ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સદસ્ય ચંદુ ડાભીના પુત્ર નિરજ ડાભી સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં પોલીસ ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. અકસ્માતની ઘટના બાદ પંચનામુ કરી રહેલા પોલીસ સ્ટાફે પાસે આ શખસે ધસી આવી હું ભુપત ડાભીનો ભત્રીજો નીરજ ડાભી, તમને બધાને દોડતા કરી દઈશ કહીં ગાળો આપતા પોલીસે કાર્યવાહી કરી હતી.
ગોંડલ તાલુકા પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હેમલભાઈ બોરીચાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નીરજ ચંદુ ડાભી (રહે. ગોંડલ) નું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, ગઈકાલે તેઓ કોન્સ્ટેબલ જયેન્દ્રભાઇ અને દિવ્યેશભાઈ સહિતનો સ્ટાફ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માતની બનાવની તપાસ માટે બપોરના સમયે રવાના થયેલ હતા. મોવીયા ગામે પરબેશ્વર મહાદેવ મંદીર આગળ વાસાવડ રોડ ઉપર પહોંચી પંચનામું કરવાનુ હોય જેથી સાહેદ રાજુભાઈ ઝાલાને બોલવતા તેઓ બનાવવાળી જગ્યાએ આવેલ હતાં.
દરમિયાન બે પંચો કિશોરભાઈ ડાભી તથા માધવભાઇ હદવાણીને બોલાવી પંચનામું કરતા હતા ત્યારે એક વ્યક્તિ સિલ્વર કલરની ફોર વ્હીલ ગાડી લઇ ઘસી આવેલ અને પંચનામાની કાર્યવાહી ચાલુ હોય ત્યા ગાડી ઉભી રાખી બોલવા લાગેલ કે, તમો અહીં શું કરી રહ્યા છો, જેથી ગુન્હા સંબંધે હકીકતની વાત કરેલ તો તે શખસ તમામના મોબાઇલમા ફોટા પાડવા લાગતા તેને કહેલ કે, તમે અમારી કાર્યવાહીમાં અડચણરુપ ન બનો, તેમ કહેતા તે વ્યક્તિ ઉશ્કેરાઇ ગયેલ અને કહેવા લાગેલ કે, હું કોણ છુ, તમે મને ઓળખો છો? તેને ના કહેતાં કહેલ કે, હું ભુપત ડાભીનો ભત્રીજો નીરજ ચંદુ ડાભી છુ અને અમારા ભુતકાળ જોઇ લેજો તેમ કહી કહેવા લાગેલ કે, તમે આ પંચનામાં બંધ કરી નીકળો અહીંથી તેમ કહેતા તેમને સમજાવેલ તેમ છતા સમજેલ નહી.
ઉપરાંત જેમફાવે તેમ ફરીયાદીને અને સ્ટાફને જાહેરમા અપશબ્દો બોલવા લાગેલ અને કહેતો હતો કે, તમને બધાને જોઇ લઇશ અને તમને દોડતા કરી દઇશ. જેથી સાહેદ રાજુભાઈ ઝાલાએ આરોપીને સમજાવી ત્યાંથી રવાના કરી દીધેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસે આરોપી સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.