રાજકોટ મનપાનો નિર્ણય : રામનવમીના દિવસે 12 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકો અને સીનીયર સિટીઝન માટે રામવનમાં નિ:શુલ્ક પ્રવેશ

  • March 29, 2023 01:34 PM 


ભગવાન શ્રી રામના આદર્શોથી આજની યુવા પેઢી તેમજ બાળકો અવગત થાય અને પોતાના જીવનમાં અમલમાં મૂકે તેવા હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ પાસે ‘રામવન-ધ અર્બન ફોરેસ્‍ટ’ બનાવવામાં આવ્યું છે. તેમાં આગામી તા.૩૦/૦૩/૨૦૨૩ના રોજ રામનવમીના દિવસે ૧૨ વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકો તથા સીનીયર સિટીઝનો માટે રામવનમાં નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.
​​​​​​​

આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, ‘રામવન-ધ અર્બન ફોરેસ્ટ’ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ નજીક ૪૭ એકર જમીનમાં અંદાજિત રૂ.૧૩.૭૭ કરોડના ખર્ચે મર્યાદાપુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જીવનચરિત્ર, મૂલ્યો અને આદર્શો દર્શાવતું સમગ્ર ભારતભરનું પ્રથમ ઐતિહાસિક અર્બન ફોરેસ્‍ટ બનાવવામાં આવ્યું છે.

રામવનના નિર્માણ અંગેનો મુખ્ય હેતુ ભારતનો સાંસ્કૃતિક પ્રાકૃતિક વારસો જાળવી રાખવાનો છે, તેમજ  અત્યારના સમયમાં સિમેન્ટ કોંક્રિટના જંગલો વધી રહ્યા છે ત્યારે પ્રકૃતિના સમતોલન માટે મોટા પાયે વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અર્બન ફોરેસ્ટ ખાતે શ્રીરામના જીવન સાથેની થીમ જોડાતા આ જગ્યા લોકો માટે પૌરાણિક કાળનાં જીવંત અનુભવ જેવી બનાવી શકાય એવો ઉદ્દેશ્ય છે. જેનો મુખ્ય દરવાજો ધનુષબાણ આકારનો છે અને ભગવાનશ્રી રામના જીવનકવનને જીવંત કરવાનો પ્રયત્ન કરાયો છે. આ ઉપરાંત રામવનમાં રામ સેતુ બ્રીજ, એડવેન્ચર બ્રિજ, કુદરતી પાણીના સ્રોતનું નવીનીકરણ, ચિલ્ડ્રન પ્લે-ગ્રાઉન્ડ, ૧૫૦ની કેપેસિટીનું એમફીથિયેટર, રાશિવન અન્ય આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે. તેમજ ભગવાન શ્રી રામના જીવન આધારીત જુદી જુદી ૨૨ પ્રતિકૃતિ મુકવામાં આવેલ છે. તો આગામી રામ નવમીના દિવશે શહેરના નગરજનોએ ખાસ કરીને બાળકો તથા સીનીયર સિટીઝનોને બહોળી સંખ્‍યામાં મુલાકાત લેવા સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કર પટેલએ અનુરોધ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application