જામનગરમાં રાજ્યપાલ તથા મુખ્યમંત્રી તા.૧ના રોજ પરેડની સલામી ઝીલશે

  • April 29, 2023 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પરેડ દરમિયાન વિવિધ ૧૯ પ્લાટુનોમાં ૮૦૦ જવાનો થશે સહભાગી: પરેડમાં ચેતક કમાન્ડો પ્લાટુન, બુલેટપ્રુફ લેક ગાડી, અશ્વદળ, તથા વિવિધ પોલીસ બેન્ડના રહેશે આકર્ષણો: પરેડમાં ગુજરાતની અસ્મિતા તથા હાલારની સંસ્કૃતિને ઉજાગર કરતાં સાંસ્કૃતિક લોકનૃત્યોનો પણ સમાવેશ

ગુજરાત ગૌરવ દિવસની જાજરમાન ઉજવણી જામનગરના આંગણે થવા જઇ રહી છે.વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, શસ્ત્ર પ્રદર્શન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે તા.૧લી મે ના રોજ ટાઉનહોલ થી સાત રસ્તા સર્કલ સુધી યોજાનાર ભવ્ય પોલીસ પરેડ લોકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
**
પરેડમાં સહભાગી થશે આ ૧૯ પ્લાટુન
ઉજવણી અંતર્ગત યોજાનાર આ પરેડમાં ૧૯ પ્લાટુનમાં ૮૦૦ જવાનો ભાગ લઇ રહ્યા છે. જેમાં ગાંધીનગરની ચેતક કમાન્ડો, એસ.આર.પી. બેન્ડ પ્લાટુન, ચેલા અને બાલાનિવાવ પ્લાટુન, ચેતક કમાન્ડોની બુલેટ પ્રુફ રક્ષક ગાડીનો ટેબ્લો, ગુજરાત મરીન કમાન્ડો પ્લાટુન, એસ.આર.પી. બેન્ડ પ્લાટુન, રાજકોટ ગ્રામ્ય અને મોરબી જિલ્લા પોલીસ પુરૂષ પ્લાટુન, દેવભૂમિ દ્વારકા જિલ્લા અને પોરબંદર જિલ્લા પોલીસ પુરૂષ પ્લાટુન, ગુજરાત જેલ વિભાગ પુરુષ પ્લાટુન, રાજકોટ શહેર પોલીસ મહિલા પ્લાટુન, જામનગર જિલ્લા અને સુરેન્દ્રનગર પોલીસ મહિલા પ્લાટુન, ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટુન, રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ પુરૂષ પ્લાટુન, જામનગર જિલ્લા હોમગાર્ડ પુરૂષ તેમજ ગ્રામ રક્ષક દળ પ્લાટુન, જામનગર જિલ્લા એન.સી.સી. પ્લાટુન, જામનગર જિલ્લા એસ.પી.સી. પ્લાટુન તેમજ અશ્વદળ પ્લાટુનનો સમાવેશ થાય છે.
**
પરેડમાં આકર્ષક લોકનૃત્યોનો પણ સમાવેશ
સાથે સાથે પરેડમાં ગુજરાતની અસ્મિતા તથા હાલારની સંસ્કૃતિને ઉજાગર કરતાં સાંસ્કૃતિક લોકનૃત્યોનો પણ સમાવેશ કરાયો છે. જેમાં ગુજરાત પોલીસની મહીલા તલીમાર્થીઓ દ્વારા ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતા લોકપ્રિય ગરબા, એસ.આર.પી. જુથ-૧૩ રાજકોટના તાલીમાર્થીઓ દ્વારા હાલાર પંથકની અસ્મિતાને ઉજાગર કરતા દાંડીયા રાસ, ઉત્તર ગુજરાતનુ લોક નૃત્ય રૂમાલ નૃત્ય રજુ કરશે એસ.આર.પી. અને જેલ પોલીસના તાલીમાર્થીઓ, ગુજરાતના અંતરીયાળ અને ડુંગરાળ વિસ્તારમાં રહેતા વનબંધુઓનું આદીવાસી નૃત્ય રજુ કરશે એસ.આર.પી. જુથ-૯ વડોદરાના તાલીમાર્થીઓ ભાગ લેશે. જિલ્લા કલેકટર બિજલ શાહ, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, એસ.પી.પ્રેમસુખ ડેલુ, ડીએમસી ભાવેશ જાની સહિતના અધિકારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application