BREAKING NEWS

ગુજરાત વિધાનસભામાં ‘અશાંતધારા’ સુધારા વિધેયક પસાર: હવે ‘નિર્દિષ્ટ વિસ્તાર’ તરીકે ઓળખાશે

  • March 25, 2026 08:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં અશાંતધારા અધિનિયમ હેઠળ સ્થાવર મિલકતની તબદીલી બાબતે અત્યંત અસરકારક સુધારા સૂચવતું સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. આમ, હવેથી અશાંત વિસ્તાર નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે.

ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્યના મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડાએ અશાંતધારા અધિનિયમમાં ક્રાંતિકારી ફેરફારો સૂચવતું સુધારા વિધેયક-૨૦૨૬ રજૂ કર્યું હતું, જેને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. આ નવા સુધારા મુજબ હવેથી 'અશાંત વિસ્તાર' શબ્દને બદલે તેને 'નિર્દિષ્ટ વિસ્તાર' તરીકે ઓળખવામાં આવશે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર રોકવાનો અને અસામાજિક તત્વો દ્વારા થતી મિલકત હડપવાની પ્રવૃત્તિ પર લગામ કસવાનો છે.

ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગામાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા બાબત(સુધારા) વિધેયક-૨૦૨૬ રજૂ કરતી વખતે મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું કે, આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર રોકવાનો અને કાયદેસરના માલિકોના હિતોનું રક્ષણ કરવાનો છે.


આ વિધેયકના મુખ્ય સુધારાઓ અને જોગવાઈઓ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે સરકાર દ્વારા આ કાયદાને વધુ મજબૂત બનાવવા માટે નીચે મુજબના મહત્વના સુધારા અમલમાં મૂકવામાં આવ્યા છે:

    •    ‘નારાજ વ્યક્તિ’ના વ્યાપમાં વધારો: હવે નિર્દિષ્ટ વિસ્તારમાં રહેતી કોઈ પણ વ્યક્તિ પોતાના હિતોના રક્ષણ માટે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી શકશે.

    •    જાહેર વ્યવસ્થાનું રક્ષણ: જે વિસ્તારમાં જાહેર વ્યવસ્થાનો ભંગ થવાની સંભાવના હોય, તેવા વિસ્તારને પણ કાયદાની જોગવાઈઓ અનુસાર 'નિર્દિષ્ટ વિસ્તાર' જાહેર કરી શકાશે.

    •    કલેક્ટરની સત્તામાં વધારો: મિલકતના રક્ષણ માટે કલેક્ટર 'સુઓ મોટો' (સ્વતઃ સંજ્ઞાન) અથવા કોઈપણ નારાજ વ્યક્તિની અરજી પર તપાસ કરી શકશે. જો મિલકતની તબદીલી વાંધાજનક જણાશે, તો કલેક્ટર તે મિલકત પોતાના કબજામાં લઈ શકશે.

    •    નાણાકીય સહાયની સુવિધા: લોકોની આર્થિક હાડમારી દૂર કરવા માટે નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે, જે મુજબ નિર્દિષ્ટ વિસ્તારની વ્યક્તિ પોતાની મિલકત નાણાકીય સંસ્થાઓમાં ગિરો મૂકીને લોન કે સહાય મેળવી શકશે.

    •    તપાસ અને સલાહકાર સમિતિ: નિર્દિષ્ટ વિસ્તાર જાહેર કરવા બાબતે વાસ્તવિક પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે ખાસ તપાસ ટીમ અને દેખરેખ તથા સલાહકાર સમિતિની ભૂમિકાને વધુ અસરકારક બનાવવામાં આવી છે.

આ સુધારા દ્વારા રાજ્ય સરકાર નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતધારકોના અધિકારોનું રક્ષણ કરી, સામાજિક સદભાવ જાળવી રાખવા માટે કટિબદ્ધ છે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News