ભારતના ન્યાયિક ઈતિહાસમાં એક અત્યંત સંવેદનશીલ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે 31 વર્ષીય હરીશ રાણાને ઈચ્છામૃત્યુ માટે મંજૂરી આપી છે. છેલ્લા 13 વર્ષથી પથારીવશ હરીશ રાણાના કેસમાં કોર્ટે માનવતા અને કાયદાના સમન્વય સાથે જીવન ટકાવી રાખવાની સારવાર પાછી ખેંચવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો વાંચતી વખતે બેન્ચના ન્યાયાધીશો પણ ભાવુક થયા હતા.
પંજાબ યુનિવર્સિટીના વિદ્યાર્થી હરીશ રાણાના જીવનમાં 2013માં એક દુર્ભાગ્યપૂર્ણ વળાંક આવ્યો હતો. પોતાના પીજીના ચોથા માળેથી પડી જવાથી તેમને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. આ અકસ્માતને કારણે તેઓ 'ક્વાડ્રિપ્લેજિક' (ચારેય અંગોની લકવાગ્રસ્ત અવસ્થા) અને 100 ટકા અપંગતાનો ભોગ બન્યા હતા. છેલ્લા 13 વર્ષથી તેઓ હલનચલન કરવા અસમર્થ હતા અને સંપૂર્ણપણે પથારીવશ રહીને અન્ય પર નિર્ભર હતા.
લાંબી લડાઈ બાદ હરીશના પરિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ મામલે મેડિકલ બોર્ડ, કેન્દ્ર સરકાર અને પરિવાર સાથે અનેક સ્તરે ચર્ચાઓ કર્યા બાદ જાન્યુઆરી 2026માં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
કેસની સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી અને ડોક્ટરોની ટીમે સ્પષ્ટ કર્યું હતું કે હરીશના સ્વસ્થ થવાની હવે કોઈ શક્યતા નથી. મેડિકલ બોર્ડના મતે, હવે કુદરતે પોતાનો રસ્તો અપનાવવો જોઈએ તે જ દર્દીના હિતમાં છે.
બેન્ચે ચુકાદાની શરૂઆત શેક્સપિયરની પ્રખ્યાત પંક્તિ 'ટુ બી ઓર નોટ ટુ બી' (જીવવું કે ન જીવવું) થી કરી હતી. કોર્ટે જણાવ્યું કે જ્યારે કોઈ દર્દીની શારીરિક અખંડિતતા અને ગૌરવ જળવાતું ન હોય અને તે સંપૂર્ણપણે પરાવલંબી હોય ત્યારે તેના શ્રેષ્ઠ હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો અનિવાર્ય બને છે.
સુપ્રીમ કોર્ટે આ ચુકાદા દ્વારા ફરી એકવાર ભારતમાં ઈચ્છામૃત્યુની મર્યાદાઓ સ્પષ્ટ કરી છે. જેમાં સક્રિય ઈચ્છામૃત્યુ દર્દીને ઝેરી ઇન્જેક્શન કે દવા આપીને મૃત્યુ આપવું, જે ભારતમાં સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ જે દર્દીઓ કૃત્રિમ જીવન સહાય પર છે, તેમની સારવાર પાછી ખેંચી લેવી જેથી કુદરતી રીતે મૃત્યુ થઈ શકે. ભારતની સર્વોચ્ચ અદાલતે આ પ્રક્રિયાને માન્યતા આપી છે.
કોર્ટે નોંધ્યું કે જો પ્રાથમિક અને માધ્યમિક મેડિકલ બોર્ડ સંમત હોય, તો કાયમી પથારીવશ દર્દીઓ નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ માટે પાત્ર છે. ન્યાયાધીશોએ હરીશ રાણાના માતા-પિતા અને ભાઈના અતૂટ સમર્થનની ભારોભાર પ્રશંસા કરી હતી. 13 વર્ષ સુધી હાર માન્યા વિના જે રીતે પરિવારે હરીશની સેવા કરી તે બદલ કોર્ટે સંવેદના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, પરિવારનું પ્રતિનિધિત્વ કરનાર એડવોકેટ રશ્મિ નંદકુમાર, ધ્વનિ મહેતા અને કાયદાના ક્લાર્કની ટીમના વ્યાપક સંશોધનની પણ પ્રશંસા કરવામાં આવી હતી.
આ કેસમાં 2018ના સીમાચિહ્નરૂપ 'કોમન કોઝ વિ. યુનિયન ઓફ ઈન્ડિયા' કેસનો સંદર્ભ લેવામાં આવ્યો હતો. તે સમયે કોર્ટે બંધારણની કલમ 21 હેઠળ 'ગૌરવપૂર્ણ મૃત્યુના અધિકાર'ને મૂળભૂત અધિકાર ગણાવ્યો હતો. જોકે, આજના ચુકાદાએ નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની પ્રક્રિયા અને માર્ગદર્શિકાને વધુ સ્પષ્ટ કરી છે. આ ચુકાદો માત્ર કાયદાકીય દૃષ્ટિકોણથી જ નહીં, પરંતુ માનવીય અભિગમથી પણ અત્યંત મહત્વનો છે. તે દર્દીને પીડામાંથી મુક્તિ અને ગૌરવપૂર્ણ વિદાય આપવાની હિમાયત કરે છે.