BREAKING NEWS

જામનગર : ઘોર બેદરકારી..હાલારમાં શાળાના ૧,૨૨,૯૮૬ વિધાર્થીઓ અપાર આઇડી વિહોણા

  • January 19, 2026 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલારમાં શાળાઓની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. કારણ કે, ૭ જાન્યુઆરીની સ્થિતિએ બંને જિલ્લામાં  શાળાના ૧,૨૨,૯૮૬ વિધાર્થીઓના અપાર આઇડી બન્યા નથી. જયારે જામનગર જિલ્લામાં ૧૦ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨ સરકારી શાળાએ તો છાત્રોની ડેટા એન્ટ્રીની કામગીરી પણ શરૂ કરી નથી. ત્યારે ૨૯ જાન્યુઆરી સુધી આ કામગીરી પૂર્ણ કરવાના શિક્ષણ મંત્રાલયે આદેશ કર્યો છે ત્યારે આ કામગીરીની અમલવારી અને પૂર્ણતા સામે સવાલ ઉઠ્યા છે. એક પછી એક કામગીરીના ફતવાથી શિક્ષકો ત્રાહીમામ પોકારી ગયા છે. 


જામનગર સહીત રાજયભરની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓના અપાર આઇડી જનરેટ શાળાઓએ કરવાના હોય છે. અપાર આઇડીનો મુખ્ય હેતુ વિધાર્થીની શૈક્ષણીક યાત્રાનો સમગ્ર અને સરળ રેકર્ડ તૈયાર કરવાનો છે. જેમાં વિધાર્થીઓના શૈક્ષણીક તથા સહ-શૈક્ષણીક તમામ મહત્વના તબકકાઓ આવરી લેવામાં આવે છે. અપાર આઇડીને એકમાત્ર વિધાર્થી ઓળખ તરીકે સ્થાપીત કરવાથી વિધાર્થીની સમગ્ર યાત્રા એકીકૃત રીતે પ્રતિબીંબત થશે. જે રાષ્ટ્રીય નીતી-૨૦૨૦ના ડીજીટલ ટેકનોલોજી દ્રારા શૈક્ષણીક પરિણામોનું ટ્રેકીંગ અને ઇઝ ઓફ સ્કૂલીંગ ને મજબૂત આધાર પૂરો પાડવાના દ્રષ્ટીકોણ સાથે સુંંસંગત છે.


 આથી કેન્દ્રના શિક્ષણ મંત્રાલય દ્રારા તમામ વિધાર્થીઓ માટે અપાર આઇડી બનાવવાની કામગીરી તા.૨૯ જાન્યુઆરી સુધી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. પરંતુ નવાઇની વાત તો એ છે કે, જામનગર સહીત રાજયભરમાં અમુક શાળાઓએ છાત્રોના અપાર આઇડી બનાવવાની કામગીરી હજુ સુધી શરૂ કરી ન હોવાનું શિક્ષણ મંત્રાલયને ઘ્યાનમાં આવ્યું છે. ૭ જાન્યુઆરીની સ્થિતિએ જામનગર જિલ્લામાં કાર્યરત ૧૨૯૪ શાળામાં અભ્યાસ કરતા ૨૨૧૧૪૧માંથી ૧૨૨૬૫૩ છાત્રોના અપાર આઇડી બન્યા છે. એટલે કે ૫૫.૪૬ ટકા કામગીરી પૂર્ણ થઇ છે. ૯૮૪૮૮ છાત્રો અપાર આઇડી  વિહોણા છે. જયારે ૧૦ શાળાએ તો આ કામગીરી શરૂ પણ કરી નથી. 


આજ રીતે દેવભૂમિ દ્રારકા જિલ્લામાં કાર્યરત ૮૬૨ સરકારી શાળામાં અભ્યાસ કરતા ૧૧૯૦૦૯ માંથી ૯૪૫૧૧ છાત્રોના અપાર આઇડી બન્યા છે. ૨૪૪૯૮ છાત્રોના અપાર આઇડી બન્યા નથી. જયારે ૨ શાળાએ આ કામગીરી શરૂ કરી ન હતી. ત્યારે શિક્ષણ મંત્રાલય દ્વારા ૨૯ જાન્યુઆરી સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાનો આદેશ કરાયો છે ત્યારે તેના અમલીકરણ અને સફળતા સામે સવાલ ઉઠ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application