. પરિણામે આ વિવાદનો નિર્ણય કરવાનો અધિકાર સિવિલ કોર્ટને છે.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે પ્રતિવાદી સગાને માત્ર ૨ વર્ષ માટે સંબંધોને કારણે રહેવાની મંજૂરી અપાઈ હતી. કરારની મુદત પૂર્ણ થયા બાદ પણ મકાન ખાલી ન કરવાથી તેમનો કબ્જો આપોઆપ ગેરકાયદેસર અને અતિક્રમણ સમાન બની જાય છે. એક વખત કોર્ટ સમક્ષ મિલકતની અસલી માલિકી સાબિત થઈ જાય, તે પછી તે મિલકત પર પોતાનો કબ્જો જાળવી રાખવાનો હક્ક સાબિત કરવાની સંપૂર્ણ જવાબદારી કબ્જેદાર (અરજદાર)ની રહે છે અને તેના માટે કોર્ટમાં પાકા દસ્તાવેજી પુરાવા રજૂ કરવા અનિવાર્ય છે.
અદાલતે અવલોકન કર્યું કે 'ડ્યુ પ્રોસેસ ઓફ લો' નો અર્થ એવો નથી કે કોઈ વ્યક્તિ અનંત સમય સુધી મિલકત પર કબ્જો જાળવી રાખે. એક વખત સક્ષમ સિવિલ કોર્ટ દ્વારા માલિકી હક્કનો નિર્ણય થઈ જાય એટલે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ ગણાય છે.
જસ્ટિસ જે.સી.દોશીએ ચુકાદાના અંતમાં બહુ માર્મિક નોંધ લેતા જણાવ્યું હતું કે, મકાનમાલિકે સગાપણું અને માનવતાના ધોરણે જે તે સમયે મફતમાં જગ્યા આપી હતી, તેનો અર્થ એ નથી કે કાયમી હક્કનો દાવો માંડી દેવો. મકાનમાલિકની મંજૂરીથી મર્યાદિત સમય માટે અપાયેલો કબ્જો કરાર પૂરો થતાં જ ગેરકાયદેસર બને છે. પક્ષકારો વચ્ચેનો સંબંધ માત્ર કરાર અને મિલકત હસ્તાંતરણ કાયદા હેઠળ જ નક્કી થઈ શકે. આ ઐતિહાસિક ચુકાદાથી એ સાબિત થયું છે કે ઉદારતા અને માનવતાના આધારે કોઈને આશરો આપનાર મકાનમાલિકોના હક્કોનું રક્ષણ કરવા માટે કાયદો સંપૂર્ણ સક્ષમ છે.