ડાયમંડ સિટી સુરતના પાંડેસરા વિસ્તારમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. કર્મયોગી સોસાયટી પાસે આવેલી ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલના ગેટ પાસે જ ધોરણ દસના એક વિદ્યાર્થી પર ચાર સગીરોએ છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલા પાછળનું કારણ માત્ર 'નાચવા બાબતે થયેલો સામાન્ય ઝઘડો' હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર વિદ્યાર્થી પોતાની માતા સાથે બહેનના સ્કૂલ ફંક્શનમાં ગયો હતો. આ કાર્યક્રમ દરમિયાન નાચતી વખતે એક વિદ્યાર્થીનો પગ બીજા વિદ્યાર્થીને અડી જતાં સામાન્ય બોલાચાલી થઈ હતી. જોકે, આ સામાન્ય વાતનું મનદુઃખ રાખીને બદલાની ભાવના સાથે બેઠેલા ચાર સગીરોએ લોહિયાળ ખેલ ખેલ્યો હતો. જ્યારે વિદ્યાર્થી શાળાના ગેટ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે હુમલાખોરોએ તેને અટકાવ્યો હતો. તારામાં બહુ દમ છે? તેમ કહી અપશબ્દો બોલીને ઝઘડો શરૂ કર્યો હતો. જોતજોતામાં એક સગીરે છરી કાઢી વિદ્યાર્થીના પેટ અને પીઠના ભાગે ત્રણ જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં વિદ્યાર્થી ત્યાં જ ઢળી પડ્યો હતો અને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.
આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે હુમલો કરનાર સગીરો પૈકી એકે અઢી મહિના પહેલા જ ઈ-કોમર્સ સાઈટ પરથી ઓનલાઇન છરી મંગાવી રાખી હતી. પિતાએ આક્ષેપ કર્યો છે કે ટેકનોલોજીનો દુરુપયોગ કરી બાળકો હથિયારો મંગાવી રહ્યા છે, જે સમાજ માટે ખતરો છે. હુમલો કરનાર ચારેય સગીરો અન્ય શાળાઓમાં અભ્યાસ કરે છે અને તેમના પિતા લૂમ્સ તથા ડાયિંગ મિલોમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની જટિલ સર્જરી કરવામાં આવી હતી. દુઃખદ વાત એ છે કે, આજે આ વિદ્યાર્થીની ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું મહત્વનું પેપર હતું. હુમલાને કારણે તે પરીક્ષા આપી શક્યો નથી, જેના કારણે તેનું આખું વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ શારીરિક પીડા અને બીજી તરફ શૈક્ષણિક ભવિષ્યની ચિંતાએ પરિવારને ભાંગી નાખ્યો છે. ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.