BREAKING NEWS

1500 કરોડનું જમીન કૌભાંડઃ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા, રિમાન્ડ પૂર્ણ

  • January 07, 2026 06:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગરમાં 1500 કરોડના જમીન કૌભાંડમાં ઈડી દ્વારા તત્કાલિન અને સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલના ઘરે દરોડા પાડ્યા હતા. ઈડીએ તેમના બંગલામાંથી 100 ફાઈલ જપ્ત કરી હતી અને એસીબીમાં તેમના વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2 જાન્યુઆરીએ ઈડીએ તેમની પૂછપરછ કરતા 10 કરોડથી વધુની લાંચ લીધાનું ખુલતા ધરપકડ કરી હતી. બાદમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. આજે રાજેન્દ્ર પટેલને ફરી કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો.

જ્યુડિશિયલ કસ્ટડીમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને જેલમાં રાખવામાં આવશે, પોલીસ સ્ટેશનના લોકઅપમાં નહીં. તેઓ ઈડીની દેખરેખ હેઠળ નહીં, પણ કોર્ટની દેખરેખ હેઠળ જેલમાં રહેશે, રિમાન્ડ દરમિયાન ઈડી દ્વારા પાંચ દિવસ સુધી ચાલેલી પૂછપરછ બાદ આજે તપાસ એજન્સીએ વધુ રિમાન્ડની માંગણી કરી ન હતી. પરિણામે, કોર્ટે પૂર્વ કલેક્ટરને જેલહવાલે કરવાનો નિર્ણય લીધો હતો.


SIT ટીમ કરી રહી છે તપાસ

આ પહેલા 5 જાન્યુઆરીના રોજ  ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત અંગેના ગુનામાં તપાસ માટે ACB દ્વારા SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરવામાં આવી હતી. આ કેસની તપાસ હવે અધિક નિયામક બિપિન અહિરેના નેજા હેઠળ 6 સભ્યોની SIT ટીમ કરી રહી છે. ​​​​​​​


SITના સભ્યોની યાદી

બિપિન અહિરે, અધિક નિયામક, ACB

બી.જે.પંડ્યા,નાયબ નિયામક, વહીવટ ACB, અમદાવાદ

કે.એચ.ગોહિલ, ઇ.ચા. મદદનીશ નિયામક, રાજકોટ

આર.બી.દેસાઈ, મદદનીશ નિયામક, ACB મુખ્ય મથક, અમદાવાદ

ડી.એન.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ શહેર ACB

એમ.ડી.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, સુરેન્દ્રનગર ACB


શું છે સમગ્ર મામલો?

સુરેન્દ્રનગરમાં ખેતીની જમીનને NA (બિનખેતી) કરાવવાના મોટા પાયે ચાલેલા ખેલમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. આ કૌભાંડની ગંભીરતાને જોતા EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ તપાસમાં સામે આવ્યું હતું કે, સત્તાનો દુરુપયોગ કરીને કરોડોની જમીન બિનખેતી કરવાના બદલામાં મોટી રકમની લેતીદેતી થઈ હતી. આ મામલે અગાઉ સુરેન્દ્રનગર એસીબી (ACB)માં પણ ભ્રષ્ટાચાર નિરોધક ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં તત્કાલીન સુરેન્દ્રનગરના કલેકટર રાજેન્દ્ર પટેલે 10 કરોડની લાંચ માંગી હોવાનો આરોપ છે. કથિત જમીન એનએ કૌભાંડ 1500 કરોડનું છે તેવો દાવો થઈ રહ્યો છે.


હવે SIT તપાસના રિપોર્ટના આધારે થશે કાર્યવાહી

SITના ગઠન બાદ ACB અધિકારીઓએ જણાવ્યું હતું કે, 'SIT NA પરવાનગીઓ આપવામાં કથિત અનિયમિતતાઓ, સત્તાવાર પદનો દુરુપયોગ અને આવકના સ્ત્રોત કરતા વધુ સંપત્તિ એકઠી અંગે તપાસ કરશે. તપાસમાં મહેસૂલ રેકોર્ડ, નાણાકીય વ્યવહારો અને કથિત જમીન વ્યવહારોમાં દરેક આરોપીની ભૂમિકાની ચકાસણી કરવામાં આવશે. SITના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application