ગુજરાત રાજ્યના વહીવટી તંત્રના હૃદય સમાન ગણાતા ગાંધીનગર સચિવાલયમાં હવે કામકાજની પદ્ધતિ બદલવાની દિશામાં હલચલ તેજ થઈ છે. વધતા જતા પ્રદૂષણ, ઈંધણનો વપરાશ અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખીને ‘ધી ગુજરાત સચિવાલય ફેડરેશન’ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખીને સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ (WFH) અને ‘5 ડેઝ વીક’ (પાંચ દિવસનું અઠવાડિયું) અમલમાં મૂકવા માટે જોરદાર રજૂઆત કરવામાં આવી છે.
ડિજિટલ ગવર્નન્સ અને ઈંધણ બચત પર ભાર
ફેડરેશન દ્વારા લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સચિવાલયમાં અંદાજે 2500 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે. દરરોજ આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓની અવરજવરને કારણે પેટ્રોલ-ડીઝલનો વ્યાપક વપરાશ થાય છે, જેની સીધી અસર પર્યાવરણ અને દેશના અર્થતંત્ર પર પડે છે. ફેડરેશનનું માનવું છે કે જો અઠવાડિયામાં અમુક દિવસ વર્ક ફ્રોમ હોમ આપવામાં આવે, તો મોટા પાયે ઇંધણની બચત થઈ શકે છે અને ગાંધીનગર-અમદાવાદ હાઈવે પર ટ્રાફિકનું ભારણ પણ ઘટાડી શકાય તેમ છે.
કોરોનાકાળના સફળ મોડલનો હવાલો
કર્મચારી સંગઠને સરકારને યાદ અપાવ્યું છે કે કોરોના મહામારી દરમિયાન રાજ્ય સરકારમાં ઈ-ઓફિસ, વર્ચ્યુઅલ મિટિંગ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવી ડિજિટલ ફાઈલ સિસ્ટમનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિસ્ટમને કારણે ભૌતિક હાજરી વગર પણ વહીવટી કામગીરી અટકી નહોતી. ફેડરેશનની માંગ છે કે આ ડિજિટલ માધ્યમોનો કાયમી ધોરણે મહત્તમ ઉપયોગ કરીને ‘હાઈબ્રિડ વર્ક મોડલ’ અપનાવવામાં આવે, જેથી ગ્રીન ગવર્નન્સના સંકલ્પને સાકાર કરી શકાય.
મુખ્ય માંગણીઓ અને અન્ય રાજ્યોનું ઉદાહરણ
ફેડરેશને પત્રમાં કેટલીક સ્પષ્ટ માંગણીઓ રજૂ કરી છે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
વિભાગોની કામગીરીના પ્રકાર મુજબ રોટેશનલ ‘વર્ક ફ્રોમ હોમ’ શરૂ કરવું.
કેન્દ્ર સરકાર, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સરકારની જેમ અઠવાડિયામાં બે દિવસ ઘરેથી કામ કરવાની છૂટ આપવી.
રાજ્ય સરકારમાં પણ ‘5 ડેઝ વીક’ (પાંચ દિવસીય કાર્ય પ્રણાલી) તાત્કાલિક અસરથી લાગુ કરવી.
ઈ-ઓફિસ અને ડિજિટલ પ્લેટફોર્મને વધુ મજબૂત બનાવવું.
સચિવાલય ફેડરેશનનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા ઈંધણ બચત અને પર્યાવરણ સુરક્ષાના સંદેશને જો રાજ્ય સરકાર સચિવાલય સ્તરેથી અમલમાં મૂકશે, તો તે સમગ્ર રાજ્ય માટે એક ઉદાહરણ પૂરું પાડશે. આ ફેરફારથી કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થશે અને તેમના કામના તણાવમાં પણ ઘટાડો થશે. હવે જોવાનું એ રહેશે કે મુખ્યમંત્રી આ રજૂઆત પર શું નિર્ણય લે છે.