BREAKING NEWS

ચાર ગુજ્જુઓના ભેજાની કમાલ...લ્યો હવે આવી ગઈ રિમોટથી ઊડતી પતંગ, પવન પડી જાય તોય કોઈ ઝંઝટ નહીં, જાણો રસપ્રદ વિગત

  • January 13, 2026 08:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતી ધારે તો શું ન કરી શકે... રિમોટથી ઊડતી પતંગ ઊડે એવું ક્યારેય સાંભળ્યું છે? જી હા, સુરતના એક યુવાને આ કરી બતાવ્યું છે. રિમોટથી ઊડતી પતંગની ખાસિયત એ છે એ દોરી વિના ઊડી શકે છે જેનાથી પક્ષીઓ ઘાયલ થવાની કોઈ શક્યતા રહેતી નથી. તેમજ પવન પડી જાય તોય પણ પતંગરરસિયાઓનો ઉત્સાહ ઓછો થતો નથી. કારણ કે આ પતંગ વગર પવને પણ સડસડાટ ઉડી શકે છે.


સુરતના વિકીની ટીમે આ સુરતી પતંગ ઇન્ડોનેશિયા, સિંગાપોર અને ચીન સહિતના આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલમાં ઊડાડી વિદેશમાં પણ આપણા દેશનો ડંકો વગાડ્યો છે. ચીનમાં તો તેણે સિલ્વર પ્રાઇઝ જીત્યો હતો અને ઇન્ડોનેશિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પતંગ ઉડાડીને ટેક્નોલોજી વિશે ચર્ચા કરવાની તક મેળવી હતી.


પતંગ માત્ર રિમોટ કંટ્રોલની મદદથી આકાશમાં ઉડે છે

વિકીએ આ પતંગના ઈનોવેશન વિશે વાત કરતા જણાવ્યું હતું કે, દર વર્ષે મકરસંક્રાંતિમાં આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે પણ તેની સાથે જોડાયેલી દોરી પક્ષીઓ અને નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થતી હોય છે. આ ગંભીર સમસ્યાનો અમે એક કાયમી અને અત્યંત આધુનિક ઉકેલ શોધ્યો છે. અમે એક એવો પતંગ તૈયાર કર્યો છે જે દોરી વગર માત્ર રિમોટ કંટ્રોલની મદદથી આકાશમાં ઉડે છે.


એક વિચારમાંથી જ રિમોટ કંટ્રોલ પતંગની સફર શરૂ થઈ

વધુમાં તેઓએ જણાવ્યું કે, એક દિવસ જ્યારે અમે મિત્રો સાથે બેઠા હતા ત્યારે સમાચારમાં વાંચ્યું કે પતંગની કાચ પાયેલી દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થાય છે અને વાહનચાલકોના ગળા કપાવાની ઘટનાઓ બને છે. આ જાણીને અમને ખૂબ દુઃખ થયું. અમને વિચાર આવ્યો કે, શું પતંગને દોરી વગર ઉડાડી શકાય? બસ, આ એક વિચારમાંથી જ રિમોટ કંટ્રોલ પતંગની સફર શરૂ થઈ.


અત્યાર સુધીમાં આવી 15 પતંગો તૈયાર કરી

વિકીએ જણાવ્યું હતું કે, અમારો હેતુ મનોરંજનની સાથે સુરક્ષાનો છે. જો આ પ્રકારના ઇનોવેટિવ પતંગોનો વ્યાપ વધશે તો ભવિષ્યમાં ઉત્તરાયણ દરમિયાન થતા અકસ્માતમાં મોટો ઘટાડો લાવી શકાશે. આજે જ્યારે આ પતંગ આકાશમાં ઉડે છે ત્યારે તે જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડે છે. આ પતંગ માત્ર આકાશમાં ઉડતું એક સાધન નથી પરંતુ, ટેકનોલોજી અને માનવીય સંવેદનાનો એક અદભૂત સંગમ છે. ચાર અલગ-અલગ ડિઝાઇનમાં આ પતંગો બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ આવી 15થી વધુ પતંગો બનાવી છે. એક પતંગ બનાવવાનો ખર્ચ 40થી 45 હજાર જેટલો થાય છે.


આ સફળતા પાછળ ટીમની અથાક મહેનત રહેલી છે. વિકી વખારિયા સાથે ભાવેશ ગોસાઈ, પ્રથમ માવાપુરી અને પાર્થ લેકડિયા - આ ચાર મિત્રોની ટીમે રાત-દિવસ એક કરીને રિસર્ચ કર્યું હતું. શરૂઆતમાં પતંગને બેલેન્સ કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી, પરંતુ હાર માન્યા વગર સતત પ્રયત્નોના અંતે આજે તેઓ સફળતાપૂર્વક આ પતંગને આકાશમાં લહેરાવી રહ્યા છે.


આકાશમાં લૂપ, રોલ અને ડાઇવ જેવા સ્ટંટ પણ કરી શકશે

આ પતંગ સામાન્ય પતંગો કરતા સાવ અલગ છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે, તેને ઉડવા માટે પવનની જરૂર પડતી નથી. પવન હોય કે ન હોય, આ પતંગ આકાશમાં સ્થિર રહી શકે છે અને મનગમતી દિશામાં ઉડી શકે છે. આ પતંગને અત્યાધુનિક રિમોટ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. દોરીવાળા પતંગમાં મર્યાદિત હિલચાલ શક્ય છે, જ્યારે આ પતંગ દ્વારા આકાશમાં લૂપ, રોલ અને ડાઇવ જેવા જટિલ સ્ટન્ટ્સ ખૂબ જ સરળતાથી કરી શકાય છે. પતંગમાં ખાસ પ્રકારની લાઇટિંગ લગાવવામાં આવી છે, જે રાત્રિના સમયે આકાશમાં અદભૂત નજારો પેદા કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application