BREAKING NEWS

મનુષ્ય અમર થઈ જશે! પહેલીવાર માણસમાં વૃદ્ધત્વ રોકતી દવા ઇન્જેક્ટ કરાઈ

  • June 12, 2026 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તબીબી વિજ્ઞાનમાં એક એવો ચમત્કાર થયો છે જે અત્યાર સુધી માત્ર હોલીવુડની ફિલ્મો કે વાર્તાઓમાં જ શક્ય લાગતો હતો. વૈજ્ઞાનિકોએ માણસના વૃદ્ધ થતા કોષોને ફરીથી યુવાન બનાવવામાં (સેલ્યુલર રિપ્રોગ્રામિંગ) એક બહુ મોટી સફળતા મેળવી છે. અમેરિકાના બોસ્ટન શહેરમાં આવેલી 'લાઇફ બાયોસાયન્સે' જાહેરાત કરી છે કે તેમણે માણસની ઉંમર વધવાની પ્રક્રિયાને રોકવા અને તેને ઉલટાવવા માટે 'ઇઆર-100' નામની પ્રાયોગિક દવા તૈયાર કરી છે, અને વિશ્વમાં પહેલીવાર એક માનવ દર્દી પર તેનું ક્લિનિકલ ટ્રાયલ (પરીક્ષણ) પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ ઐતિહાસિક પરીક્ષણ શરૂઆતમાં એવા દર્દીઓ પર કરવામાં આવી રહ્યું છે જેઓ 'ગ્લુકોમા' (ઝામર) અથવા મોટી ઉંમરના કારણે પોતાની આંખોની રોશની ગુમાવી રહ્યા છે. સંશોધકોને આશા છે કે આ નવી જનીન ઉપચાર આંખના ઘરડા થઈ ગયેલા કોષોને ફરીથી સક્રિય અને જીવંત કરશે, જેનાથી દર્દીઓ પોતાની ગુમાવેલી દ્રષ્ટિ પાછી મેળવી શકશે. આ ટ્રાયલના પ્રથમ તબક્કામાં બોસ્ટન, ન્યૂયોર્ક અને લોસ એન્જલસ જેવા મોટા શહેરોમાંથી ગ્લુકોમા પીડિત ૨૦થી ઓછા દર્દીઓની પસંદગી કરવામાં આવી છે અને તેમની એક આંખમાં આ દવા ઇન્જેક્ટ કરવામાં આવી છે.

આ સારવારની પદ્ધતિ ખૂબ જ રસપ્રદ છે. પહેલા દર્દીની આંખમાં એક ખાસ જનીન દવા નાખવામાં આવે છે, ત્યારબાદ થોડા અઠવાડિયા સુધી એન્ટિબાયોટિક્સનો કોર્સ આપવામાં આવે છે. આ એન્ટિબાયોટિક શરીરમાં જઈને 'ઓન સ્વીચ' જેવું કામ કરે છે, જે કોષોને યુવાન બનાવવાની પ્રક્રિયા શરૂ કરે છે. માણસો પહેલાં, આ પ્રયોગ ઉંદર અને વાંદરાઓ પર કરવામાં આવ્યો હતો, જેમાં વૈજ્ઞાનિકો વૃદ્ધ પ્રાણીઓની આંખની નસોને ફરીથી જોડીને તેમની દ્રષ્ટિ સફળતાપૂર્વક પાછી લાવવામાં સફળ રહ્યા હતા.

આ આખા સંશોધનનો પાયો હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડેવિડ સિંકલેરની 'ઇન્ફર્મેશન થિયરી ઓફ એજિંગ' પર આધારિત છે. આ સિદ્ધાંત મુજબ, કોષો ગમે તેટલા ઘરડા થાય, તેમની અંદર યુવાનીના દિવસોનો ડીએનએ રેકોર્ડ સચવાયેલો રહે છે. વર્ષ ૨૦૦૬-૦૭માં જાપાનના વૈજ્ઞાનિક શિન્યા યામાનાકાએ શોધ્યું હતું કે ચાર ખાસ પ્રોટીન (જેને 'યામાનાકા ફેક્ટર્સ' કહે છે) ની મદદથી કોઈપણ જૂના કોષને ફરીથી નવો (સ્ટેમ સેલ) બનાવી શકાય છે. આ શોધ માટે તેમને ૨૦૧૨ માં નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો.

જ્યારે કોઈ કોષ સંપૂર્ણપણે નવો બની જાય, ત્યારે તે કેન્સરની ગાંઠમાં ફેરવાય તેવું મોટું જોખમ રહે છે. આ જીવલેણ સમસ્યાથી બચવા માટે વૈજ્ઞાનિકોએ 'આંશિક રિપ્રોગ્રામિંગ' નામની નવી ટેકનિક શોધી છે. આમાં કોષોને સાવ શૂન્ય પર લઈ જવાને બદલે, તેમની ઉંમરને માત્ર થોડી જ પાછળ ધકેલવામાં આવે છે, જેથી કોષ પોતાની મૂળ ઓળખ (જેમ કે આંખનો કોષ આંખનો જ રહે) જાળવી રાખે અને યુવાનની જેમ કામ કરવા લાગે. આ પ્રક્રિયા ખૂબ જ જોખમી હોવાથી, હાલમાં ડોક્ટરો દર્દીઓની સુરક્ષા પર ખાસ નજર રાખી રહ્યા છે. જો આ પરીક્ષણ સફળ રહેશે, તો ભવિષ્યમાં અલ્ઝાઈમર, લકવો, ગંભીર હૃદયરોગ અને સાંધાના દુખાવા જેવી અનેક અસાધ્ય બીમારીઓનો કાયમી ઈલાજ શક્ય બનશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application