ગુજરાતમાં ફૂટબોલનું ભાવિ ઉજ્જવળ છે: પરિમલ નથવાણી

  • February 20, 2024 11:29 AM 

ગુજરાતના 23 જિલ્લાના ફૂટબોલ એસોસિયેશનોએ પોત-પોતાના જિલ્લામાં તા. 16 ડિસેમ્બર 2023 થી 29 ફેબ્રુઆરી 2024 સુધીમાં બ્લુ કબ્સ લીગનું આયોજન કર્યુ


ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.)નો વર્ષ 2019માં મેં ચાર્જ લીધો ત્યારે મને અંદાજ નહોતો કે ગુજરાતમાં ફૂટબોલ માટે બાળકોમાં એક જબર્દસ્ત ક્રેઝ અંદરો અંદર જ પ્રસ્ફૂટિત થયા કરતો હતો. આ બધાં વર્ષો દરમ્યાન હું ઘણી વાર જોતો કે છોકરાંઓ મોબાઇલ ફોનમાં ફૂટબોલની મેચો જોતાં હોય. અંદરોઅંદરની વાતચીતમાં લિયોનલ મેસી કે અર્લિંગ બ્રાઉટ હલાન્ડ જેવા ખેલાડીઓ વિષે કે માન્ચેસ્ટર અને બાર્સેલોના કલબો વગેરેની વાતો કરતા હોય. અત્યાર સુધી એ બધું સહજ, સ્વાભાવિક અને સાધારણ જ માનતો હતો.


તાજેતરમાં જ્યારે મેં જાણ્યું કે રાજ્યમાં જી.એસ.એફ.એ.ની છત્રછાયા હેઠળનાં સંખ્યાબંધ જિલ્લા ફૂટબોલ એસોસિયેશનો મારફતે પાંચ વર્ષથી બાર વર્ષ સુધીનાં 4200 બાળકો વિધિવત્ ફૂટબોલ રમી રહ્યાં છે ત્યારે મને સુખદ આશ્ચર્ય થયું. પાંચ વર્ષથી નીચે, આઠ વર્ષથી નીચે, દસ વર્ષથી નીચે અને બાર વર્ષથી નીચેની વય ગ્રૂપનાં બાળકો માટે લીગ મેચો રમાઇ રહી છે. જી.એસ.એફ.એ. બ્લુ કબ્સની લીગ મેચો સિવાય પણ અન્ય રીતે બીજાં અસંખ્ય બાળકો ફૂટબોલ નિશ્ચિતપણે રમતાં જ હશે, તે જુદી બાબત છે. 


ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એ.આઇ.એફ.એફ.) દ્વારા ગત્ વર્ષે બ્લુ કબ્સનો પ્રારંભ કરવામાં આવ્યો અને રાજ્યોનાં ફૂટબોલ એસોસિયેશનોને બ્લુ કબ્સ લીગ શરૂ કરવાનું કહેવામાં આવ્યું. બ્લુ કબ્સ પાંચ વર્ષથી નીચેની વય જૂથનાં બાળકોથી લઇને બાર વર્ષથી નીચેના વય જૂથના બાળકો માટે ફૂટબોલની રમત છે જેમાંથી ભાવિ ખેલાડીઓ તૈયાર થઇ શકે. ગુજરાતમાં 23 જિલ્લા ફૂટબોલ એસોસિયેશનોએ પોતપોતાના જિલ્લામાં 16 ડિસેમ્બર 2023 થી 29 ફેબ્રુઆરી 2024 સુધીમાં બ્લુ કબ્સ લીગનું આયોજન કર્યુ છે. ઓછામાં ઓછી આઠ ટીમો રમે તેવું ધોરણ આ લીગ માટે રાખ્યું છે. બધી લીગ ડબલ લેગ ફોર્મેટમાં રમાય છે; જેમાં બે ટીમોએ સામસામે બે બે મેચો રમવાની હોય છે અને બન્ને મેચોમાં થયેલા સ્કોરના સરવાળાને આધારે વિજેતા ટીમ નક્કી થાય છે.


આ બ્લુ કબ્સ ફૂટબોલ મહાયજ્ઞમાં આખા ગુજરાતમાં 4200 બાળકો ફૂટબોલ રમી રહ્યાં છે. સુખદ આશ્ચર્ય એ બાબતનું છે કે સૌથી વધુ 550 બાળકો પંચમહાલ જિલ્લામાં રમી રહ્યાં છે. ત્યાર બાદ સુરત તથા ભાવનગર જિલ્લામાં પ્રત્યેકમાં 450 બાળકો નોંધાયાં છે. ભરૂચ અને વડોદરા જિલ્લાઓમાં અનુક્રમે 350 અને 250 બાળકો નોંધાયાં. આમ રાજ્યમાં પંચમહાલ, સુરત, ભાવનગર, ભરૂચ અને વડોદરા ટોચના પાંચ જિલ્લા છે જેમાં સર્વાધિક ઊગતા બાળ ફૂટબોલ ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા છે. બાકીના જિલ્લાઓમાં સરેરાશ 80 થી 110-120 ની રેન્જમાં બાળકો રમી રહ્યાં છે. બ્લુ કબ્સ ફૂટબોલનું આ પ્રથમ વર્ષ છે તે જોતાં આ વય જૂથના બાળ ફૂટબોલ ખેલાડીઓનો 4200નો આ આંકડો નાનો સૂનો ન કહી શકાય! પોરબંદર તથા કચ્છ જિલ્લાઓએ 10 ફેબ્રુઆરીથી પોતાની લીગ મેચો શરૂ કરી દીધી છે. બોટાદ જિલ્લો પણ તુરતમાં લીગ શરૂ કરશે.


અમુક કારણોસર અમદાવાદ, અરવલ્લી, ડાંગ, દ્વારકા, દાહોદ, તાપી, મહીસાગર, મહેસાણા, ગિર સોમનાથ અને સાબરકાંઠા જિલ્લા ફૂટબોલ એસોસિયેશનો આ વર્ષે બ્લુ કબ્સ લીગ આયોજિત નથી કરી શક્યાં તે અલગ બાબત છે. પરંતુ તેનો અર્થ એ નથી કે આ જિલ્લાઓમાં બાળકોને ફૂટબોલમાં રસ નથી!


એ.આઇ.એફ.એફ. (અને તે રીતે જી.એસ.એફ.એ. પણ)નો આ બ્લુ કબ્સ ફૂટબોલ ઉપક્રમ પાછળનો આશય એ છે કે બાળકોમાં ફુટબોલની રમત માટે રહેલા છૂપા ક્રેઝને વાસ્તવમાં મેદાન સુધી લઇ આવવો. જી.એસ.એફ.એ. તથા જિલ્લા ફૂટબોલ એસોસિયેશનોની અમારી ટીમો આ બાબતે ખૂબ ઉત્સાહિત છે. જી.એસ.એફ.એ. દ્વારા ભાગ લઇ રહેલા બધા જિલ્લાઓ પ્રત્યેકને રૂ. 60,000/- સુધીની મદદ કરવામાં આવી છે. જી.એસ.એફ.એ. ને અદાણી જૂથનો ટેકો મળ્યો છે તેથી આ બ્લુ કબ્સ લીગની સાથે અદાણીનું નામ જોડ્યું છે.


ગુજરાતે ક્રિકેટ વિશ્વને જસુ પટેલથી લઇને જસપ્રીત બુમરાહ અને વિનુ માંકડથી લઇને રવીન્દ્ર જાડેજા કક્ષાના ધુરંધર ક્રિકેટરો આપ્યા છે. હવે એ દિવસો દૂર નથી કે ભવિષ્યમાં ગુજરાતમાંથી પણ છેત્રીઓ (સુનિલ) કે ભૂતિયાઓ (ભાઇચુંગ) દેશને મળે. ગુજરાત બ્લુ કબ્સ ફૂટબોલમાં આ સામર્થ્ય અને સંભાવનાઓ નિશ્ચિતપણે ઘરબાયેલી પડી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application