હેવલોક એપાર્ટમેન્ટમાં લિફ્ટ નીચે ચગદાઈ જવાથી બાળકીનું મોત

  • June 27, 2024 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના પંચાયત ચોક નજીક શિવશક્તિ સોસાયટી રોડ પર આવેલા હેવલોક એપાર્ટમેન્ટની લિફ્ટનો દરવાજો ખુલી જતા ત્રણ વર્ષની બાળકી નીચે ખાડામાં પડી ગયા બાદ તેની ઉપર લિફ્ટ આવતાં બાળકી કચડાઈ ગઈ હતી અને ઘટના સ્થળે મોત નિપજતા વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી હતી.
મળતી વિગત મુજબ યુનિવર્સીટી રોડ પર પંચાયત ચોક નજીક હેવલોક એપાર્ટમેન્ટમાં રહેતા અને ત્યાં જ સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા બિમલ કાર્કી(નેપાળી)ની ત્રણ વર્ષની પુત્રી મરીના આજે સવારે દસેક વાગ્યે એપાર્ટમેન્ટના પાર્કિંગની લિફ્ટ પાસે રમતી હતી ત્યારે લિફ્ટ ઉપર હોવા છતાં દરવાજો ખુલ્લો હતો અને વચ્ચે રહેલી જગ્યામાંથી નીચે ખાડામાં પડતા લિફ્ટ પણ ઉપરથી નીચે આવી જતાં કચડાઈ ગઈ હતી. બાળકીને ચીસ નાખતા માતા-પિતા દોડી ગયા હતા અને રહેવાસીઓની મદદથી બાળકીને ખાડામાંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલએ ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૂળ નેપાળના અને પાંચેક મહિના અહીં એપાર્ટમેન્ટમાં રહી બિમલભાઈ ચોકીદારીનું કામ કરે છે. એકની એક પુત્રીના મોતથી પરિવાર તેમજ એપાર્ટમેન્ટના રહેવાસીઓમાં ગમગીની છવાઈ છે. બનાવ કેવી રીતે બન્યો તે અંગે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application