BREAKING NEWS

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને મળશે નવી માકર્શીટ મળશે, મુખ્ય ત્રણ ફેરફાર કરવામાં આવ્યા, જાણો શું બદલાવ કરાયો

  • May 14, 2026 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જોકે, આ વર્ષે વિદ્યાર્થીઓને મળનારી માર્કશીટમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. બોર્ડ દ્વારા માર્કશીટને વધુ સુરક્ષિત અને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબની બનાવવા માટે તેની ડિઝાઈન, ફોર્મેટ અને સુરક્ષા ફીચર્સમાં ધરખમ ફેરફારો કર્યા છે. હવે ગુજરાત બોર્ડની માર્કશીટ ઘણીખરી CBSE બોર્ડની માર્કશીટ જેવી જ આધુનિક દેખાશે.


ત્રણ મુખ્ય બદલાવ: નામની પેટર્ન અને ફોર્મેટમાં ફેરફાર

બોર્ડના સચિવ આર.આર. વ્યાસના જણાવ્યા અનુસાર, આ વર્ષથી માર્કશીટમાં ત્રણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સૌથી મોટો ફેરફાર વિદ્યાર્થીના નામની ગોઠવણમાં છે. અત્યાર સુધી માર્કશીટમાં પહેલા વિદ્યાર્થીની અટક અને પછી નામ આવતું હતું, પરંતુ હવેથી CBSEની જેમ પહેલા વિદ્યાર્થીનું નામ અને પછી અટક લખવામાં આવશે.

બીજા ફેરફાર મુજબ, અત્યાર સુધી નામ અને અટક એકસાથે મથાળામાં લખાતા હતા, જેની જગ્યાએ હવે નામ, પિતાનું નામ અને અટક એમ અલગ-અલગ કોલમ (મથાળા) હેઠળ વિગતો દર્શાવવામાં આવશે. આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થી જ્યારે વિદેશમાં કે અન્ય રાજ્યોમાં અભ્યાસ માટે જાય, ત્યારે દસ્તાવેજોની ચકાસણીમાં કોઈ મુશ્કેલી ન પડે અને નામની સ્પષ્ટ ઓળખ થઈ શકે.


હોલોગ્રામની વિદાય અને QR કોડનું આગમન

માર્કશીટની સુરક્ષા વધારવા માટે અત્યાર સુધી વપરાતા ટ્રેડિશનલ સિક્યોરિટી હોલોગ્રામને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની જગ્યાએ હવે QR કોડ દાખલ કરવામાં આવ્યો છે. સરકારી દાખલાઓની જેમ માર્કશીટમાં રહેલા QR કોડને સ્કેન કરતા જ વિદ્યાર્થીની તમામ વિગતો ઓનલાઈન વેરીફાઈ થઈ શકશે. આ ટેકનોલોજીને કારણે ડુપ્લીકેટ માર્કશીટ બનાવવી અશક્ય બનશે, કારણ કે નકલી માર્કશીટ સ્કેન થતા જ પકડાઈ જશે. આ ઉપરાંત માર્કશીટની સાઈઝ પણ CBSE માર્કશીટ જેવી જ રાખવામાં આવી છે, જે અગાઉની સરખામણીએ થોડી મોટી હશે.


જૂની સિસ્ટમ અને વિવાદોની ચર્ચા

ગુજરાત બોર્ડમાં અત્યાર સુધી હોલોગ્રામ અને પીળા કલરની સિક્યોરિટી લેમિનેશન ફિલ્મનો ઉપયોગ થતો હતો, જેની વિશ્વસનીયતાની પ્રશંસા કેનેડા જેવા દેશોના પ્રતિનિધિઓએ પણ કરી હતી. આટલી ફૂલપ્રૂફ સિસ્ટમ હોવા છતાં તેને દૂર કરવાના નિર્ણયથી શિક્ષણ જગતમાં અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં માર્કશીટ લેમિનેશનની કામગીરીમાં થયેલી ગેરરીતિને કારણે મોટો હોબાળો થયો હતો અને તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે એજન્સીઓ માટે કડક અનુભવ અને મશીનરીની ચરતો લાદી હતી. જોકે, આ વર્ષના ટેન્ડરમાં અનુભવ અને મશીનરીની ચકાસણી જેવી મહત્વપૂર્ણ શરતોને અવગણવામાં આવી હોવાની ચર્ચાઓ પણ ઉઠી છે, જે ભવિષ્યમાં ચર્ચાનો વિષય બની શકે છે.


ક્યારે મળશે માર્કશીટ?

હાલમાં નવી ડિઝાઈન અને ફોર્મેટ મુજબ માર્કશીટ છાપવાની પ્રક્રિયા ચાલી રહી છે. વિદ્યાર્થીઓને પ્રિન્ટેડ માર્કશીટ મેળવવા માટે હજુ એક અઠવાડિયા જેટલો સમય લાગી શકે તેમ છે. આ નવી 'હાઈ-ટેક' માર્કશીટ વિદ્યાર્થીઓની સુરક્ષા અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application