જૂનાગઢ જિલ્લા પંચાયતની હાઈપ્રોફાઈલ ગણાતી ભેસાણ બેઠક પર અત્યંત ચોંકાવનારું પરિણામ સામે આવ્યું છે. ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનો 1700 મતોથી પરાજય થયો છે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને કેસરીયો ધારણ કરનારા ભાયાણી માટે આ ચૂંટણી માત્ર જીત-હારનો વિષય નહીં, પરંતુ તેમના અસ્તિત્વ અને પ્રતિષ્ઠાનો જંગ હતી. જોકે, મતદારોએ પક્ષપલટાના રાજકારણને જાકારો આપતા રાજકીય ગલિયારાઓમાં સોપો પડી ગયો છે.
મતગણતરીના પ્રારંભિક રાઉન્ડથી જ આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ રૂપારેલીયાએ લીડ જાળવી રાખી હતી, જે અંત સુધી અકબંધ રહી હતી. ભૂપત ભાયાણીએ જ્યારે 'આપ' છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો ત્યારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ વિસ્તારમાં તેમનું વ્યક્તિગત વર્ચસ્વ પક્ષ કરતા મોટું છે. પરંતુ આ પરિણામે સાબિત કર્યું છે કે લોકશાહીમાં મતદારો સિદ્ધાંતો અને પક્ષ પ્રત્યેની વફાદારીને વધુ મહત્વ આપે છે.
ભૂપત ભાયાણીની હારથી જૂનાગઢ ભાજપ સંગઠનમાં દોડધામ મચી ગઈ છે. એક પૂર્વ ધારાસભ્ય કક્ષાના નેતા જિલ્લા પંચાયતની સીટ પણ ન બચાવી શક્યા તે આગામી ચૂંટણીઓ માટે ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિજય બાદ ઠેર-ઠેર ફટાકડા ફોડી અને અબીલ-ગુલાલની છોળો ઉડાડીને ઉજવણી કરવામાં આવી હતી. આ પરિણામોએ સૌરાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો સર્જ્યા છે, જેની અસર લાંબા સમય સુધી વર્તાશે.