ભાજપનાં વરિષ્ઠ નેતા હેમાબેન આચાર્યની ચીરવિદાય, મચ્છુ ડેમ તૂટ્યો ત્યારે એક મહિનો મોરબીમાં રહી લોકોની મદદ કરી, આખું જીવન સાદગીમાં વિતાવ્યું, જાણો તેની જીવન ઝરમર 

  • May 11, 2025 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




ભાજપના વરિષ્ઠ નેતા હેમાબેન આચાર્યનું આજે અવસાન થયું છે. તેઓ આખી જિંદગી સાદગીથી જીવ્યા. આજે તેઓએ જૂનાગઢમાં અંતિમ શ્વાસ લીધા. તેમના જીવનમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા પણ ડગ્યા નહિ. ચાલો આપણે જાણીએ તેમના જીવન ઝરમર વિશે.



જન્મ તારીખ ::- ૧૯/૦૮/૧૯૩૩


અવસાન: 11/05/2025


અભ્યાસ: બી. એ.


હેમાબેનનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાનાં હળવદ મુકામે થયો હતો તેમના પિતાજી જયદેવભાઈ શાળા અધિકારી હતા. જયા તેમની બદલી થાય તયાં પરિવાર સાથે લઈ જાય આમ અનેક ગામોમાં શિક્ષણ પ્રાપ્ત કરી ૧૯૫૧-૫ર વિરમગામ થી તેમના પિતાજીની બદલી જૂનાગઢ શાળાધિકારી તરીકે થઈ હેમાબેન પણ ૧૯૫૨ થી ૧૯૫૭ સુધી જૂનાગઢની એ.જી. સ્કુલ, ગર્વમેન્ટ ગર્લ્સ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે નોકરી કરી અને નોકરી કરતા કરતા બી.એ. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યુ.



તેમના પિતાજી શિક્ષણ વિભાગમાં પોતે શિક્ષક - દેશ માટે કંઈક કરી છૂટવાની ભવાના – સમાજ સેવા કરવા માટે ગ્રામ સેવા કરવી ' સરળ અને સહજ જીવન અને શ્રેષ્ઠતમ વિચાર ' એ તેમનુ કાયમનુ જીવન સુત્ર બની રહ્યુ.



૧૯૫૭માં સુર્યકાંતભાઈ આચાર્ય સાથે તેમના લગ્ન થયા તેઓ એ સમયે ઈન્કમટેકસની વકિલાત કરતા અને સંઘ-જનસંઘના મુખ્ય આગેવાન બંન્ને લોકોએ જિંદગીભર ખાદીને આત્મસાત કરી આજીવન ખાદીધાર રહ્યા. જે નિયમ આજે આજીવન સુધી જળવાઈ રહ્યો. લગ્નના ચાર-છ મહિના દરમ્યાન જ જૂનાગઢ નગરપાલિકાની ચૂંટણી આવી.


૧૯૫૮માં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ જેમાં જનસંઘના દિપક નિશાન પર કુલ -૬ સીટો જીત્યા અને એક બિનહરીફ સીટ મળી. જેમાં હેમાબહેન આચાર્ય, નારણદાસ પાઉ, અમૃતલાલ ધીયા, ગીરધરભાઈ જીવાભાઈ, ધોડા સાહેબ, ટીનુ કાકા અને ટપુભાઈ વાઘેલા બિન હરીફ ચૂંટાયા હતા.



૧૯૫૮ થી ૧૯૭૨ સુધી ગુજરાત જનસંઘની વર્કિંગ કમિટીના સભ્ય રહયા જેમાં હેમાબહેન સિવાય ,વિદ્યા બહેન આમ આખા ગુજરાત માંથી ફકત બે બહેનો જ હતા. અને ૧૯૬૯ થી ૧૯૭૧ સુધી ઓલ ઈન્ડીયા જનસંઘની વિર્કિંગ કમિટીના ગુજરાતના એક માત્ર મહિલા સભ્ય તરીકે કામગીરી કરી ત્યારે દિલ્હી, પટણા જયપુર, ઈન્દોર વિગેરે સ્થળોએ દર-૩ માસે બેઠકો મળતી જેમા હાજરી આપતા.



૧૯૫૯માં શાળા સમિતિના ચેરમેન, રેડક્રોસ સમિતિના ચેરમેન તરીકે ફરજ બજાવી ૧૯૬૭માં ફરીથી નગરપાલિકાની ચૂંટણીમાં ૨૫માંથી કુલ-૧૭ સભ્યો ચૂંટાયા હતા અને મો.લા પટેલના ધર્મપત્ની કોતા બહેન પટેલ અપક્ષ હતા. જેમણે ટેકો આપેલ ત્યારથી હેમાબહેનના મો.લા. પટેલ સાથેના ભાઈ બહેના તરીકેના સંબધો રહયા. જેણે કયારેય પાર્ટીગત કે રાજકીય સીમાઓ નડી ન હતી જેઓ ૧૯૬૯ સુધી પ્રમુખપદે રહયા આ બે વર્ષના ગાળા દરમ્યાન જનસંઘના ઓલ ઈન્ડીયાના વડા પંડિત દિનદયાલજી ઉપાધ્યાયે જૂનાગઢ રૂબરૂ આવી સહુને બિરદાવ્યા હતા. આ સમયગાળા દરમ્યાન સૌરાષ્ટ્રમાં જૂનાગઢ સિવાય માણાવદર-બોટાદ માં પણ જનસંધની સ્વતંત્ર નગરપાલિકા બની હતી.



૧૯૭૫માં તેઓ જૂનાગઢ વિધાનસભા માં ભારતીય જનસંધના નિશાન પર કોગી ઉમેદવાર વિક્રમકિશોર બુચને હરાવીને જીત્યા આમ જૂનાગઢ ધારાસભા પર આ પ્રથમ વિજય જનસંધનો હતો. આ ચૂંટણી પ્રચાર દરમ્યાન માન. અટલજીની સભા યોજાઈ હતી. ત્યાર કોંગીના ઉમેદવાર વિક્રમકિશોર બુચ જેઓ પત્રકાર પણ હતા. તેમણે આગ્રહ રાખેલ કે હુ સભામાં પત્રકાર તરીકે હાજર રહીશ. જેનો સ્વીકાર કરી તેમને પત્રકાર વ્યવસ્થામાં બેસાડયા હતા આવી ખેલ દીલી ત્યારે હતી. જેની પણ નોંધ લેવી રહી.



જનતા મોરચાની સંયુક્ત સરકાર બની અને હેમાબહેન સુર્યકાંતભાઈ આચાર્યને આરોગ્ય વિભાગ – બાળ કલ્યાણ વિભાગના મંત્રી તરીકેની જવાબદારીઓ મળી. જે તેમણે ખુબ સારી રીતે નિભાવી અને તત્કાલીન સમયે સૌરાષ્ટ્રના દરેક જીલ્લા મથકો પર માત્ર એક જ સરકારી હોસ્પીટલ હોઈ તેમા વધુને વધુ સુવિધાઓ ઉભી કરાવી હતી અને હોસ્પીટલ સંચાલન સમિતિ બનાવી તેમાં રાજકીય-સામાજીક કાર્યકરોની નિમંણુક આપી હતી, તેઓએ રાત્રી દરમ્યાન વેશપલટો કરી ગરીબ ગામડાના દર્દી બની જામનગરની સરકારી હોસ્પીટલમાં જઈને રાત્રે કેવો વ્યવહાર દર્દી સાથે થાય છે તેની જાત માહિતી મેળવી. બીજા દિવસે સવારે જરૂરી લાગ્યા તે યોગ્ય સુધારા દાખલ કરાયા, તેઓ મંત્રી હતા તે દરમ્યાન જ મચ્છુડેમ તુટયો અને મોરબીમાં જળ હોનારત થઈ ત્યારે તેઓ દિલ્લી બેઠકમાં ગયા હત ત્યાંથી તુરંત રેલ્વેમાં વડોદરા સુધી અને ચોમાસાનો સમય હોઈ લીંબડી વિસ્તારમાં ભોગાવા નદીનુ પાણી ફરી વળ્યા હોઈ ટ્રકમાં બેસીને મોરબી પહોચ્યા હતા. મોરબી હોનારત સમયે બાબુભાઈ જશાભાઈ પટેલ સરકારનુ આખુ મંત્રીમંડળ સતત એકમાસ મોરબી રહીને કાર્ય સંપન્ન કર્યુ હતુ. તેમણે આરોગ્ય મંત્રી તરીકે જે કામ કર્યું તે બદલ ઈન્ટર નેશનલ રોટરી કલબ ધ્વારા " જીન હેરીઝ એર્વોડ 'તેમને પ્રાપ્ત થયેલ.



કટોકટી સમયે મીસામાં તેમને નજરકેદ રાખ્યા હતા ઓલ ઈન્ડીયાની વ્યવસ્થા મુજબ હેમાબહેન આચાર્ય -વિધાબેન ગજેન્દ્ર ગડકર-નાથાભાઈ ઝગડા - નરેન્દ્રભાઈ મોદી સહિતનાની જવાબદારીઓ હતી તે મુજબ દરેક કાર્યક્રતાના ઘરે જઈને આર્થિક મદદ કરી તે પરિવારોને ટકાવી રાખ્યા હતા અને સોરઠના દરેક મીસાવાસીઓને ભુજ -ભાવનગર-સાબરમતી – જેલમાં સંમયાતરે રૂબરૂ મળીને બધાના દુઃખ દર્દ જાણી તે દુર કરવાના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા.



જૂનાગઢમાં અનેક પરિવારો જેવા કે નારસિંહભાઈપઠિયાર – પ્રભદાસભાઈ રાંણીગા- રતીભાઈ મસાલાવાળા – મુનીકુમાર નિર્મળ – રામચંદુભાઈ થારાણી-ચંદુભાઈ દરજી- ગોરધનભાઈ હદવાણી— ગીરધરભાઈ સાધના વાળા—બચુભાઈ અભાણી—મહેશભાઈ અજમેરા—વનુભાઈ તન્ના— રસિકભાઈ પાંચપાણી - ભરતભાઈ ગાજીપરા- પ્રફુલભાઈ ત્રિવેદી – એમ.એન. લાલવાણી – અશોકભાઈ ભટ્ટ નું સતત સારા-માઠા પ્રસંગોએ ધ્યાન રાખ્યુ સામાજીક પ્રવૃતિઓમા પણ તેમનુ ધણુજ યોગદાન રહ્યુ. પૂજય મોરારીબાપુ – પૂજયભાઈશ્રી રમેશભાઈ ઓઝાની સપ્તાહનુ સફળતા પૂર્વક એકથી વધુ વાર આયોજન કર્યુ. સમગ્ર સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ખાતે ' સમસ્ત બ્રહમ સમાજ કન્યા છાત્રાલયનું નિર્માણ કરીને દિકરીઓના ભવિષ્યને ઉજજવળ બનાવ્યુ.



સાદગી- સામયતા અને ખુમારીસભર જીવન જિવતા જૂના જનસંધશ્રી હેમાબેન આચાર્ય ટી.વી સમાચાર ,ન્યુઝ પેપરમાં આવતી નાની મોટી ઘટનાઓની નોંધ લઈને જરૂર પડે સરકાર સંગઠનના લોકનું ધ્યાન પણ દોરતા રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application