BREAKING NEWS

ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટનો રિપોર્ટ રજૂ કરવા સરકારે હાઈકોર્ટ પાસે સમય માંગ્યો, તપાસ ઝડપી કરવા કોર્ટની મૌખિક ટકોર

  • December 15, 2025 05:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના ચકચારી રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ ફાઈન ન થતા ગુજરાત હાઈકોર્ટ નારાજ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગણેશ ગોંડલનો 11 ડિસેમ્બરના રોજ ગાંધીનગર એફએસએલમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેને લઈને આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સરકાર તરફથી કોર્ટને બાહેંધરી અપાઈ હતી કે સમગ્ર કેસ તપાસ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં લઈ પુરાવાઓ એકઠા કર્યા છે. જો કે હાઈકોર્ટે ગણેશ ગોંડલના નાર્કોટેસ્ટ રિપોર્ટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. જેના જવાબમાં સરકારે સ્પષ્ટતા કરી હતી કે નાર્કો ટેસ્ટનો રિપોર્ટ એક સપ્તાહની અંદર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે 15 ડિસેમ્બરના રોજ હાઈકોર્ટમાં નાર્કો ટેસ્ટનો રિપોર્ટ દાખલ કરવાનો હતો પણ તેમાં વિલંબ થતાં હાઈકોર્ટે તપાસ પ્રક્રિયા વધુ ઝડપી કરવા મૌખિક ટકોર કરી હતી. સરકારે વધુ સમય માંગતા 7 જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે. 


ગુજરાત હાઇકોર્ટે સરકારને નાર્કો ટેસ્ટમા શું થયું તે અંગે પૂછ્યું હતું. તેના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું કે નાર્કો ટેસ્ટ પૂર્ણ થઈ ગયો છે, પરંતુ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. 1 સપ્તાહમાં નાર્કો રિપોર્ટ આવશે. સરકારે વધુ સમયની માગ કરતા 7 જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે તપાસનો અહેવાલ સીલ બંધ કવરમાં રજૂ કરવા કોર્ટએ આદેશ કર્યો છે.


મૃતક રાજકુમાર જાટના પરિવારજનોએ આ બનાવને અકસ્માત નહીં પણ હત્યા ગણાવીને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ મામલે રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં નાર્કો ટેસ્ટ કરાવવા માટે અરજી કરવામાં આવી હતી. આ અરજીના જવાબમાં ગણેશ જાડેજાએ કોર્ટ સમક્ષ નાર્કો ટેસ્ટ કરાવવા માટે સહમતિ આપી હતી, જેના આધારે કોર્ટે નાર્કો ટેસ્ટ કરાવવા માટે હુકમ કર્યો હતો. જોકે, રાજકુમારનું જે બસ હડફેટે મૃત્યુ થયાનું પોલીસે જાહેર કર્યું હતું, તે બસના ચાલક રમેશ મેરની ઉંમરને ધ્યાનમાં રાખીને અદાલતે તેના નાર્કો ટેસ્ટ માટે મંજૂરી આપી નહોતી. બીજી તરફ ગણેશ જાડેજાએ મંજૂરી આપતા તેનો  નાર્કો ટેસ્ટ થયો હતો જેનો રિપોર્ટ તપાસ અધિકારી આવનારા એક સપ્તાહમાં કોર્ટમાં રજૂ કરશે.


શું હતી સમગ્ર ઘટના? 

ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, 'ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બંને ઘરે જતા રહ્યા હતા. જોકે, બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યારબાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરુ કરી હતી.'

આ દરમિયાન પોલીસને 3 માર્ચ, 2025ના દિવસે મધ્યરાત્રિએ 3 વાગ્યે કૂવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરુ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application