સ્ટાફ શોર્ટેજ દૂર કરવા માર્ગ મકાન વિભાગમાં 947 જગ્યા ભરવા સરકારનો નિર્ણય

  • March 26, 2025 09:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રસ્તા અને પુલના ધીમા અને નબળા બાંધકામની ઉઠેલી વ્યાપક ફરિયાદો પછી માર્ગ અને મકાન વિભાગમાં લાંબા સમયથી ખાલી પડેલી એકાદ હજાર જેટલી જગ્યાઓ ભરવા માટે સરકારે હવે નિર્ણય લીધો છે. માર્ગ મકાન વિભાગ હસ્તકની નવી વર્તુળ/ વિભાગીય/ પેટા વિભાગીય કચેરીઓ માટે વિવિધ સંવર્ગની કુલ ૯૪૭ નવી જગ્યાઓ ભરવામાં આવશે તેવી જાહેરાત સરકારે કરી છે.

જે 947 જગ્યાઓ ભરવામાં આવશે તેમાં અધિક્ષક ઇજનેર સિવિલ વર્ગ એક ની છ, કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ એકની 30,નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ-૨ ની ૭૮,મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ-૨ ની ૩૦૦,વર્ક આસિસ્ટન્ટ વર્ગ-3 ની 300 વિભાગીય હિસાબનીશ ની 12,કચેરી અધિક્ષક વર્ગ-3 ની 25,સિનિયર ક્લાર્ક વર્ગ 3 ની 45,જુનિયર ક્લાર્ક વર્ગ ૩ ની ૯૫,મુખ્ય નકશાકાર વર્ગ-3 ની બે, નકશાકાર વર્ગ ત્રણ ની ૧૦ અને ટ્રેસર વર્ગ ત્રણ ની 40 જગ્યાઓ ભરવામાં આવશે.

માર્ગ અને મકાન વિભાગના રસ્તાઓ મકાનો અને પુલોના બાંધકામ ગુણવત્તા યુક્ત રીતે થાય અને ભવિષ્યમાં હયાત સટ્રકચરોનું નિયમિત રીતે મરામત અને જાળવણી કરવામાં આવે તેવા આશયથી આ જગ્યાઓ ભરવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત સરકારે કરી છે. સરકારે આ માટે પગાર સહિતના ખર્ચાઓ માટે વાર્ષિક રૂપિયા 64.69 કરોડના ખર્ચનો અંદાજ મુક્યો છે.

રાજકોટ અમદાવાદ સીક્સ લેન્ડ પ્રોજેક્ટ રાજકોટ જેતપુર ફોર લેન રોડ પ્રોજેક્ટ સહિતના રસ્તાના અને બ્રિજના અનેક કામો રાજ્યભરમાં લાંબા સમયથી ચાલી રહ્યા છે. નિયત સમય મર્યાદા કરતા અનેકગણો વધુ સમય પસાર થઈ ગયો હોવા છતાં આવા કામો પૂરા થતા નથી અને ક્યારે પૂરા થશે તેની કોઈ ખાતરી પણ મળતી નથી. માર્ગ મકાન વિભાગ આ બાબતે સ્ટાફની તંગીનું કારણ આપે છે અને હવે આ સમસ્યા નિવારવા માટે સરકારે માર્ગ મકાન વિભાગમાં મોટા પાયે ભરતીનો નિર્ણય લીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application