મોટા માંઢા સીમમાં જુવારમાં જુગાર : ૩ ઝબ્બે, ૪ ફરાર

  • August 19, 2023 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાવેતરની વચ્ચે ચાલતા જુગારના અખાડા પર એલસીબીનો દરોડો : ૫૩ હજાર રોકડ મળી સવા લાખનો મુદામાલ જપ્ત

ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામે જુવારના વાવેતરની વચ્ચે જુગારનો અખાડો ચાલે છે તેવી બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી, ત્રણ શખ્સોને કુલ ૧.૨૪ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જો કે આ દરોડા દરમિયાન ચાર શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ દ્વારા ગઈકાલે શુક્રવારે ખંભાળિયા પંથકના હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલસીબીના એ.એસ.આઈ. સજુભા જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા-જામનગર હાઈવે માર્ગ પર આવેલા મોટા માંઢા ગામની સીમમાં રહેતા ગઢવી નાગાજણ બુધા ભાચકનની કબજાની વાડીમાં રહેલા જુવારના વાવેતરની આડમાં બેસી અને અહીં જુગારીઓને જુગાર રમવા માટેની જરૂરી સુવિધાઓ પૂરી પાડી, તેના બદલામાં નાલ ઉઘરાવીને રમાતા જુગારના અખાડા પર એલસીબી પોલીસે ગત સાંજે દરોડો પાડ્યો હતો.
આ દરોડામાં પોલીસે કમલેશ ઉર્ફે કમલો વેરશી ભુવા, દેશુર જેસા પીંડારીયા અને માણસી ભીમા સંધીયા નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા ૫૩,૬૦૦ રોકડા તથા રૂપિયા ૫,૫૦૦ ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂ. ૬૫,૦૦૦ ની કિંમતના બે મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૧,૨૪,૧૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ દરોડા દરમ્યાન અશ્વિન ડાડુ કરમુર, રીંછા પિંડારિયા, જેસા લખમણ સખીયા અને નાગાજણ બુધા ભાચકન નામના ચાર શખ્સો નાસી છૂટ્યા હોવાનું વધુમાં જાહેર થયું છે. જે અંગે એલસીબીના એ.એસ.આઈ. સજુભા જાડેજાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
આ કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, એસ.વી. કાંબરીયા, સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, ગોવિંદભાઈ કરમુર, સચિનભાઈ નકુમ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application