BREAKING NEWS

ગોંડલમાં તંત્રની ઘોર બેદરકારી! વીજ કરંટ લાગતા 35 થી વધુ ઘેટાંના કમકમાટીભર્યા મોત

  • July 01, 2026 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના સાજડિયાળી અને મોટા સખપર સીમ વિસ્તારમાં જેટકો સબ સ્ટેશનની બહાર ખુલ્લા અર્થિંગ વાયર અને પ્લેટમાં કરંટ ઉતરતા 35 થી વધુ ઘેટાંના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 7 જેટલા ઘેટાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ મામલે અગાઉ રજૂઆત કરવા છતાં તંત્રએ કોઈ ધ્યાન આપ્યું ન હતું, જેને કારણે આજે આ ગંભીર દુર્ઘટના સર્જાઈ છે.
સાજડિયાળી ગામના માલધારી હરેશભાઇ ગોવાભાઈ આજરાએ પોતાના 50 થી વધુ ઘેટાં ઘર પાસે આવેલા વાડામાં રાખ્યા હતા. આજે વહેલી સવારે આશરે 5 વાગ્યાની આસપાસ જ્યારે ઘેટાંને દોહવા માટે બહાર કાઢવામાં આવ્યા, ત્યારે ઘેટાંના ટોળાએ દોડ મૂકી હતી. આ દરમિયાન બાજુમાં જ આવેલા મોટા સખપર જેટકો 66 K.V. સબ સ્ટેશનની દીવાલ બહાર અર્થિંગ માટે કાઢવામાં આવેલા ખુલ્લા વાયર અને લોખંડની પ્લેટ પર ઘેટાંનો પગ પડી ગયો હતો. પ્લેટમાં જોરદાર લાઈવ કરંટ હોવાથી જોતજોતામાં ૩૫થી વધુ ઘેટાંના ઘટનાસ્થળે જ તરફડિયાં મારીને કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. દેરડી જિલ્લા પંચાયતના સભ્ય ભરતભાઇ ચોવટિયા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. આ સાથે જ સુલતાનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એ. ખાચર, પોલીસ સ્ટાફ, પશુ ડોક્ટરો અને FSLની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. બીજી તરફ પીજીવીસીએલ (PGVCL)ના કાર્યપાલક ઈજનેર પી.એસ. ધુલીયા અને વાસાવડના ડેપ્યુટી ઈજનેરો સહિતનો કાફલો પણ તપાસ માટે સ્થળ પર પહોંચ્યો હતો.
પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેર પી.એસ. ધુલીયાએ જણાવ્યું હતું કે "સબ સ્ટેશનની બહાર એલ્યુમિનિયમની પટ્ટી સાથે જે વધારાનું અર્થિંગ કરવામાં આવ્યું છે, તે તપાસનો વિષય છે. PGVCL માં આવી એલ્યુમિનિયમની પટ્ટી વપરાતી નથી અને અમારા દ્વારા આ અર્થિંગ કરાયું નથી. આ પટ્ટી કોણે લગાવી તેની અમે તપાસ કરીશું અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ સરકારી નિયમ મુજબ મૃત ઘેટાં દીઠ કુલ રૂ. 3000 ની સહાય ચૂકવવાની જોગવાઈ છે, જેમાં રૂ. 1500 અરજી વખતે અને બાકીના રૂ.1500 ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરના રિપોર્ટ બાદ ચૂકવાશે."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application