ગોંડલના ગુંદાળા પાસે ગોડાઉનમાંથી રૂપિયા ૨.૨૭ લાખના લસણની ચોરી

  • July 25, 2023 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના ગુંદાળા ગામ પાસે રાધે ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા ગોડાઉનમાંથી રાત્રીના કોઈ તસ્કરો લસણ ભરેલી પ્લાસ્ટિકની ૬૫ બેગની ચોરી કરી ગયા હતા. જે અંગે વેપારીએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં રૂપિયા ૨.૨૭ લાખની કિંમતના લસણની ચોરી થયા અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે લસણની ચોરી કરનાર ટોળકીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર સિલ્વર સ્ટોન સોસાયટીમાં રહેતા અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પરમેશ્વર ટ્રેડિંગ નામની પેઢી ધરાવનાર વેપારી પ્રવીણભાઈ હરદાસભાઇ શિંગાળા(ઉ.વ ૫૫) દ્વારા ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ચોરીની આ ઘટના અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. વેપારી પ્રવીણભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓએ ગોંડલ તાલુકાના ગુંદાળા ગામ પાસે રાધે ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ત્રણ ભાડાના ગોડાઉન રાખેલા છે. આ ગોડાઉનમાં સ્થાનિક યાર્ડમાંથી તેમજ બહારના રાજ્યમાંથી લસણની ખરીદી કરી સંગ્રહ કરતા હોય છે.
​​​​​​​
ગત તારીખ ૩/૬/૨૦૨૩ ના તેઓએ કાશ્મીરથી લસણની એક ગાડી મંગાવી હોય અને ૧૮ ટન લસણ અહીં સંગ્રહ કરી ગોડાઉનમાં રાખ્યું હતું. ત્યારબાદ આ લસણમાં પ્રોસેસ કરી સારા લસણને અલગ કરી પ્લાસ્ટિકની નેટ બેગમાં ભરી સંગ્રહ કરી રાખતા હોય છે. દિવસ દરમિયાન આ કામગીરી થતી હોય છે અને સાંજે હિસાબ કરી ગોડાઉનમાં આ લસણની બેગ રાખી દેવામાં આવતી હોય છે. ગત તારીખ ૯/૭/ ૨૦૨૩ ના લસણની સાફ-સફાઈ કરી ગોડાઉનમાં રાખી સાંજના આશરે ૭:૩૦ વાગ્યે મજૂરો અહીંથી જતા રહ્યા હતા ત્યારબાદ બીજા દિવસે ૧૦/૭ ના અહીં આવતા ગોડાઉનમાં આગલા દિવસે લસણનો સ્ટોક ગોઠવેલ હોય જેમાંથી અમુક પ્લાસ્ટિકની બેગ ઓછી જણાવતા બેગ ચેક કરતા ૩૨ કિલોના વજનવાળી આવી કુલ ૬૫ બેગની ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું. વેપારીએ પ્રથમ આ મામલે પોતાની રીતે તપાસ કર્યા બાદ કોઈ મજૂરની કે કોઈ પરિચિતની સંડોવણી ન હોય તેવું માલુમ પડતાં તેમણે અંતે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં રૂપિયા ૨,૨૭,૫૦૦ ની કિંમતના લસણની ચોરી થયા અંગે ફરિયાદ નોંધાવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application