અમદાવાના બાવળા-બગોદરા હાઈવે પર આજે પરોઢિયે દર્દનાક અકસ્માત થતા અરેરાટી મચી ગઈ હતી. એક પીકઅપ બોલેરો ટ્રક પાછળ ઘૂસી જતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ ચાર લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં બે વ્યક્તિના સારવાર દરમિયાન મોત થયા હતા. જ્યારે હજુ બે વ્યક્તિની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ સવારે બાવળા-બગોદરા હાઇવે પર વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ રામનગર નજીક એક ચાની હોટલ પાસે પૂરપાટ ઝડપે દોડતી બોલેરો પિકઅપ આગળ જઈ રહેલા એક ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હચા, જેમાં એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે.
અકસ્માતની જાણ થતા જ બે 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે અન્ય ચાર ઘાયલોને પ્રાથમિક સારવાર માટે બાવળા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ અન્ય બે લોકોના પણ મોત નીપજતાં મૃત્યુંઆંક વધીને ચાર થયો છે. મૃતક અને ઘાયલ તમામ લોકો અમદાવાદના નરોડા સ્થિત 'બાલાજી કેટરર્સ' ના કર્મચારીઓ હતા.
બાવળામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ, ઘાયલોની નાજુક હાલતને જોતા તેમને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રો અનુસાર, બે ઘાયલો પૈકી એકની હાલત અત્યંત ગંભીર જણાવાઈ રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતકોમાં અજય કટારા, પ્રકાશ કટારા, શૈલેષભાઈ અને
જ્યોત્સનાબેન રાઠોડનો સમાવેશ થાય છે.
અમદાવાદના નરોડાના બાલાજી કેટરર્સ હિતેષભાઇ જોશી ચલાવી રહ્યા છે. બગોદરા પાસે ભમાસરા ગામે ઓર્ડર હોવાથી પીરસનાર અને કામ કરનાર સ્ટાફના લોકો બોલેરો પિકઅપમાં જઈ રહ્યા હતા. અજય કટારા, પ્રકાશ કટારા અને શૈલેષભાઈ આ ત્રણ લોકો ડુંગરપુર રાજસ્થાનના રહેવાસી હતા અને નરોડા નજીક પીરસવાનું કામ કરતા હતા, તેઓના મોત થયા હતા. જ્યોત્સનાબેન રાઠોડ જેઓ નરોડા ખાતે રહે છે અને રસોઈકામમાં મદદ માટે જતા હતા તેમનું પણ મોત થયું હતું. અકસ્માતમાં ગાડીના ચાલક નાજીબખાન પઠાણ અને વાસણ ધોવાનું કામ કરનાર કિશન સરાનીયા હાલ સોલા ખાતે સારવાર હેઠળ છે.