રાજકોટ પૂર્વ વિધાનસભા વિસ્તારમાં ગ્રીન મતદાન મથક, પાંદડા,રોપા અને ઓર્ગેનિક વસ્તુઓનો કરાયો ઉપયોગ, મતદારોને રોપા અપાયા

  • May 08, 2024 12:45 AM 

લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવા મતદારોને પ્રોત્સાહિત કરવા રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેક પ્રકારના મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના ૬૮- વિધાનસભા રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં  ઈકોફ્રેન્ડલી ગ્રીન મતદાન મથક બનાવવામાં આવ્યું હતું. આ મથકોને નારીયેળી, પાંદડા, રોપા, ફૂલ અને ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરીને સજાવાયા હતા. તથા વોટર સેલ્ફી ઝોન અને ગ્રીન મતદાર સહાયતા કેન્દ્રો પણ બનાવાયા હતા. આ આદર્શ મતદાન મથકમાં ટેબલ, ખુરશી, મતકુટિરને રોપાથી શણગારવામાં આવ્યા હતા.


    
ઈકો ફ્રેન્ડલી (ગ્રીન બુથ) મતદાન મથક કે જ્યાં પ્લાસ્ટીકનો સ્હેજ પણ ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. આ ગ્રીન બૂથ ખાતે તંત્ર દ્વારા  મતદાતાઓને તુલસી અને અન્ય ફૂલના રોપા ભેટ કરવામાં આવ્યા હતા તેમજ આ બૂથોને ફૂલોથી શણગારીને લોકોને આકર્ષિત કરાયા હતા. બુથ ખાતે દિવ્યાંગો માટે રેમ્પ,વ્હીલચેરની સુવિધા તેમજ એન.સી.સી સ્વયંસેવકોની સહાયતા તથા પીવાના ઠંડા પાણીની તથા શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. મતદાતાઓને બુથ ખાતે રાહ જોવા વિશેષ બેઠક વ્યવસ્થાનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. 
    

આ તકે  મોરબી રોડની ૧૮ વર્ષીય રહેવાસી શ્રી સંજના વિનોદભાઈ ગોહિલે પ્રથમ વખત મતદાન કરતાં પોતાના અનુભવને વહેંચતા કહ્યું હતું કે, "અગાઉ હું મારા પિતા મતદાન કરવા આવતા ત્યારે તેમની સાથે આવતી તો તે સામાન્ય શાળામાં મતદાન કરી અને નીકળી જતા, પરંતુ આજે જ્યારે હું આ બુથ ઉપર આવી છું ત્યારે અહીંયા આ ફૂલ-ઝાડ વચ્ચે જાણે હું બગીચામાં મતદાન કરતી હોય તેવી મને લાગણી થઈ રહી છે. અહીં કરવામાં આવેલો આ હરિયાળો શણગાર ખૂબ આકર્ષક છે. સંજનાબહેને ઉમેર્યું હતું કે, તેઓ હવેથી દરેક ચૂંટણીમાં મતદાન કરશે જ અને દરેક વ્યક્તિએ અવશ્ય મતદાન કરવું જ જોઈએ તેવો મત એમણે દર્શાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application